સુરત : 3000 રૂપિયામાં હરિદ્વાર, આગ્રા, દિલ્હી અને મથુરામાં ખૂબ જ નજીવા દરે રહેવા જમવા સહિતની સગવડ (Facilities) આપવાનો ઝાંસો આપીને ઠગાઇ કરનાર સામે અઠવા પોલીસમથકમાં (Police Station) છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર સસ્તામાં ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવાના નામે શહેરના 800થી વધુ સિનિયર સિટિઝન સાથે ઠગાઇ કરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ ઠગાઇનો ભોગ બનેલા વડીલોએ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે મોરચો માંડ્યો હતો. અહીં 110 લોકોએ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ અડાજણ પોલીસ સ્ટેશનમાં 100થી વધુ લોકો સામે ઠગાઇનો ગુનો નોંધાયો હતો અને હવે આ ગુનામાં સંડોવાયેલા ચીટર અશોક લુણાગરિયા સામે અઠવા પોલીસ સ્ટેશનમાં પણ લોકોએ મોર્ચો ખોલી કાઢ્યો છે. અહીં પહોંચેલા 100 જેટલા લોકો પહોંચ્યા હતાં. તેમણે આ ઠગાઇ અંગે અઠવા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ફરિયાદ કરવા આવેલા લોકોના જણાવ્યા અનુસાર હાલ આરોપી તેનું નિવાસ્થાન છોડી માતા સાથે પલાયન થઇ ગયો છે અને કામરેજ વિસ્તારમાં રહેવા ચાલ્યો ગયો છે.
બારડોલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના કારોબારનો પર્દાફાશ
બારડોલી: પલસાણામાં ગેરકાયદે ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ થયા બાદ બારડોલી પુરવઠા વિભાગ પણ સક્રિય થયો છે. શુક્રવારે પુરવઠા વિભાગે ધુલિયા ચોકડી પાસે રંગોળી હોટલની પાછળથી ગેસ રિફિલિંગના ગેરકાયદે ધંધો ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત દિવસો દરમિયાન સુરતના પલસાણાના ઔદ્યોગિક વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગના નેટવર્કનો વિડીયો વાયરલ થતાં તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાદ બારડોલી મામલતદાર વિભાગ પણ સક્રિય થયો છે અને શુક્રવારના રોજ ધુલિયા ચોકડી પાસે રંગોળી હોટલની પાછળ તકદીરખાન કલંદર બેરાન નામનો ઇસમ ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતો હોવાની સૂચના મળતા જ પુરવઠા વિભાગે છાપો માર્યો હતો. ત્યાંથી 7 ગેસ સિલિન્ડર સહિત કુલ 35438 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.