World

ઇન્ડોનેશિયાની મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન વિસ્ફોટ, 50થી વધુ ઘાયલ

ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આજ રોજ તા. 7 નવેમ્બરે શુક્રવારની નમાજ દરમિયાન એક મસ્જિદમાં થયેલા જોરદાર વિસ્ફોટથી 15 વિદ્યાર્થીઓ અને પાંચ શિક્ષકો સહિત 50થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના નૌકાદળના કમ્પાઉન્ડમાં આવેલી સ્કૂલની મસ્જિદમાં બની હતી.

જકાર્તાના કેલાપા ગેડિંગ વિસ્તારમાં આવેલી સ્ટેટ સિનિયર હાઇ સ્કૂલ 72 (SMA Negeri 72)ની મસ્જિદમાં બપોરે 12:30 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. મસ્જિદ નૌકાદળના કમ્પાઉન્ડની અંદર આવેલી હોવાથી ઘટનાસ્થળે તરત જ નૌકાદળના કર્મચારીઓ અને પોલીસ પહોંચી ગઈ હતી. માહિતી મુજબ વિસ્ફોટ સમયે મસ્જિદમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેટલાક સ્થાનિકો હાજર હતા.

સાક્ષીઓના જણાવ્યા મુજબ ઉપદેશ શરૂ થતાની સાથે જ અચાનક જોરદાર અવાજ આવ્યો અને મસ્જિદમાં ધુમાડો ફેલાઈ ગયો. લોકો ભાગવા લાગ્યા હતા. જેના કારણે ભીડમાં અફરાતફરી મચી ગઈ.

મસ્જિદના એક શિક્ષક બુડી લક્સોનોએ જણાવ્યું કે “વિસ્ફોટ પછી આખું રૂમ ધુમાડાથી છવાઈ ગયું હતું. હાજર તમામ બાળકો રડતા અને ચીસો પાડતા બહાર દોડી આવ્યા.” મોટાભાગના લોકોને કાચના ટુકડાથી ઇજા થઈ હતી. જ્યારે કેટલાકના કાનને નુકસાન થયું હતું. તમામ ઘાયલોને નજીકના કેલાપા ગેડિંગ ક્લિનિકમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત હાલ સ્થિર છે.

વિસ્ફોટ બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે વિસ્તારને ઘેરી લીધો હતો અને સમગ્ર મસ્જિદની તપાસ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યું કે પ્રારંભિક તપાસમાં વિસ્ફોટનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી પરંતુ સંભાવના છે કે તે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અથવા ખામીયુક્ત ઉપકરણના કારણે થયો હોઈ શકે છે.

જોકે પોલીસને ઘટનાસ્થળેથી કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે. જેમ કે ઘરે બનાવેલા બોમ્બના ભાગો, રિમોટ કંટ્રોલ, એરસોફ્ટ ગન અને રિવોલ્વર જેવા હથિયાર. ફોરેન્સિક અને બોમ્બ ડિસ્પોઝલ નિષ્ણાતો આ સામગ્રીની તપાસ કરી રહ્યા છે.

શાળા તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે અને વિસ્તારને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું છે કે વિસ્ફોટની તપાસ ચાલુ છે.

Most Popular

To Top