ગાંધીનગર : રાજ્યમાં આગામી 14મી માર્ચથી ધોરણ 10 અને 12 ની બોર્ડની (Board) પરીક્ષાનો (Exam) પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરિતી ન થાય તે માટે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ આગોતરી તૈયારીઓ કરી દેવામાં આવી છે. શિક્ષણ બોર્ડ આ વખતે ગેરરિતીના મામલે કડક પગલા લેવાના મૂડમાં છે. બોર્ડના પરીક્ષા કેન્દ્રમાં જો કોઈપણ વિદ્યાર્થી મોબાઇલ સાથે પકડાશે તો તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તેમજ પેપર લીક તથા ગેરરિતીના મામલે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ટોચના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરોને પત્ર લખીને ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં ગેરરીતિ સહિતના તમામ કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવા યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે. પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ મોબાઇલ સાથે પકડાશે તો તેની વિરુદ્ધ સીધી પોલીસ ફરિયાદ દાખલ કરાવાશે. આ ઉપરાંત પેપર લીક થવા જેવા મામલામાં સંડોવાયેલા કે જવાબદારની વિરુદ્ધ કાયદાની જોગવાઈ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાના મામલે સરકાર દ્વારા કડક કાયદો લાવવા વિધાનસભામાં બિલ રજૂ કરવામાં આવનાર છે.
બીજી તરફ આગામી 14 માર્ચથી 28 માર્ચ દરમિયાન રાજ્યમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ યોજનાના છે. કોઈપણ પ્રકારની ગેરરિતી ન થાય તે માટે બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી છે. બોર્ડની પરીક્ષામાં અંદાજે 16 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.