મૃત્યુ દુઃખદ ઘટના છે પણ તેની સાથે સંકળાયેલી ઘણી ચીજો (જેમ કે બેસણું) રમૂજી હોઈ શકે છે. ખાસ કરીને, જેમની વિદાયનો આઘાત ન હોય એવાં જણના બેસણામાં લગ્ન જેવી જ ચહલપહલ જોવા મળશે. તેમાં શરત એટલી હશે કે, ‘જો ભી કહીએ, સૂરમેં કહીએ’ની જેમ, જે કંઈ કરો તે સફેદ કપડાં પહેરીને કરવાનું. કોરોનાકાળમાં બેસણાં ટેલિફોનિક થઈ ગયા પછી, બેસણાંનો વ્યવહાર અને તેનાં વિધિવિધાન નવેસરથી નક્કી થયાં લાગતાં નથી. એટલે, ખરખરા માટે ફોન કરતી વખતે, વીડિયો કોલ ન હોય તો પણ, ફોન કરનારે સફેદ કપડાં પહેરવાં કે નહીં, તેના વિશેની માર્ગદર્શિકા આવી નથી. વધારે આગળ વધવું હોય તો, બેસણાનો ફોન કરતી વખતે મોબાઇલનું કવર સફેદ હોવું જોઈએ કે નહીં, તે વિશે પણ વિચાર થવો જોઈએ. આ વાંચીને વ્યવહારુ લોકોને કદાચ ન ગમે કે તેમને ખરાબ પણ લાગી શકે કારણ કે, ઘણા વ્યવહારુઓ બહુ નિયમચુસ્ત હોય છે. તે માને છે કે બેસણામાં ગમ્મત થાય, પણ બેસણાંની ગમ્મત ન થાય.
ફોન-બેસણાં ઓળખીતાંપાળખીતાં માટે હોય છે પણ ફેસબુક પર કોઈના મૃત્યુની નોંધ મૂકવામાં આવે ત્યારે વિશિષ્ટ સ્થિતિ સર્જાય છે. મૃત્યુના સમાચાર અંગત વર્તુળમાંથી હોય કે જાહેર હસ્તીના, એક વાર ફેસબુક પર તે મૂક્યા પછી નીચે બે હાથ જોડેલાં ઇમોજી આવી જાય છે. ત્યાં સુધી તો બરાબર છે. ઓફલાઇન બેસણામાં યજમાનને મળતી વખતે પણ હાથ જોડીને ‘જેશીકૃષ્ણ’કે ‘જેસ્વામીનારાયણ’ જેવું કંઈક કહેવામાં આવે છે. (ફેસબુકયુગમાં મોટાં થયેલાંને એવું પણ લાગી શકે કે આ રીતે હાથ જોડનારાં લોકો ઇમોજીની કોપી કરી રહ્યાં છે.) પરંતુ જોડેલા હાથથી આગળ વધીને, છેલ્લાં થોડાં વર્ષોમાં ‘RIP’અને ‘ઓમ શાંતિ’નું ચલણ વધી ગયું છે.
‘ઓમ શાંતિ’ ફેસબુક પર આશ્વાસન-વચન તરીકે જેટલું સામાન્ય બન્યું એટલું વ્યવહારમાં પ્રચલિત ન હતું. કોઈના મૃત્યુના સમાચાર સાંભળીને ‘ઓમ શાંતિ’ બોલનારા અગાઉ ખાસ જોવામાં આવ્યા ન હતા. ઊલટું, ‘ઓમ શાંતિ’ સાંભળીને ચોક્કસ પેઢીના લોકોને તો ઋષિ કપૂરનું સુપરહિટ ગીત ‘ઓમ શાંતિ ઓમ’ યાદ આવતું હતું. ફેસબુક પર ‘ઓમ શાંતિ’ ધીમા પગલે આવ્યું અને હવે ખાસ્સું વ્યાપક છે. જો કે, ફેસબુક પર મરણના શિષ્ટાચારમાં સૌથી વધુ વપરાતું હોય તો તે RIP.
સૌ જાણે છે કે તેનો અર્થ ‘રેસ્ટ ઇન પીસ’ થાય છે-અને તે એટલું બધું ચીલાચાલુ લાગે છે કે તેમાં મૌલિકતા ઉમેરવા માટે, ‘પીસ’ની જગ્યાએ બીજા શબ્દો ઉમેરવામાં આવે છે. જેમ કે, રેસ્ટ ઇન મ્યુઝિક, રેસ્ટ ઇન ક્રિકેટ…તેનો શો અર્થ થાય, એવો પ્રશ્ન અસ્થાને છે. મૌલિકતાનો મામલો હોય ત્યાં અર્થ શોધવા બેસવાથી વેદિયામાં ખપી જવાય અને બાળકોનાં નવાં, ફેન્સી નામ પાડતી વખતે અર્થ શોધવાની જરૂર ન લાગતી હોય તો મરણના મામલામાં ચૂંથ કરવાની શી જરૂર?
ફેસબુક પર નિયમિત રીતે હાજરી ધરાવતા લોકોને ખ્યાલ હશે કે અમુક પ્રકારની પોસ્ટમાં, શરૂઆતના 5-7 કમેન્ટ કરનારા જ પોસ્ટ વાંચતા હોય છે. ત્યાર પછીના કમેન્ટ કરનારા ઉપરની કમેન્ટ વાંચીને જ કામ ચલાવી લે છે. ઉપર RIP લખ્યું હોય, એટલે બીજા લોકો પણ પોસ્ટ વાંચ્યા વિના ખરખરે આવી જાય છે અને RIP ચોંટાડીને આગળ વધી જાય છે. થોડો વખત આવું ચાલે એટલે મરણની પોસ્ટની નીચે RIPની એવી લાઇન પડી જાય છે કે પોસ્ટ મૂકનાર રેસ્ટલેસ (બેચેન) થઈ જાય.
RIP લખનારા લોકોના મનમાં એ ત્રણ અક્ષર ટાઇપ કરવા પૂરતો પણ ગંભીરતાનો ભાવ હોય છે કે નહીં, તે વિશે સમાજશાસ્ત્રીઓએ હજુ સુધી સંશોધન કર્યું લાગતું નથી. ખરેખર તો એવું સંશોધન બેસણામાં જનારા લોકો વિશે પણ કરવાનું બાકી જ હશે કેમ કે, બેસણામાં પાંચ મિનિટ માટે ગયેલા લોકો પણ, તેમના કાબૂમાં જે નથી એવા વિષયોની ચિંતા અને ચર્ચા કરતા હોય તો બિચારા ફેસબુકવાળાનો શો વાંક? તે એક જણના સ્ટેટસ પર RIP લખતો હોય, ને બીજે ચાર ઠેકાણે તેણે યુદ્ધમેદાનમાં ઝંપલાવવાનું હોય, પોતાના કિમતી અને પવિત્ર વિચારોની ચકલી ચાલુ કરવાની હોય, (બીજાની) બહેનોની તસવીરો નીચે કયા શબ્દોમાં પ્રશંસા વ્યક્ત કરવી, જેથી બ્લોક ન થવાય-તેનો વિચાર કરવાનો હોય… આવી મલ્ટીટાસ્કિંગની મનોદશા વચ્ચે તે RIP લખે, એટલું જ તેની સામાજિકતા અને સંવેદનશીલતા દર્શાવવા માટે પૂરતું નથી?
ફેસબુક મુખ્યત્વે લખવા માટેનું અને ફોટા મૂકવા માટેનું માધ્યમ છે. તેમાં વાંચનારા ઓછા જ હોય છે એટલે ક્યારેક કોઈ વયોવૃદ્ધની વર્ષગાંઠની પોસ્ટ પર પણ, વાંચવાની આળસે અને વ્યવહારુ બનવાનું છોડી નહીં શકવાની મજબૂરીએ, એક જણ RIP લખી દે એટલે થયું. ફેસબુક-વ્યવહારુઓની નજર પોસ્ટ કરતાં પહેલાં કમેન્ટ પર જતી હોય છે. એટલે, વર્ષગાંઠ પર એક RIP આવ્યા પછી, પાછળ RIPની લાઇન પડી શકે છે. તે સ્થિતિ કોઈની વર્ષગાંઠની પાર્ટીમાં સફેદ ઝભ્ભો-લેંઘો કે સફેદ સાડી-ડ્રેસ પહેરીને પહોંચી જવા જેવી છે, પણ પ્રેમમાં, યુદ્ધમાં ને ફેસબુક પર બધું ચાલે-એવું લોકો માને છે એટલે વાત હસવામાં નીકળી જાય છે. બર્થ ડેની પોસ્ટ પર RIPની કમેન્ટની જેમ, આખેઆખું ફેસબુક હસવામાં નીકળી જાય તો વધારે ફાયદો ન થાય?