બોલીવુડની જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિતનું જીએઆઇ ગઈ કાલે તા. 6 નવેમ્બર ગુરુવારે મોડી રાત્રે હૃદયરોગના હુમલાથી નાણાવટી હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 71 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હોવાનું જણાવાયું છે. તેમના ભાઈ અને પ્રસિદ્ધ સંગીતકાર લલિત પંડિતે તેમના નિધનની પુષ્ટિ કરી છે. સુલક્ષણાના અવસાનથી ફિલ્મ અને સંગીત જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
સુલક્ષણાનો જન્મ તા.12 જુલાઈ 1954ના રોજ છત્તીસગઢના રાયગઢમાં થયો હતો. તેઓ સંગીતના પ્રખ્યાત પરિવારમાંથી આવતા હતા. પંડિત જસરાજની ભત્રીજી અને જાણીતા સંગીતકાર જોડી જતીન-લલિતની બહેન તરીકે સુલક્ષણાનો સંગીત પ્રત્યેનો શોક બાળપણથી જ દેખાતો હતો.
માત્ર 9 વર્ષની ઉંમરે તેમણે લતા મંગેશકર સાથે “સાત સમંદર પાર” ગીત ગાઈને પોતાની ઓળખ બનાવી હતી. 1975માં ફિલ્મ સંકલ્પના પ્રસિદ્ધ ગીત “તુ હી સાગર હૈ તુ હી કિનારા” માટે તેમને શ્રેષ્ઠ મહિલા ગાયિકા તરીકે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમનો અવાજ 70 અને 80ના દાયકામાં બોલીવુડના અનેક રોમેન્ટિક અને ક્લાસિકલ ગીતોમાં ગુંજતો રહ્યો.
સુલક્ષણાએ માત્ર ગાયિકા તરીકે નહીં પરંતુ અભિનેત્રી તરીકે પણ પોતાનું સ્થાન બનાવ્યું હતું. તેમણે 1975માં સંજીવ કુમાર સાથે ફિલ્મ “ઉલઝાન” દ્વારા અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેઓ “હેરાફેરી,” “અપનાપન,” “ધરમ કાંતા,” “ખાનદાન,” અને “વક્ત કી દીવાર” જેવી અનેક હિટ ફિલ્મોમાં જોવા મળી હતી.
હિન્દી ઉપરાંત સુલક્ષણા પંડિતે બંગાળી, મરાઠી, ઉડિયા અને ગુજરાતી ભાષાઓમાં પણ ગીતો ગાયા હતા. તેમનો અવાજ મધુરતા, ભાવનાશીલતા અને શાસ્ત્રીય તાલીમ માટે ઓળખાતો હતો.
અંતિમ વર્ષોમાં તેઓ એકાંતમાં જીવતા હતા અને પ્રકાશથી દૂર રહ્યા હતા. પરિવારના અહેવાલો અનુસાર છેલ્લા કેટલાક વર્ષોથી તેમની તબિયત સતત ખરાબ રહી હતી.
સુલક્ષણા પંડિત એક એવી પ્રતિભાશાળી ગાયિકા અને અભિનેત્રી, જેઓએ લતા મંગેશકર સાથે બાળપણમાં જ ગાયન શરૂ કર્યું અને પોતાના અવાજથી એક યુગને પ્રેરણા આપી.