મિડલ ઈસ્ટમાં ચાલી રહેલું સંકટ હવે વધુ ઉગ્ર બની રહ્યું છે, જ્યાં ઈરાનએ ગલ્ફ વિસ્તારમાં સ્થિત અમેરિકાના સૈન્ય મથકો પર ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરીને પોતાના આક્રમક વલણનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. કુવૈત, જોર્ડન અને બહેરીન સ્થિત બેઝિસને નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલો વચ્ચે કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન હુમલા બાદ ફ્યુઅલ ટેન્કમાં આગ લાગી હતી, જ્યારે સાઉદી અરેબિયાએ પોતાના હવાઈ વિસ્તારમાં ચાર ડ્રોન તોડી પાડ્યાનો દાવો કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પએ 15 મુદ્દાનો શાંતિ પ્રસ્તાવ આપી એક મહિનાના સીઝફાયરનો સૂચન કર્યો હોવા છતાં ઇરાને ઈરાને તેને સખત શબ્દોમાં નકારી કાઢતા જણાવ્યું કે તે અમેરિકાની રાજદ્વારી પર વિશ્વાસ નથી કરતું. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો કે હુમલાઓ શત્રુના જીવાદોરી સમાન લક્ષ્યો પર કરવામાં આવ્યા છે, જ્યારે ઈરાનના સૈન્ય પ્રવક્તાઓએ ટ્રમ્પના દાવાઓની મજાક ઉડાવીને કહ્યું કે અમેરિકા વાસ્તવમાં પોતાની સાથે જ વાટાઘાટો કરી રહ્યું છે. ઈરાનના દૂતાવાસોએ પણ સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા સાથે કોઈ સીધી કે પરોક્ષ વાતચીત ચાલી રહી નથી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ આરોપ મૂક્યો કે ભૂતકાળમાં ચાલતી વાટાઘાટો દરમિયાન પણ અમેરિકાએ હુમલા કર્યા હતા, જેને ઈરાન ‘રાજદ્વારી વિશ્વાસઘાત’ તરીકે જોઈ રહ્યું છે. આ કારણે હાલ બંને દેશો વચ્ચે સંવાદની શક્યતાઓ લગભગ બંધ જેવી સ્થિતિમાં છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે પરિસ્થિતિને શાંત કરવા પ્રયાસો તેજ બન્યા છે. ચીનએ યુદ્ધ વિરામ માટે અપીલ કરી છે, જ્યારે પાકિસ્તાને મધ્યસ્થી કરવાની ઓફર આપી છે. સાથે જ તૂર્કિયે અને ઈજિપ્ત પણ આગામી દિવસોમાં સંવાદ માટે પ્રયત્નશીલ હોવાનું માનવામાં આવે છે. જમીન પર પણ યુદ્ધની અસર ગંભીર રીતે દેખાઈ રહી છે. ઈરાનમાં સતત હુમલાઓને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 243 લોકોના મોત થયાના અહેવાલો છે. બીજી તરફ ઈઝરાયલમાં પણ ઈરાન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વેરહાઉસ સહિતના સ્થળોને નિશાન બનાવાયા છે. લેબેનૉન તરફથી યુદ્ધમાં જોડાયેલા હિઝબુલ્લાહએ દાવો કર્યો છે કે તેણે ઈઝરાયલના ફાઇટર જેટને ઇન્ટરસેપ્ટ કર્યો, જોકે તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સાથે જ ઈરાનના સમર્થિત જૂથોએ ઈરાકના ઇરબિલમાં અમેરિકન સૈનિકો રહેલા ઠેકાણે હુમલો કર્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. ઈરાને એક વીડિયો જાહેર કરીને કહ્યું છે કે તે અનેક વખત ઈઝરાયલ પર મિસાઈલ હુમલા કરી ચૂક્યું છે, જે સંઘર્ષની ગંભીરતા દર્શાવે છે. આ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો છે કે સાઉદી અરેબિયા અમેરિકા સાથે મળીને ઈરાન સામે યુદ્ધમાં સહભાગી છે, જે નિવેદનથી મિડલ ઈસ્ટમાં રાજકીય તણાવ વધુ વધી શકે છે. બીજી તરફ અમેરિકાની સંસદમાં ટ્રમ્પની યુદ્ધ સત્તાઓ ઘટાડવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે, જે બતાવે છે કે અમેરિકા અંદરથી પણ આ મુદ્દે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. આ બધા વચ્ચે એ સ્પષ્ટ થાય છે કે સતત મિસાઈલ હુમલા, રાજદ્વારી આરોપો અને નિષ્ફળ શાંતિ પ્રયત્નો મિડલ ઈસ્ટને વધુ મોટા સંઘર્ષ તરફ ધકેલી રહ્યા છે, જ્યાં હાલ કોઈ તાત્કાલિક ઉકેલ દેખાતો નથી.