Columns

21મી સદીમાં અસ્તિત્વ ટકાવવાના બોધપાઠ….

આ પ્રાસંગિક માહિતીના પૂરમાં ડૂબેલી આ દુનિયામાં સ્પષ્ટતા એક મોટી શક્તિ છે. કોઈ વ્યક્તિ મનુષ્યના ભવિષ્યની ચર્ચામાં ભાગ લઈ શકે છે પણ તેને માટે સ્પષ્ટ દૃષ્ટિ રાખવી એ પડકાર છે. એવું હંમેશાં જોયું છે કે કોઈ ચર્ચા ચાલતી હોય ત્યારે આપણું ધ્યાન તે તરફ નથી હોતું અથવા તો આપણે ચર્ચામાં મહત્ત્વનો પ્રશ્ન શો છે તે નથી જાણતા. તે વિશે જાતતપાસ કરવી તે વિલાસ-સમૃદ્ધિ સૌની પાસે હોતી નથી કારણ કે તેનાથી જરૂરી કામો આપણી પાસે છે, જે આપણે કરવા પડે છે. આપણે કામ પર જવાનું હોય છે. બાળકોનું પાલનપોષણ કરવાનું હોય છે અથવા તો આપણાં વૃદ્ધ મા-બાપની સારસંભાળ રાખવાની હોય છે. બદકિસ્મતે, ઇતિહાસ કોઈ જ છૂટ આપતું નથી. જો મનુષ્યના ભવિષ્યનો નિર્ણય તમારી ગેરહાજરીમાં થાય છે તો તેનો અર્થ એ નથી કે તમે તેના પરિણામોથી બચી શકો છો. પછી ભલે તમે એવું કારણ ધરો કે તમે તમારા બાળકોના પેટ ભરવા કે તેનું શરીર ઢાંકવા અર્થે ખૂબ વ્યસ્ત હતા. આ અન્યાયની વાત છે; પરંતુ કોણ કહે છે કે ઇતિહાસ ન્યાયપૂર્ણ હોય છે?”

જાણીતા પબ્લિક ઇન્ટેલેક્ચુઅલ યુવાલ નોઆહ હરારીના પુસ્તક ‘21વી સદી કે લિએ 21 સબક’ના પ્રસ્તાવનાનો આરંભિક ભાગ અહીં ટાંક્યો છે. યુવાલ નોઆહ હરારી વર્તમાન વિચારની દુનિયાને અતિક્રમી ગયા છે. તેમના વિચારો દુનિયામાં હવે પછી જે ચક્ર ગોઠવાઈ રહ્યું છે તે મૂકી આપે છે. ટેક્નોલોજી અને ઇન્ફોર્મેશનનો ધોધ આપણા જીવન પર કેવી અસર કરશે તે ઠીક ઠીક રીતે બતાવી આપે છે. જે રીતે આપણી આસપાસનું વાતાવરણ ધૂંધળું બની ચૂક્યું છે અને તે સમજવા માટે સામાન્ય સમજણ આપણને કામ નથી આવતી ત્યારે યુવાલ નોઆહ હરારીનું આ પુસ્તક ઉપયોગી થાય એવું છે. સૌથી અગત્યની બાબત તો એ છે કે આ સદીથી જે શીખ આપણે લેવાની છે તેના પર જ પુસ્તક ફોકસ કર્યું છે.

યુવાલ નોઆહ હરારીએ અહીં કેટલાક પ્રશ્નો આપણી સમક્ષ મૂક્યા છે કે આપણી અંતરદૃષ્ટિ વર્તમાન ઘટનાઓ અને માનવ સમાજોની તત્કાલ મુશ્કેલીઓનો અર્થ સમજવામાં આપણી કેવી રીતે મદદ કરી શકે છે? આ સમયે ખરેખર શું થઈ રહ્યું છે? આપણે કઈ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ? આપણે બાળકોને શું શિખવાડવું જોઈએ? આ સવાલો અગત્યના છે પણ સમયના વહેણમાં અત્યારે અટકીને વિચારવાનું જૂજ લોકો જ કરે છે. તે વિશે આગળ યુવાલ નોઆહ હરારી કહે છે કે, “નક્કી સાત અરબ લોકો પાસે સાત અરબ એજન્ડા છે અને જેમ પહેલાં પણ કહેવામાં આવ્યું છે કે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વિચારવું એ એક દુર્લભ વિલાસિતા છે. મુંબઈના ચાલીછાપરાંમાં બે બાળકોનું પાલન કરી રહેલી તેમની એકલી માતાનું ધ્યાન આવનારા જૂન મહિનામાં ભોજનની વ્યવસ્થા કરવામાં લાગેલું છે. ભૂમધ્ય દરિયાની વચ્ચે હોડીમાં સવાર શરણાર્થી જમીનના કોઈ ટુકડાની શોધમાં ક્ષિતિજમાં દૂરસુદૂર જોઈ રહ્યા છે અને ક્ષમતાથી વધુ ભરાયેલી લંડનની એક હોસ્પિટલમાં મૃત્યુ પામી રહેલી એક વ્યક્તિ એક વધુ શ્વાસ લેવા માટે પોતાની પાસેની બધી જ શક્તિ લગાવી રહી છે. આ બધાની વચ્ચે પૃથ્વી પર વધી રહેલું તાપમાન અથવા તો ઉદાર લોકશાહીના સંકટની સરખામણીએ ઘણી બધી તત્કાલની સમસ્યાઓ છે.”

યુવાલ હરારી એ બાબતે ખૂબ સ્પષ્ટ છે કે આ સમસ્યાઓનો ઉકેલ તે નહીં આપી શકે બલકે તે એમ કહે છે કે, “હું તેમની પાસેથી શિખવાની આશા રાખું છું.” મતલબ કે આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે ટકે છે તેનું આશ્ચર્ય યુવાલને પણ છે. આ બધી ચર્ચાનું કેન્દ્રબિંદુ યુવાલ હરારીએ આલેખિત કરી આપ્યું છે કે, “આજની દુનિયામાં શું થઈ રહ્યું છે અને આ ઘટનાઓનો ગર્ભિત અર્થ શો છે?” આ સંલગ્ન તેમણે કેટલાક વર્તમાન પ્રશ્નોને સામે મૂક્યા છે જેમ કે, “ખોટા સમાચારોની મહામારીથી આપણે કેવી રીતે બચી શકીએ છીએ? ઉદાર લોકતંત્ર સંકટમાં કેમ છે? એ કઈ સભ્યતા છે જેની હાલમાં બોલબાલા છે – પશ્ચિમી, ચીની, ઇસ્લામી? શું યુરોપ બહારથી આવનારાં લોકો માટે પોતાના દ્વાર ખુલ્લા રાખવા માંગે છે? આતંકવાદની સમસ્યાને આપણે કેવી રીતે ઉકેલીએ?”

આ બધા પ્રશ્નોનો ઠીકઠીક જવાબ યુવાલ હરારીએ મૂકી આપ્યો છે. તેઓના કથાનક આપણી આસપાસ જે ચાલી રહ્યું છે તેનું પરિણામ આપણને દર્શાવી રહ્યા છે. એક સ્થાને તેઓ કહે છે : “વીસમી સદીના અંત વખતે એવો અનુભવ થઈ રહ્યો હતો કે, ફાસીવાદ, સામ્યવાદ અને ઉદારવાદની વચ્ચે વિચારધારાની લડાઈમાં અંતે ઉદારવાદે જબરજસ્ત જીત મેળવી છે. એવું લાગતું હતું કે, દુનિયાની લોકતાંત્રિક, રાજનીતિ, માનવાધિકાર અને મુક્ત બજારમાં મૂડીવાદનો વિજય નિશ્ચિત છે. પરંતુ જેમ થતું આવ્યું છે હવે ઇતિહાસે એક વળાંક લીધો છે અને ફાસીવાદ તથા સામ્યવાદને ધ્વસ્ત કરનાર ઉદારવાદ હવે મુશ્કેલીમાં છે. તો આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ?”

આ રીતે યુવાલ હરારીએ 21મી સદીની શીખમાં કામ, આઝાદી, સમાનતા, સમુદાય, સભ્યતા, રાષ્ટ્રવાદ, ધર્મ, આંતકવાદ, યુદ્ધ, ઈશ્વર, ધર્મનિરપેક્ષતા, ન્યાય, સત્ય અને શિક્ષણ જેવી ગંભીર બાબતો ઉમેરી છે. આ તમામ મુદ્દા એવા છે જેની સ્પષ્ટ સમજ આપણી સમક્ષ મુકાતી નથી અને ખાસ તો એવું વાતાવરણ બનાવી રાખવામાં આવે છે કે બહુમતી લોકો આ બધા જ મુદ્દા પર અટવાયેલા રહે અને તેનાથી રાજકીય ઉદ્દેશ હાંસલ કરી શકાય.

આવી રહેલા પરિવર્તનોથી માત્ર આપણી અર્થવ્યવસ્થા કે સમાજ જ નહીં બદલાય, બલકે તેની અસર આપણા શરીર અને મસ્તિષ્કની સંરચના પર પણ થશે. આ અંગે યુવાલ કહે છે : “ભૂતકાળમાં આપણે મનુષ્યો પોતાની બહારની દુનિયાને નિયંત્રિત કરવાનું શીખી ચૂક્યા હતા પરંતુ આપણી અંદરની દુનિયા પર નિયંત્રણ ઓછું રહેતું. આપણને એવું તો આવડે છે કે ડેમ કેવી રીતે નિર્માણ કરી શકાય અથવા તો નદીના વહેણને કેવી રીતે રોકી શકાય પરંતુ આપણે શરીરને વૃદ્ધ થવાથી અટકાવી શકતા નથી. આપણી કાનની આસપાસ જ્યારે કોઈ મચ્છર ગણગણે અને આપણી ઊંઘમાં ખલેલ પહોંચાડે ત્યારે તેને કેવી રીતે મારવો જોઈએ તે આપણને ખબર છે પરંતુ કોઈ વિચાર આપણા દિમાગને ખલેલ પહોંચાડતો હોય તો તે આપણી રાતની ઊંઘ હરામ કરી દે છે. તો આપણામાંથી મોટા ભાગના લોકો એ નથી જાણતા કે તે વિચારને કેવી રીતે મારી શકાય.” આવી તો અસંખ્ય આંખ ઉઘાડનારી બાબતો યુવાલ આપણી સમક્ષ મૂકે છે.

તેણે આ બધી બાબતો પર ખૂબ વિચાર કર્યો છે અને તેની સાથેનો વર્તમાન સંદર્ભ તેણે જોડ્યો છે જેથી તેના વિચારોને સહેલાઈથી સમજી શકાય છે અને એટલે જ યુવાલ એક ઠેકાણે ટાંકે છે : “પરિવર્તન હંમેશાં તનાવપૂર્ણ હોય છે અને એકવીસમી સદીની આરંભે ભાગમભાગ ભરી દુનિયામાં તનાવની વિશ્વસ્તરીય મહામારીને જન્મ આપ્યો છે.” આ બધું જ તેઓ રોજગાર સંદર્ભે ચર્ચામાં જણાવે છે. આ રોજગારી કેવી રીતે મશીન આધારિત થઈ રહી છે તે વિશે પોતાનો અનુભવ જ યુવાલ લખે છે કે, “જ્યારે હું પુસ્તક પ્રકાશિત કરું છું ત્યારે પ્રકાશકો તેનો સંક્ષિપ્ત વિવરણ લખવાનો આગ્રહ કરે છે અને તેમાં એ પ્રકારના શબ્દોનો આગ્રહ રાખે છે જે શબ્દોને ગૂગલ એલ્ગોરિધમમાં વધુ મહત્ત્વ મળતું હોય. આ પ્રકારનું એલ્ગોરિધમથી આપણે મનુષ્યોની પરવાહ કરવાનું છોડી શકીએ છીએ.” આમ અનેક આશ્ચર્યકારક લાગે તેવી ઘટનાઓ, વિચારો અને માહિતીથી યુવાલ હરારીએ વર્તમાન દુનિયાનું એક ચિત્ર આલેખી આપ્યું છે. તેના પર ચાલીએ તો આપણે થોડા હળવા રહીએ અને દુનિયાને પણ હળવાશથી લઈ શકીએ.

Most Popular

To Top