સેલવાસ : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી (Dadra nagar haveli)ના કરાડ ગામમાં મધુબન ડેમ-વીઆઈપી ગેસ્ટ હાઉસ રોડ પાસે ખનકીમાં કોઈ એક્સપાયરી ડેઇટની દવાનો (Expiry date medicine) મોટા પ્રમાણનો જથ્થો નાંખી ગયું હોવાની ચોંકાવનારી વિગત જાણવા મળી છે. આ દવાનો જથ્થો કોઈ મેડિકલ સ્ટોર (Medical store)ના લોકો નાંખી ગયા હોવાનું હમણાં તો અનુમાન કરવામાં આવી રહ્યું છે. જોકે જે પ્રકારે એક્સપાયરી ડેઇટનો દવાનો જથ્થો આ વિસ્તારમાં કોઈ ફેંકી ગયું છે તે પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ ચિંતાનો વિષય છે. હાલ તો આરોગ્ય વિભાગ અને વન વિભાગને આની જાણ થતાં દવાનો જથ્થો હટાવી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી વિગત મુજબ, દાનહના કરાડ ગામે મધુબન ડેમ વીઆઈપી ગેસ્ટહાઉસ તરફ જતા રસ્તા પર આવેલી એક ખનકીમાં એક્સપાયરી ડેઇટવાળી દવાનો મોટો જથ્થો જોતા સ્થાનિક યુવકોએ આરોગ્ય વિભાગ અને વનવિભાગનો સંપર્ક કર્યો હતો. કરાડના આ વિસ્તારમા અનેક વન્ય જીવો રહે છે. તેમજ જૂની દવાઓ ખનકીમાં નાખી હોવાથી ત્યાનું પાણી પ્રદૂષિત થવાની સંભાવના જોવા મળી છે. જો કે આ દવાનો મોટો જથ્થો કોણ અહીં નાખી ગયુ છે એની હજુ જાણકારી મળી નથી. દવાઓ સાથે અનેક કોસ્મેટિક સામાન પણ જોવા મળ્યો છે. હેર કલર તેમજ બીજી અન્ય વસ્તુઓ પડેલી જોવા મળી હતી. જે આસપાસના વિસ્તારના પાણીને પ્રદૂષિત કરી શકે છે. સ્થાનિક મેડિકલ સ્ટોરના માલિકો સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, દવી બનાવતી કંપનીઓને એક્સપાયરી ડેઇટના ત્રણ મહિનામાં દવા પરત કરવાની હોય છે. પરત કરાયેલી દવાઓની જે તે સ્ટોર વાળાઓને ક્રેડિટ નોટ મળતી હોય છે. તેમ છતાં આ પ્રમાણે દવાનો યોગ્ય નિકાલ કરવાને બદલે ખનકીમાં નાખવી એ જીવલેણ સાબિત થઇ શકે છે. જોકે આ દવા કોણે અહીં નાખી છે એ તપાસનો વિષય બની ચૂકયો છે. સ્થાનિક લોકો દ્વારા માંગ ઉભી થવા પામી છે કે આ પ્રમાણે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર પર કાયદાકીય પગલા લેવા જોઈએ.
એક્સપાયરી ડેઇટની દવાના નમૂના લઇ તપાસ શરૂ કરવામાં આવી
કરાડ ગામમાં એક્સપાયરી ડેઇટની દવાનો જથ્થો ફેંક્યો હોવાની જાણકારી મળતાં પ્રસાશન તપાસ માટે સક્રિય બન્યું હતું. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે આ દવાઓ અહીંથી દૂર કરાશે. અહીં અનેક વન્ય જીવો છે. ઘટનાની જાણ આરોગ્ય વિભાગને થતા તેઓએ અધિકારીને મોકલી દવાઓના સેમ્પલ લેવડાવ્યા હતા. હવે તપાસ બાદ કોણ અહીં દવા ફેંકી ગયું છે તેની જાણકારી મળી શકશે.