ગાંધીનગર: રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ૧પ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે શરૂ થયેલી સ્માર્ટ ફોન (Smart Phone) સહાય યોજના અન્વયે પ્રતિકરૂપે ૩૩ કૃષિકારોને ૧.૮૪ લાખની સહાય ગાંધીનગરમાં (Gandhinagar) અર્પણ કરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) રાજ્યના ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય વિતરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે ખેડૂતો સરકારની પ્રાથમિકતા-પ્રાયોરિટી હંમેશા હતા અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે જ. પટેલે કહ્યું હતું કે ખેડૂતોની દરેક સમસ્યાના સમાધાનમાં સરકાર તેમની પડખે છે. પીએમ નરેન્દ્ર મોદીએ કિસાનોના હિતની ચિંતા કરી છે અને ખેડૂત કલ્યાણ યોજનાઓના સફળ અમલથી જગતના તાતને આર્થિક સમૃદ્ધિની દિશા બતાવી છે.
રાજ્યભરમાં ૭૦ જેટલા સ્થળોએથી સાડા ત્રણ હજારથી વધુ કિસાનશક્તિ આ કાર્યક્રમમાં સહભાગી થઇ હતી. આ યોજનાના પ્રારંભે રાજ્યમાં પ૯૧૧ ખેડૂતોને ૩.૩૭ કરોડ રૂપિયાની સહાય રકમ ચુકવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પીએમ મોદીએ ડિઝીટલ ક્રાંતિનો જે સંકલ્પ આપણને આપ્યો છે. તેમાં ગુજરાતનો ખેડૂત કયાંય પાછો ન પડે અને ર૧મી સદીમાં આ ડિજિટલ ક્રાંતિની સદીમાં સ્માર્ટ ફોનના વ્યાપક ઉપયોગથી કિસાન પણ સ્માર્ટ-સજ્જ બને તેવી આપણી નેમ છે.
પટેલે કહ્યું હતું કે આજના યુગમાં શિક્ષણ, માર્કેટીંગ, ફોટોગ્રાફી, જ્ઞાન-વિજ્ઞાન માટે મોબાઇલ ફોનનો ઉપયોગ વધ્યો છે ત્યારે ખેડૂતો પણ ખેતીમાં સ્માર્ટ ફોન અપનાવે તે જરૂરી છે. રાજ્ય સરકારે ખેડૂતોને આ હેતુસર સ્માર્ટ મોબાઇલ ફોન ખરીદી માટે સહાય આપવાનો ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે. આ સ્માર્ટ ફોન ધરતીપુત્રો માટે અત્યંત ઉપકારક બની રહેશે. ખેડૂતને હવે વિવિધ સહાય-લોન માટે, વાતાવરણનો વર્તારો જાણવા, ખાતર-બિયારણ પાક પદ્ધતિ જેવી વિગતો અને માહિતી માટે ખેતર છોડી કયાંય જવું પડશે નહિ, પોતાના ખેતરમાં બેઠાં જ તેને એટ વન કલીક આ બધી સુવિધા સ્માર્ટ ફોનમાં હાથવગી થશે. રાજ્યના કૃષિ વિભાગે શરૂ કરેલા આઇ-ખેડૂત પોર્ટલ પર એક જ વર્ષમાં ઓનલાઇન એપ્લિકેશનની સંખ્યા ર૭ લાખ ૩૦ હજારે પહોંચી છે તે જ ધરતીપુત્રોની જાગૃતિનું પ્રમાણ છે.