અમદાવાદમાં 12 જૂનના રોજ એર ઈન્ડિયાના વિમાન સાથે થયેલી દુર્ઘટનાને લઇને એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા જારી કરાયેલા પ્રારંભિક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર દુર્ઘટનાની મુખ્ય શક્યતાઓમાં એન્જિનના ફ્યુઅલ સ્વિચના કટઓફને જવાબદાર માનવામાં આવી રહી છે.
AAIBના જણાવ્યા પ્રમાણે, દુર્ઘટનાની પળો પહેલા બંને એન્જિનના ફ્યુઅલ સ્વિચો લગભગ સમકાળે બંધ થયા હતા અને તરત જ ફરીથી ચાલુ કરાયા હતા. આ ઘટનાથી વિમાને નિયંત્રણ ગુમાવ્યું અને તે ક્રેશ થયું. રિપોર્ટમાં ટેકનિકલ ખામી અંગે ચેતવણી પહેલાંથી આપવામાં આવી હતી તેમ પણ ઉલ્લેખ છે.
વિશેષ વાત એ છે કે રિપોર્ટમાં વર્ષ 2018માં યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા જારી કરાયેલી ચેતવણીનો ઉલ્લેખ છે. FAAએ પોતાના સ્પેશિયલ એરવર્થિનેસ ઇન્ફોર્મેશન બુલેટિન (SAIB NM-18-33)માં બોઇંગ વિમાનોના ફ્યુઅલ સ્વિચના લોકીંગ સિસ્ટમમાં ખામી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
આ ચેતવણીમાં જણાવાયું હતું કે કેટલાક બોઇંગ વિમાનોમાં ફ્યુઅલ સ્વિચો તેમની લોકિંગ સ્થિતિ વિના સીધા ચાલુ કે બંધ કરી શકાય છે, જે અકસ્માતને આમંત્રણ આપી શકે છે. FAAએ એ પણ સલાહ આપી હતી કે તમામ એરલાઇનોએ આ લોકીંગ સિસ્ટમની તપાસ કરવી જોઈએ અને જરૂરિયાત મુજબ તેને બદલવી જોઈએ.
તેમ છતાં, FAAએ આ મુદ્દાને “અસુરક્ષિત સ્થિતિ” તરીકે ગણાવી નહીં અને કોઈ ફરજિયાત માર્ગદર્શિકા જારી ન કરી. પરિણામે, એર ઈન્ડિયાએ પણ આ મુદ્દે કોઈ પગલાં નથી લીધાં.
AAIBના રિપોર્ટ પછી, Airline Pilots Association of India (ALPA) ના પ્રમુખ સેમ થોમસે અહેવાલની નિષ્પક્ષતાપર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે રિપોર્ટ પાયલટ્સને દોષી ઠેરવવાનો પ્રયત્ન કરે છે, જ્યારે હકીકતમાં ટેકનિકલ ખામીને કેન્દ્રમાં લાવવી જોઈએ.