Columns

ચરબી, ઘૂંટણ, ટાલ, ડાયાબિટીસ વાદાઓ, દાવાઓ અને પોકળ દવાઓ

થોડા દિવસો અગાઉ દેશના એક શ્રીમંત શ્રેષ્ઠની પુત્રની સગાઇ સમારંભની તસવીરો મીડિયા અને સોશ્યલ મીડિયામાં લોકોએ જોઇ. જે મુરતિયા કુમાર હતા એમની સ્થૂળતા ફરીને વધી ગઇ હતી. વચ્ચે કોઇક ટ્રીટમેન્ટ બાદ તરવરિયા અને ઉત્સાહી યુવાન બની ગયા હતા. આ ઘટનાથી એક સંદેશ જાય છે કે દોમ દોમ સાહયબી હોય, દુનિયાની શ્રેષ્ઠ સારવાર સેવાઓ તમારા માટે હાજરાહજૂર હોય તો પણ શરીરની અમુક સ્થિતિઓ નિવારી શકાતી નથી.

ઘણા લોકો આવી ઘટનાઓનું એવું અર્થઘટન કરતા હોય છે કે શ્રીમંતોના બાળકો માટે આહારમાં બધુ વગર મહેનતે અને સહજતાથી ઉપલબ્ધ હોય છે અને કશું કામ જાતે કરવું પડતું નથી તેથી મેદસ્વી બની જાય છે. આ પણ લોકોની એક ખોટી માન્યતા છે. આ લખનાર સૌરાષ્ટ્રના એક ગામમાં મોટો થયો છે. ગામની થોડે દૂર, અરણ્યમાં એક દેવીપૂજક (વાગુરિક)નું કુટુંબ વસતું હતું. કુટુંબનો વડો એટલો સ્થૂળ હતો કે 300 કિલોગ્રામ વજન હશે. એની ઘરવાળી એકદમ પતલી. તેઓના ઘણાં સંતાન હતા. જિંદગી શિકાર કરીને,મધ,ગુંદર,ઇંધણ એકઠા કરી ગુજારતા. નદી વહેતી હોય ત્યારે માછલાઓ પકડે. એકંદરે જીવન સંઘર્ષમય. બાળકોનું પણ, કારણ કે તેઓ પણ ભાગી રહેલા સસલાં કે તેતર પાછળ દોડે.

છતાં અમુક દીકરા અને દીકરીઓ એના પિતા જેટલા જ સ્થૂળ અને અમુક દિકરીઓ એની મા જેવી જ પતલી. જે તફાવત હતો તે વારસામાં મળેલા જીન્સનો હતો. આજે એ ભાઇની ત્રીજી અને ચોથી પેઢીનાં સંતાનો પણ એટલા સ્થૂળ છે. માટે એશઆરામની જિંદગીથી ચરબી વધે છે એ વાત સાવ ખોટી નથી, છતાં કોઇક કિસ્સામાં સાવ ખોટી પુરવાર થાય છે. માત્ર આરામપ્રદ જીવનને કારણે શરીર એટલી હદે સ્થૂળ બનતું નથી જેટલું જિન્સના વિશેષ પ્રકારને કારણે સ્થૂળ બને છે અને તે સ્થિતિનો હજી સુધી કોઇ અસરકારક ઇલાજ નથી. આરબ દેશોમાંથી એક યુવતીને થોડા વરસો અગાઉ મુંબઇની સૈફી જયુબિલી હોસ્પિટલમાં સારવાર માટે લવાઇ હતી. થોડો પોઝિટિવ ફરક જણાયો પણ ક્ષણભંગૂર નીવડયો. અમુક મહિનાની સારવાર બાદ વતન પાછી ગઇ ત્યાં મરણ પામી.

હોજરીને નાની બનાવવાની શસ્ત્રક્રિયા કે લિયોસક્‌શન જેવી શરીરમાંથી ચરબી શોષી લેવાની સર્જરીઓ પણ સફળ થતી નથી. જો કે ભારતના નાગરિક બનેલા મૂળ પાકિસ્તાનના ગાયક અદનાન સામી ચરબી ઊતારવામાં અને શરીરને મેન્ટેઈન રાખવામાં સફળ થયા છે. કહે છે કે ચિંતાથી શરીર ઘટી જાય છે, પણ દુનિયામાં સર્જનહારે એવા પ્રકારના માનવીય મોડેલ બનાવ્યા છે જેઓ માટે ચિંતા, અનિંદ્રા વગેરે જાણે કે શરીરના ખોરાક તરીકે કામ કરે છે. આવી સ્થિતિઓને કારણે અમુક લોકોના શરીર વધે. વધુ ભૂખ લાગે. વધુ ખાય.

એક નકારાત્મક વિષચક્ર શરૂ થાય. જે કન્ડિશન પ્રકૃતિમાં વારસામાં મળી હોય તેનો હાલમાં તો કોઇ ચોક્કસ ઇલાજ નથી. પરંતુ જેનેટિક એન્જીનિયરીંગ થકી તે સ્થિતિની સારવાર કરવાની અમાપ શકયતાઓ પડી છે. જીન એડિટિંગના ક્ષેત્રમાં ક્રિસ્થર નામનું સોફટવેર ટૂલ આશીર્વાદરૂપ પુરવાર થશે પણ આ ટુલનો સોનોગ્રાફીની માફક દુરુપયોગ થઇ શકે છે. ક્રિસ્પર વડે એક ઉચ્ચ કોટીની માનવજાતનું નિર્માણ શકય બની શકે છે આથી હાલમાં આ ક્ષેત્રને દુનિયાએ એક સમજૂતી કરીને હાલમાં અંકુશમાં રાખી છે. છતાં જેના થકી સારાં પરિણામો આવતા હોય તેવા સંશોધનો માટે દુનિયાએ સરળતા કરી આપવી જોઇએ, અન્યથી જિનેટિક એન્જીનિયરીંગના નામે ખાનગીમાં અર્થોને બદલે અનર્થો વધુ સમજાઇ શકે છે.

દુનિયાના લોકોએ હંમેશા નિરીક્ષણો અને તુલનાઓ કરતા શિખવું જોઇએ. શાકભાજી માર્કેટમાં 2-3 વેપારીની ચીજોના ભાવ અને ગુણવત્તા જોઇને ખરીદી કરે છે પરંતુ જયાં હેમપરીક્ષા (કસ, કાપ, ટીપ, તાપ) કરવી જોઇએ તે કરતા નથી. તમે માર્ક કરજો કે જે રોગો અસાધ્ય છે તેને સારા કરી આપવાના દાવેદારો ખૂબ ઊગી નીકળે છે. દવાને આયુર્વેદિક કે યુનાની, નિર્દોષ, આડઅસરમુકત ગણાવે. રોગ કે કન્ડિશન અસાધ્ય હોય તેથી તેઓ અનેક સારવાર કરાવી ચૂકયા હોય. તેમાં ગોવિંદા, ધર્મેન્દ્ર જેવા સમૃધ્ધ લોકો અમુક પૈસાના બદલામાં ગીધ લોકોનો પ્રચાર કરે અને જેઓએ બિમારીમાં માર ખાધો હોય તેઓને વધુ માર મરાવે. આવી છેતરપીંડીઓ રામદેવથી માંડીને, તુલસીનો અર્ક, લાલ બૂકવાળા, ઘૂંટણના સોજા, ડાયાબિટીસ, કેન્સર, કોલેસ્ટ્રોલવાળા વગેરે બધા આદરે છે.

જો રામદેવ કેન્સર મટાડી શકતા હોત તો દુનિયાને એમની એટલી જરૂર છે કે એમનું સામ્રાજય 30,000  કરોડ રૂપિયાની આસપાસ પહોંચ્યું છે તેના બદલે 30 ટ્રિલિયન ડોલર સુધી ફટાફટ પહોંચી જાય. કોઇના ઘૂંટણના સોજા મટતાં નથી. રાત્રે જેનો વધુ પ્રચાર થાય એ દવા એક છેતરપીંડી છે તેવું જ્ઞાન પ્રજાને અનુભવ અને કર્ણોપકર્ણ લાધે જયાં 4-5 વરસ વિતી જાય. લોકોની પીડા, યાતના અને મજબૂરીઓમાંથી અઢળક નાણાં રળતા લોકોએ ત્યાં સુધીમાં અઢળક નાણા કમાઇ લીધા હોય. દવાની ખોટી રીતે ઊભી કરેલી લોકપ્રિયતા શમી જાય પછી તેઓ નવી કંપની, નવી બિમારી માટે નવી ઔષધ લોન્ચ કરીને પાર્ટ-ટુ વહેતો મૂકે.

આજકાલ સાચી અને ખોટી વિગતોની ભરમાર, ખાસ કરીને તદ્દન જુઠી બાબતોની ભરમાર એટલી હદે વધી ગઇ છે કે વિગત હકીકત છે કે હવાહવાઇ છે તે જાણવા માટે એક ખાસ અભ્યાસ કરવાની જરૂર પડે છે. વિસ્તૃત જ્ઞાનપ્રાપ્તિની ઇચ્છા અને પ્રકૃતિ હોવા જોઇએ. જે દરેકમાં હોતા નથી. વાસ્તવમાં ડાયાબિટીસ જેવા આમ રોગોની પણ જટિલતાઓ આંટીઘૂંટીઓ એટલી છે કે તે માટે દરેક દર્દીને માફક આવે, અસર કરે તેવી દવાનું નિર્માણ કરવું પડે. ટેઇલર-મેઇડ. અમુક દવાઓ મેજેરિટીને અસર કરે પણ અલગ અલગ રીતે. કોઇને સારી અસર કરે.

કોઇને બિલકુલ અસર ન કરે. ત્યારે યુટયુબ, સોશ્યલ મીડિયા અને ચેનલો પર ડાયાબિટીસ, પેટની ચરબી, સફેદ દાગ, ખરતાં વાળ,ગોઠણની ઢાંકણીઓ વગેરે દૂર કરવાના ઊંચા ઊંચા દાવા અને મોંઘીદાટ દવા રજૂ કરતા લોકોથી બચવું. એ કારનામાંકારોને ખાતરી છે કે માહીમનો કોઇ મુસ્લિમ બાબા અને તબસ્સુમ મંત્રેલું પાણી વેચે અને અબજો રૂપિયા કમાઇ જાય તો રોજની પીડાથી કહરતાં લોકો બેમતલબની, બનાવટી દવાઓ તો ખરીદવાના જ. નિર્મળ બબાને અબજોપતિ બનાવી દીધો છે તો!

તો આ દ્વીધામાંથી છૂટવું કેવી રીતે? જો તમે ભણેલા હો અને નેટનો ઉપયોગ કરી શકતા હો તો અમેરિકાની પ્રસિદ્ધ હેલ્થકેર સંસ્થા ‘મેયો કિલનિક’ ની સાઇટ પર જાઓ. ત્યાં તમને બધી માહિતી પ્રમાણિકપણે મળશે. એક એવી વાત ચાલે છે કે જેમને હૃદયની તકલીફ હોય તેમણે દિવસમાં એકથી દોઢ પેગ જેટલી વ્હીસ્કી પીવી. ઘણી સ્પોન્સર્ડ લોબીઓ (જેમકે ચા લોબી, કોફી લોબી, આલ્કોહોલ લોબી કે આવી સાઇટો સીધી કે આડકતરી રીતે ચલાવે છે.) વ્હીસ્કી, ચોકલેટ વગેરેનો ખોટો પ્રચાર ચલાવે છે.

આ લખનારે મેયે (MAYO)ની સાઇટ પર જઇ તપાસ કરી તો જાણવા મળ્યું કે હૃદયરોગમાં વ્હીસ્કી કે આલ્કોહોલ પીવાના કોઇ લાભ સાબિત થયા નથી પરંતુ વ્હીસ્કી પીવાથી લિવર અને કીડની વગેરેને નુકશાન થાય છે જે હૃદયરોગની સ્થિતિમાં આવકારદાયક નથી. આવી પ્રમાણિક એક બે અન્ય સાઇટો છે. દવાની એક મોટી લોબી છે. બનાવટી દવાની એક મોટી લોબી છે. દરેક તબીબો પણ પ્રમાણિક નથી. માટે તમારા માટે જે પ્રમાણિક હોય એ ડોકટરની પણ સલાહ લો. યુટયુબ પર હાલી નીકળેલી અમુક પ્રોડકટસ વિશે પણ તબીબોને પૂછો. આપણા દેશમાં આવા અભણ નીમ હકીમ ભારત બ્લેડ વડે એક સાધન સરંજામ વગરની રૂમમાં એક સ્ત્રીનું સિઝેરિયન કરે અને સ્ત્રી મરી જાય ત્યાં બધા જ પ્રકારના ગોરખધંધા શકય છે. આવી બાબતોમાં સરકારને કશી પડી નથી. સરકારને જે પૈસા આપે એ લોબી માટે સરકાર જ છત્રીનું કામ કરે.

વિજ્ઞાનની વાત પર પાછા ફરીએ તો આજકાલ સ્થૂળતા અથવા મેદ ઊતારી આપતાં ઇન્જેકશનો પણ બજારમાં આવ્યાં છે. ઘણાને યાદ હશે કે 1986 અને 1990ની વચ્ચે ટાલ પર બાલ ઉગાડી આફતી દવાઓનો એક ખોટો ધંધો શરૂ થયો હતો. કેરળનો એક માણસ એક હેરતેલ બનાવીને અબજોપતિ થઇ ગયો. ગોદરેજ કંપની પણ અનુપ બ્રેન્ડના તેલ સાથે તેમાં કૂદી પડી હતી. તેઓનાં હીસાબના ચોપડામાં ખૂબ માલ આવ્યો પણ લોકોની ટાલ હતી એવીને એવી આજે છે. તો ચરબી ઉતારી આફવાના ઇન્જેકશનો સામે પણ પશ્ચિમના નિષ્ણાતો ચેતવી કરવાથી અમુક રાહત વરતાય પણ તકલીફ જડમૂળમાંથી ન જાય. આજકાલ લોકો સ્થૂળ વધુ માત્રામાં બની રહ્યા છે.

જીવનશૈલી, ખોરાક, ખોરાકની વિવિધતા અને ઉત્પાદનની રીતભાત, બઝારૂ ખોરાક, પેકેટોમાં મળતો જંકફૂ, માણસની ટેવો, જીન્સની પ્રકૃતિ વગેરે અનેક પરિબળો કામ કરે છે અને આજની જીવનશૈલીએ તમામ નકારાત્મક બાબતોનો સરવાળો કરીને ખુશી ખુશીથી તે સ્વીકારી છે. તેમાં રાત્રિની ઊંઘ, હવાની શુદ્ધિનું પ્રમાણ વગેરે તમામ બાબતો આવી જાય. ઘણી દવાઓ પણ સ્થૂળતા વધારે. ડિપ્રેશનની દવા કે આયુર્વેદના નામે સ્ટેરોઇડસ ભેળવેલી દવાઓ, સગવડતાભર્યું જીવન વગેરે તુરંત સ્થૂળતા વધારે છે. સ્ટેરોઇડસથી બીમારીઓ દૂર નથી થતી પણ ટુંકા ગાળા માટે મનને સારૂં લાગે છે.

વરસ 1990થી 2022 સુધીમાં સ્થૂળતાનો પ્રાદુર્ભાવ વધી ગયો છે. 1993માં UKમાં સ્થૂળ લોકોની ટકાવારી 15 ટકા હતી તે 2019માં વધીને 28 ટકા થઇ ગઇ. આ વધારો ખરેખર ચિંતાજનક ગણી શકાય. 2011માં UKમાં સ્થૂળતા ઘટાડવા માટે અથવા સ્થૂળતાને કારણે થયેલી બિમારીઓની સારવાર માત્રે લગભગ 11,000 લોકોને હોસ્પિટલોમાં દાખલ કરવા પડયા હતા. જેમને દાખલ કરવા પડયા ન હોય છતાં સ્થૂળ હોય તેવા લોકોની સંખ્યા ખૂબ મોટી છે.

જે નવી ઔષધી ઇન્જેકશન વાટે અપાઈ રહી છે. તેમાં પણ બિમારની જીવનશૈલીમાં પરિવર્તનો આણવા પડે છે. 72 સપ્તાહ અર્થત દોઢ વરસ નિયત સમયાંતરે ઇન્જેકશનો લીધા પછી વજનમાં 20 ટકાનો ઘટડો થાય. હવે નિષ્ણાતોને લાગે છે આ રીતે નાટ્યાત્મક ઢબે ચરબી ઊતરવાના ફાયદા જરૂર છે પણ જો લોકો આ રીતને જ રામબાણ માનતા થશે તો ચરબી વધવાનાં મૂળ કારણો પ્રત્યે દુર્લક્ષ આપશે અને લાપરવાહી અપનાવશે. કાક્ષ્યોવેસ્કયુલર મેડિસિનના ડોકટર ગ્રેહામ મેકગ્રેગોર કહે છે કે ચરબી વધવાનું સૌથી મોટું કારણ ખોરાક અને તેની ખોટી પસંદગી છે.

એમનું કહેવાનું છે કે શું આ રીતે બીમાર પાડી દે તેવો ખોરાક લોકોએ સ્વીકારી લેવો! બિમાર પડયા પછી દવા પણ મેડિસીન લાંબી વેચે છે. લાગે છે કે આ બન્ને લોબીઓ મળીને સાંઠગાંઠ રચી છે. પ્રથમ ખોરાક વેચો માંદા પાડો. માંદા પડે પછી દવા વેચો. એમની સલાહ એ છે કે લોકો જાગૃત થાય અને સરકારો લોબીઓમાંથી બહાર નીકળીને વિચારતી થાય તે માટે ફરજ પાડો.આ પાતળા થવાની નવી દવા પણ સલામત નથી.

Most Popular

To Top