નવી દિલ્હી: ભારત સહિત વિશ્વના કેટલાક ભાગોમાં મંગળવારે સાંજે થ્રેડ (Thread), જી-મેલ (G-mail), યુટ્યુબ (Youtube) અને સોશિયલ નેટવર્ક ફેસબુક (Facebook) અને ઈન્સ્ટાગ્રામ (Instagram) ડાઉન થયા હતા. જેના કારણે ઘણા યુઝર્સને તેમના એકાઉન્ટમાં લોગ ઇન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જો કે આશરે એક કલાક બાદ ફેસબુક અને દોઢ કલાક બાદ ઈન્સટાગ્રામ સર્વિસ ફરી ચાલુ થઈ હતી.
જણાવી દઇયે કે યુઝર્સે થ્રેડ, ગૂગલ અને મેટાની માલિકીના પ્લેટફોર્મ્સ સાથે કનેક્ટ કરતી વખતે થયેલી મુશ્કેલીઓ અને નેટવર્ક આઉટેજ વિશે અન્ય સોશિયલ નેટવર્ક એક્સ, વ્હોટ્સ-એપ જેવી ઓનલાઇન પોર્ટલનો સહારો લીધો હતો. તેમજ આ એપ્સના ઓપરેટીંગ સેન્ટરને જાણ કરવાનો પ્રયાસ કર્યો હતો.
મંગળવારની રાત્રે મેટા કંપનીના બંને પ્લેટફોર્મ્સ પર યુઝર્સને લોગઈન કરવામાં અને ફીડ રીફ્રેશ કરવામાં સમસ્યા આવવા લાગી હતી. ફેસબુક પર યુઝર્સના એકાઉન્ટ આપમેળે લોગઆઉટ થયા હતા. જ્યારે ઈન્સ્ટાગ્રામ પર નવી ફીડ રીફ્રેશ થઈ રહી ન હતી. અમુક યુઝર્સે યુટ્યુબ પર વીડિયો સ્ટ્રીમીંગ અંગે પણ ફરિયાદ કરી હતી.
આ સાથે જ એક્સના હરિફ થ્રેડમાં પણ સમસ્યા આવી હતી. જો કે એક્સની સર્વિસ ચાલુ હતી. યુઝર્સે પોતાની સમસ્યા જણાવવા એક્સનો સહારો લીધો હતો. ત્યારે એક્સ દ્વારા પોસ્ટ કરી આ અંગે ટેકનિકલ એરરની પુષ્ટી કરવામાં આવી હતી.
ડાઉન ડિટેક્ટર મુજબ રાત્રે 9 વાગ્યા સુધી 3 લાખથી વધુ લોકોએ ફેસબુક જ્યારે 21 હજારથી વધુ લોકોએ ઈન્સાટાગ્રામમાં સમસ્યા આવવાની ફરિયાદ કરી હતી. તે પૈકી 52 ટકા લોકોએ લોગ-ઈનની સમસ્યા જ્યારે 40 ટકા લોકોએ એપમાં અને 8 ટકા લોકોએ વેબસાઈટમાં સમસ્યા હોવાની ફરિયાદ કરી હતી. ફેસબુકે પોસ્ટ કરી કહ્યું હતું, ‘અમને ખબર છે કે લોકોને અમારી સેવાઓમાં સમસ્યા આવી રહી છે અમે તેનું સમાધાન કરવાના પ્રયાસ કરી રહ્યા છે.’
હજુ પણ Facebook, Instagram માં લૉગ ઇન કરવામાં મુશ્કેલી આવી રહી છે? આ પદ્ધતિઓ અપનાવો
વેબ વપરાશકર્તાઓ આ પગલાં અનુસરવા
- જો તમે વેબ બ્રાઉઝરમાં Facebook અને Instagram નો ઉપયોગ કરી રહ્યાં છો અને લોગ ઇન કરી શકતા નથી, તો વેબ પેજ રિફ્રેશ કરો.
- આ પછી પણ જો તમને લોગ ઈન કરવામાં સમસ્યા આવી રહી છે, તો તમારા વેબ બ્રાઉઝરની સેટિંગ્સમાં જઈને કેચ સાફ કરો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોગ ઇન કરો.
- જો તમે ઇચ્છો તો તમે અન્ય બ્રાઉઝર્સમાં પણ આ પ્લેટફોર્મ ખોલી શકો છો.
- તેમ છતા જો તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સેસ કરવામાં સમસ્યા આવી રહી હોય તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના હેલ્પ FAQ પર જાઓ.
સ્માર્ટફોન યુઝર્સે આ સ્ટેપ્સ ફોલો કરવા જોઈએ
- જો તમે તમારા સ્માર્ટફોન પર આ બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મની એપ્સમાં લોગ ઇન કરી શકતા નથી, તો એપને ફરીથી ઇન્સ્ટોલ કરો.
- આ પછી લોગ ઇન કરવાનો પ્રયાસ કરો. જો ટૂ ફેક્ટર ઓથેંન્ટિકેશન ચાલુ હોય, તો તમને કોડ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે
- આ કિસ્સામાં, પ્રથમ વેબ બ્રાઉઝર પર જાઓ અને આ પ્લેટફોર્મ્સમાં લોગ ઇન કરો અને ત્યાંથી તમારા Phoneને અધિકૃત કરો. આમ કરવાથી તમે આ એપ્સમાં લોગ ઇન કરી શકશો.