Gujarat

સ્ક્રીનના વધતાં ઉપયોગથી બાળકોમાં આંખનો રોગ વધ્યો

અમદાવાદ: આધુનિક ટેકનોલોજીની વધતા નાના બાળકોમાં આંખને લગતી માયોપિયા રોગની બીમારીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. હાલમાં 5થી 15 વર્ષ સુધીના બાળકોમાં આ રોગનું પ્રમાણ 25%થી વધારે છે. જો તેને અટકાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં આ પ્રમાણ વધીને 5૦ ટકા સુધી પહોંચી શકે છે. નાના બાળકોમાં વધતા જતા માયોપિયા રોગ તેમજ અન્ય આંખોને લગતી બીમારીને અટકાવવા અમદાવાદમાં આવતીકાલથી ઓલ ગુજરાત ઓપ્થેલમોલોજીકલ સોસાયટી દ્વારા બે દિવસની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓલ ગુજરાત ઓપ્થેલમોલોજીકલ સોસાયટીના સેક્રેટરી જગદીશ રાણાએ જણાવ્યું હતું કે મોબાઈલ, ટીવી, એલઇડી, કોમ્પ્યુટર સહિતની સ્ક્રીનના વધારે પડતા ઉપયોગને કારણે નાના બાળકોને આંખોની તકલીફ વધારે જોવા મળી રહી છે. ખાસ કરીને જે શાળાઓમાં આઉટડોર રમતોનું પ્રમાણ ઓછું છે. તેવી શાળાઓના વિદ્યાર્થીઓમાં માયોપીયા રોગનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે.

અમદાવાદમાં આવતીકાલથી ઓલ ગુજરાત ઓપ્થેલમોલોજીકલ સોસાયટી દ્વારા શરૂ થનાર બે દિવસીય કોન્ફરન્સમાં ભારતમાંથી 500થી વધુ આંખના નિષ્ણાત તજજ્ઞ ભાગ લેવાનાર છે. આંખની બીમારીઓને લઈ 14 જેટલા જુદા જુદા વિષયો ઉપર આ નિષ્ણાતો દ્વારા ચર્ચા વિચારણા કરી તેની સારવાર અંગે માહિતી આપવામાં આવશે. એઆઈ ટેકનોલોજી આંખના રોગોમાં કેવી રીતે મદદરૂપ થાય તે અંગે પણ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

Most Popular

To Top