Gujarat

ગુજરાતમાં દિવસે ગરમી રાત્રે ઠંડીનો અનુભવ!

અમદાવાદ : ગુજરાતમાં હાલ હવામાનનું ડબલ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. એક તરફ દિવસ દરમિયાન ગરમી ધીમે ધીમે પકડાઈ રહી છે, તો બીજી તરફ સવાર અને રાત્રિના સમયે હજુ ઠંડીનો અહેસાસ યથાવત્ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ડીસા અને વલ્લભ વિદ્યાનગરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જેના કારણે વહેલી સવારે ઠંડકનો માહોલ અનુભવાયો હતો.

બીજી તરફ રાજ્યના મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન સતત ઊંચું નોંધાઈ રહ્યું છે. કંડલા પોર્ટ પર સૌથી વધુ 35 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, કેશોદ અને સુરતમાં પણ 35 ડિગ્રી સુધી પારો પહોંચ્યો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં 34 ડિગ્રી, વડોદરામાં 34 ડિગ્રી અને ભાવનગર, પોરબંદર તથા મહુવામાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજમાં 33 ડિગ્રી, નલિયામાં 32 ડિગ્રી અને દમણમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગ મુજબ પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના પાકિસ્તાન વિસ્તારમાં 1.5 કિમી ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે. સાથે જ મધ્ય ટ્રોપોસ્ફિયરમાં પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) પણ સક્રિય છે, જેના કારણે હવામાનમાં આ પ્રકારની ભિન્નતા જોવા મળી રહી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કરેલી આગાહી મુજબ , આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. ત્યારબાદ તાપમાનમાં ખાસ કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.હાલની સ્થિતિને જોતા દિવસ દરમિયાન ગરમી વધુ તીવ્ર બનવાની શક્યતા છે, જ્યારે સવાર અને રાત્રે હળવી ઠંડી યથાવત્ રહેશે. આમ, ગુજરાતમાં હવામાનનો આ “હોટ-એન્ડ-કૂલ” મિક્સ આગામી દિવસોમાં પણ ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top