National

દાઉદ ઈબ્રાહીમે ભારતમાં આતંકી હુમલો કરવા સુરત અને મુંબઈમાં મોકલ્યા કરોડો રૂપિયા

નવી દિલ્હી: 1993માં આતંકી હુમલો કરીને સમગ્ર મુંબઈને હચમચાવી દેનાર મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહીમ (Daud Ibrahim) અને છોટા શકીલ (Chhota Shakeel) ફરી ભારત પર આતંકી હુમલો (Terrorist attack) કરવાની તૈયારી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. આ બાબતનો ખુલાસો NIAના એક રીપોર્ટમાં થયો છે. ટેરર ફંડિંગ કેસમાં NIAએ દાખલ કરેલી ચાર્જશીટમાં આ બાબતનો ખુલાસો કર્યો છે. ભારત પર હુમલો કરવા દાઉદે હવાલા મારફતે કરોડો રૂપિયા ભારતના બે શહેરોમાં મોકલ્યા છે.

NIAનાં રિપોર્ટ અનુસાર, દાઉદે પાકિસ્તાન (Pakistan) થી દુબઈ (Dubai) હવાલા મારફતે સુરત (Surat) અને મુંબઈ (Mumbai) માં 25 લાખ રૂપિયા મોકલ્યા છે. આ રૂપિયા આરીફ શેખ અને શબ્બીર શેખ નામના શખ્સને મોકલવામાં આવ્યા છે. આ બંને શખ્સોએ છેલ્લાં ચાર વર્ષમાં દાઉદ અને છોટા શકીલ પાસેથી હવાલાનાં 12-13 કરોડ રૂપિયા સ્વીકાર્યા હોવાની સ્ફોટક વિગતો પણ એનઆઈએની તપાસમાં બહાર આવી છે. સુરતનાં હવાલા ઓપરેટરની પૂછપરછમાં આ માહિતી બહાર આવી છે. સુરક્ષાનાં કારણોસર આ હવાલા ઓપરેટરની ઓળખ એજન્સી દ્વારા ગુપ્ત રાખવામાં આવી છે.

દુબઈનો આ શખ્સ સ્વીકારતો હતો પૈસા
આ સમગ્ર મામલે તપાસ દરમિયાન દુબઈનાં એક શખ્સનું નામ ઉછળ્યું છે. દુબઈમાં રાશિદ મારફાની ઉર્ફે રાશિદ ભાઈ વોન્ટેડ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલના હવાલાનાં પૈસા સ્વીકારતો હતો. ત્યારબાદ રાશીદ આ પૈસા સુરત અને મુંબઈ મોકલાવતો હતો.

ચાર્જશીટમાં દાઉદ, શકીલ ઉપરાંત અન્ય નામ પણ…
NIAની ચાર્જશીટમાં દાઉદ, શકીલ, તેના સાળા સલીમ ફળ, આરીફ શેખ અને શબ્બીર શેખના નામનો ઉલ્લેખ છે. જે પૈકી સલીમ ફળ, આરીફ શેખ અને શબ્બીર શેખની ધરપકડ કરવામાં આવી છે. NIAએ પોતાની ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે કેવી રીતે આતંકવાદી ગતિવિધિઓ માટે પાકિસ્તાનથી 25 લાખ રૂપિયા ભારતમાં મોકલવામાં આવ્યા હતા. NIAએ દાવો કર્યો હતો કે શબ્બીરે 5 લાખ રૂપિયા રાખ્યા હતા અને બાકીના રૂપિયા આરિફને સાક્ષીની સામે આપ્યા હતા. નોંધનીય છે કે 9 મે, 2022 ના રોજ શબ્બીરના ઘરની તલાશી દરમિયાન તેની પાસેથી 5 લાખ રૂપિયા મળી આવ્યા હતા.

ડી કંપનીના નિશાના પર ઘણા શહેરો હતા, તોફાનો કરાવવા મોકલ્યા હતા પૈસા
ડી-કંપની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી એનઆઈએની ચાર્જશીટ મુજબ, ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને દેશના મોટા રાજનેતાઓ અને ઘણી મોટી હસ્તીઓ નિશાન બનાવી રહ્યા છે. એટલું જ નહીં, દાઉદે ભારતના જુદા જુદા શહેરોમાં રમખાણો આયોજિત કરવા માટે ડી કંપનીને તગડી રકમ પણ મોકલી હતી. તેમાં ભારતની રાજધાની નવી દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈ ટોચની યાદીમાં હતા.

Most Popular

To Top