National

કપાસ પર આયાત શુલ્ક રદ્દ ન કરવા ખેડૂત ની માંગ, કેન્દ્ર સરકારને પત્ર લખાયો

કપાસ ઉગાડતા ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સુરતના ખેડૂત નેતા જયેશ એન. પટેલ દ્વારા કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ને મહત્વપૂર્ણ પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં કપાસ પર લાગતા 11 ટકા આયાત શુલ્કને યથાવત્ રાખવાની જોરદાર માંગ કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ તાજેતરમાં ક્રૂડ ઓઇલના વધેલા ભાવને કારણે કૃત્રિમ તંતુઓના ભાવમાં વધારો થયો છે. જેના કારણે ગાર્મેન્ટ અને ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા કપાસની આયાત પર લાગતા 11 ટકા શુલ્કને દૂર કરીને કપાસને ટેક્સ ફ્રી બનાવવા માટે સરકાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ ખેડૂત નેતા જયેશ પટેલે ચેતવણી આપી છે કે જો કપાસની આયાત ટેક્સ ફ્રી કરવામાં આવશે તો તેનો સીધો ફટકો દેશના કપાસ ઉગાડતા ખેડૂતોને પડશે.

જો કે વિદેશથી સસ્તા ભાવે આવતો કપાસ સ્થાનિક બજારમાં પ્રવેશતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડશે.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારત વિશ્વમાં કપાસ ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી દેશ છે, અને આવા નિર્ણયોથી દેશના ખેડૂતોને મુશ્કેલીમાં મુકવાનો ભય છે. પત્રમાં સરકારે ડ્યુટી ફ્રી કપાસ આયાત પર રોક લગાવી હાલ લાગુ 11 ટકા આયાત શુલ્ક યથાવત્ રાખવા અપીલ કરવામાં આવી છે. ખેડૂત હિતમાં યોગ્ય નિર્ણય લઈ શુલ્કમાં કોઈ ફેરફાર ન કરવા વિનંતી કરવામાં આવી છે.

જયેશ પટેલે પોતાના પત્રમાં જણાવ્યું કે જો આ નિર્ણય પર ફરી વિચાર કરવામાં નહીં આવે તો ખેડૂતો માટે આર્થિક સંકટ ઊભું થઈ શકે છે. તેમણે દેશના તમામ ખેડૂતોની તરફથી સરકારને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો છે. અંતમાં તેમણે કૃષિ ક્ષેત્રને દેશના વિકાસનો આધાર ગણાવી સરકાર દ્વારા ખેડૂતો માટે કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી અને આશા વ્યક્ત કરી કે સરકાર ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેશે.

Most Popular

To Top