Gujarat

અમદાવાદમાં નકલી રેલવે ટિકિટના કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે નકલી રેલ્વે ટિકિટ કૌભાંડનો પર્દાફાશ કરી 15 લોકોને ઝડપી પાડ્યા હતાં.
આ અંગેની માહિતી મુજબ, 21 માર્ચ 2026ના રોજ પ્રયાગરાજ–અમદાવાદ એક્સપ્રેસ (ટ્રેન નંબર 22968) અમદાવાદ સ્ટેશન પર પહોંચતા ટિકિટ ચેકિંગ ટીમે નિયમિત તપાસ દરમિયાન કેટલાક શંકાસ્પદ મુસાફરોને રોક્યા હતા. તપાસમાં બે મુસાફરોના ટિકિટના સિરિયલ નંબર એકસરખા હોવાનું સામે આવ્યું. ક્યુઆર કોડ સ્કેનિંગ અને ટેકનિકલ ચકાસણીમાં ટિકિટો નકલી હોવાનું સ્પષ્ટ થયું હતું. વધુ તપાસમાં જાણવા મળ્યું કે મૂળ ટિકિટોને સ્કેન કરી તેમની અનેક નકલો બનાવી મુસાફરોને વેચવામાં આવતી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રયાગરાજમાં ATVM (ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન) ફેસિલિટેટર્સ દ્વારા સંચાલિત થતી હતી.

અમદાવાદ અને પ્રયાગરાજ વચ્ચે સંકલિત કાર્યવાહી દરમિયાન 21-22 માર્ચની રાત્રે અમદાવાદ સ્ટેશન પર ઉચ્ચ અધિકારીઓએ સતત નજર રાખી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પકડાયેલા મુસાફરો દ્વારા બે મુખ્ય આરોપીઓ વિનય શુક્લા અને ગૌરવ પાંડેની ઓળખ કરવામાં આવી હતી. આ બંનેની તપાસમાં ખુલ્યું કે વિનય શુક્લાએ 20 માર્ચે પ્રયાગરાજમાંથી અમદાવાદ અને સુરત માટેની અસલી ટિકિટો મેળવી ગૌરવ પાંડેને આપી હતી. ત્યારબાદ ચૌંક વિસ્તારમાં ફરહાદ નામના વ્યક્તિની મદદથી મોંઘા સ્કેનર અને ફોટોશોપ દ્વારા નકલી ટિકીટ તૈયાર કરવામાં આવી હતી. બાદમાં અસલી ટિકિટો રિફંડ કરાવી અને નકલી ટિકિટો મુસાફરોને વેચીને ગેરકાયદેસર નફો મેળવવામાં આવ્યો હતો.
આ કેસમાં વિનય શુક્લા, ગૌરવ પાંડે અને ફરહાદ વિરુદ્ધ છેતરપિંડી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે દોષિતો વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top