Gujarat

કૃષિ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિના વિકાસ માટે ટેકનોલોજીના ઉપયોગથી સંશોધનો કરે- આચાર્ય દેવવ્રત

ગાંધીનગર: દેશના કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિમાં સ્નાતક-અનુસ્નાતકની ડિગ્રી હાંસલ કરનાર આણંદ કૃષિ યુનિવર્સિટીના છાત્રોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના વિકાસ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સંશોધનો કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ અપીલ કરી હતી.

આણંદ કૃષિ યુનિવર્સિટીના 19 મા દીક્ષાંત સમારોહમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે જમીનની ગુણવત્તા સુધરશે, ઓર્ગેનિક કાર્બન વધશે તો જ અન્ન અને ધન વધશે. રાસાયણિક ખાતર અને દવાઓના અતિશય ઉપયોગના દુષ્પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ. આવી પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ દિશામાં પ્રમાણિત સંશોધનો અને ટેકનોલોજીના ઉપયોગની આવશ્યકતા છે.

આપણું રાષ્ટ્ર કૃષિથી સંપન્ન અને સમૃદ્ધ ત્યારે જ થશે જ્યારે આપણી ધરતીમાતા સમૃદ્ધ થશે. ધરતી માતાને ઝેરમુક્ત કરવી હશે, માનવ જાતને સુરક્ષિત કરવી હશે, ગૌમાતાને બચાવવી હશે તો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી જ પડશે. ભારત પ્રતિવર્ષ અઢી લાખ કરોડના રાસાયણિક ખાતરની આયાત કરે છે. એટલે દેશ પર આર્થિક બોજ પણ વધે છે. એટલું જ નહીં, રાસાયણિક ખાતર-દવાઓના બેફામ ઉપયોગથી ખેડૂતોનો ખર્ચો વધે છે, જમીનની ગુણવત્તા બગડે છે, જળ-વાયુ પ્રદુષણ વધે છે, ખોરાકમાં ધીમું ઝેર ભળે છે, પરિણામે અનેક રોગો થાય છે.

વધારામાં તેઓએ કહ્યું કે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓ સર્જાય છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ જેવા પ્રશ્નો ઊભા થયા છે. જો આપણે આ રીતે જ ખેતી કરતા રહીશું તો દુનિયાને કેવી રીતે બચાવી શકીશું? એમ કહીને તેમણે કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જ સમયની માંગ છે. આ તમામ સમસ્યાઓનું સમાધાન પ્રાકૃતિક ખેતી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીનના ૧૯ મા પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ૬૨૯ વિદ્યાર્થીઓને પદવી તથા ૩૧ તેજસ્વી વિદ્યાર્થીઓને ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top