નવી દિલ્હી: મણિપુરના (Manipur) કુકી ઉગ્રવાદીઓએ (Kookie Extremists) ફરી એક વાર આતંકવાદી હુમલો (Terrorist Attack) કર્યો હતો. અસલમાં આ હુમલો મણિપુરના મુખ્યમંત્રી (Chief Minister of Manipur) એન બિરેન સિંહના (Biren Singh) અગ્રિમ સુરક્ષા કાફલા પર કરવામાં આવ્યો હતો. હુમલો આજે સોમવારે 10 જૂનના રોજ કરવામાં આવ્યો હતો. જેમાં 1 જવાન ઘાયલ થયાના અહેલો સામે આવ્યા હતા. હાલ ઘાયલ જવાનોને નજીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ ઘાત ગોઠવી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક જવાન ઘાયલ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એડવાન્સ સિક્યોરિટી ટીમ ઈમ્ફાલથી જીરીબામ જિલ્લા તરફ જઈ રહી હતી. બરાબર આ સમયે સવારે 10.30 વાગ્યે, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-37 (ઇમ્ફાલ-સિલચર વાયા જીરીબામ) પર કાંગપોકપી જિલ્લાના કોટલેન નજીક ટી લાઇજાંગ ગામમાં હુમલો કરવામાં આવ્યો હતો.
સોમવારે થયેલો આ હુમલો ઝેડ કેટેગરીના સુરક્ષાકર્મીઓ ઉપર કરવામાં આવ્યો હતો. તેમજ સીએમનો કાફલો હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો. સમગ્ર મામલે અધિકારીઓએ કહ્યું કે સુરક્ષા દળોના વાહનો પર ઘણા રાઉન્ડ ફાયરિંગ ચલાવવામાં આવ્યું હતું, ફાયરિંગ બાદ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. પરંતુ આ દરમિયાન એક જવાન ઘાયલ થઇ જતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ આ જવાન તબીબોના નિરિક્ષણ હેઠળ છે.
સમગ્ર મામલે એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રી બિરેન સિંહ હજી સુધી દિલ્હીથી ઈમ્ફાલ પહોંચ્યા નથી, તેઓ જીરીબામ જવાની અને જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવાની યોજના બનાવી રહ્યા હતા.” ત્યારે આ પહેલા શનિવારે, શંકાસ્પદ આતંકવાદીઓએ જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, એક બીટ ઓફિસ અને ઓછામાં ઓછા 70 ઘરોને આગ ચાંપી દીધી હતી. આ ઘટના બાદ રવિવારે રાજ્યમાં સ્થિતિ ‘તંગ’ પરંતુ ‘કંટ્રોલમાં’ રહી હતી. તેમજ શનિવારની ઘટના બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
ઘાયલ સુરક્ષા દળ હોસ્પિટલમાં દાખલ
આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા સુરક્ષા દળને ઈમ્ફાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે ઘાયલોની સંખ્યા વધી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે સીએમ એન બિરેન સિંહની મુલાકાત પહેલા મણિપુર પોલીસની સુરક્ષા ટીમ જીરીબામ ગઈ હતી. હાલમાં આ મામલે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે.