આસામના લોકપ્રિય ગાયક અને સંગીતકાર ઝુબીન ગર્ગના અવસાનથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. રવિવારે સવારે તેમનો પાર્થિવ દેહ ગુવાહાટી એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે હજારો ચાહકો ઉમટી પડ્યા હતા. એરપોર્ટ પર ચાહકોના આંસુઓ સાથે “જય ઝુબીન દા”ના નારા ગુંજી ઉઠ્યા હતા. ઘણા લોકો તેમના લોકપ્રિય ગીતો ગાતાં જોવા મળ્યા, તો કેટલાકે ભાવુક થઈને કહ્યું “ઝુબીન દા, તમારે આટલું જલ્દી કેમ જવું પડ્યું?”
એરપોર્ટ પર ચાહકોની ભીડ જામી
ગાયકના પાર્થિવ શરીરને સ્વીકારવા માટે તેમની પત્ની ગરિમા સૈકિયા ગર્ગ અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ એરપોર્ટ પર હાજર હતા. ઝુબીન ગર્ગના ચાહકોની આંખોમાં આંસુ હતા જ્યારે એરપોર્ટની બહાર હજારોની ભીડ તેમના પ્રિય ગાયકને અંતિમ વિદાય આપવા માટે આવ્યા હતા.
પ્રિય કાર પણ રહી કાફલામાં સામેલ
ઝુબીન ગર્ગની મનપસંદ કાર જેને તેઓ અનેક પ્રસંગોએ લઈને જતા હતા, તે પણ કાફલામાં સામેલ કરવામાં આવી હતી. પાર્થિવ દેહને ભારે પોલીસ સુરક્ષા વચ્ચે એરપોર્ટથી તેમના નિવાસસ્થાન સુધી લઈ જવાયો. અનેક વાહનોમાં તેમના મોટા ફોટા લગાવાયા હતા અને કેટલીક સંગીતકારોની ટીમ પણ કાફલામાં હાજર રહી.
પરિવાર સાથે અંતિમ ક્ષણો
પાર્થિવ દેહને સૌપ્રથમ કાહિલીપાડા સ્થિત તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો. જ્યાં તેને દોઢ કલાક સુધી રાખવામાં આવશે જ્યાં તેમના 85 વર્ષીય બીમાર પિતા સહિત અન્ય પરિવારજનો અંતિમ શ્રદ્ધાંજલિ આપશે.
ગાયકના પાર્થિવ શરીરને સવારે 9 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ગુવાહાટીના અર્જુન ભોગેશ્વર બરુઆ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જાહેર દર્શન માટે રાખવામાં આવશે. રાજ્યભરમાંથી હજારો લોકો પોતાના પ્રિય ગાયકને અંતિમ વિદાય આપવા માટે અહીં પહોંચશે એવી ધારણા છે.
ઝુબીન ગર્ગે માત્ર આસામી સંગીત જગત જ નહીં, પરંતુ હિન્દી સહિત ઘણી ભાષાઓ અને બોલીઓમાં પોતાની ગાયકીનો જાદૂ ફેલાવ્યો હતો. લગભગ ત્રણ દાયકાની કારકિર્દીમાં તેમણે 38,000થી વધુ ગીતો ગાયા હતા અને અનેક પેઢીઓને સંગીત દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા.
તેમના અવસાનથી સંગીત જગતમાં શોકનો માહોલ ઊભો થયો છે. ચાહકો અને સહકલાકારોએ સોશિયલ મીડિયા મારફતે તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે અને કહ્યું છે કે ઝુબીન દાની અવાજ હંમેશાં જીવંત રહેશે.