નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની (Lok Sabha Elections) તારીખોની જાહેરાત થવામાં બહુ ઓછો સમય બાકી છે. તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીઓમાં વ્યસ્ત છે. દરમિયાન બિહારમાં (Bihar) ચિરાગ પાસવાનની પાર્ટી અંગે હજુ પણ શંકા છે. ચિરાગ પાસવાન (Chirag Paswan) અત્યાર સુધી ભાજપને સમર્થન આપી રહ્યા હતા. પરંતુ કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ તરફથી પણ તેમને ઓફરો આવી રહી છે. આ દરમિયાન ચિરાગે મોટું નિવેદન આપ્યું છે.
ચિરાગ પાસવાને કહ્યું કે દરેક પાર્ટી ઈચ્છે છે કે તે (ચિરાગ) તેમના કેમ્પમાં રહે. સાહેબગંજ વિધાનસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ચિરાગે સ્પષ્ટપણે સંકેત આપ્યો હતો કે તે તેના વિકલ્પો પર વિચાર કરી રહ્યો છે. તેમણે કહ્યું કે હું અહીં મીડિયાકર્મીઓની ભીડ જોઈ રહ્યો છું. જેઓ ચિરાગ પાસવાન કોની સાથે છે તે જાણવા માટે ઉત્સુક છે. હું તેમને કહેવા માંગુ છું કે ચિરાગ પાસવાન માત્ર બિહારના લોકો સાથે છે. ચિરાગે કહ્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની મારી વફાદારી ભગવાન રામ સાથે ભગવાન હનુમાન જેવી છે. અહીં તેમણે પોતાની સરખામણી ભક્ત હનુમાન અને વડાપ્રધઅન મોદીની સરખામણી ભગવાન રામ સાથે કરી હતી.
ચિરાગે કહ્યું કે દરેક પાર્ટી તેમની સાથે ગઠબંધન ઈચ્છે છે કે ચિરાગ પાસવાન તેમની પડખે હોય. તેમજ આનું કારણ જણાવતા તેમણે કહ્યું કે લોકો તેમની “બિહાર પહેલા, બિહારી પહેલા” નીતિથી પ્રભાવિત છે. જે રાજ્યને તેના જૂના પછાતપણામાંથી બહાર લાવવામાં મહત્વની ભુમિકા ભજવે છે. તેમના ભાષણમાં, તેમણે પોતાને “સિંહના પુત્ર” અને તેમના સ્વર્ગસ્થ પિતા રામવિલાસ પાસવાનના સાચા અનુગામી તરીકે રજૂ કર્યા હતા.
‘ચિરાગ પાસવાનને ડરાવી શકાય નહીં’
આ રેલીમાં ચિરાગે જેડીયુના પ્રમુખ અને તાજેતરમાં જ એનડીએમાં સામેલ થયેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નેતા રામવિલાસની પાર્ટીમાં ભાગલા પાડનાર કેન્દ્રીય મંત્રી અને કાકા પશુપતિ કુમાર પારસનું નામ લેવાનું ટાળ્યું હતું. જોકે ચિરાગે આ તમામ લોકોને જે ‘કાવતરાં’નો સામનો કરવો પડ્યો હતો તે વિશે ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય મારું ઘર, મારો પરિવાર અને મારી પાર્ટીને તોડવાનો હતો. પરંતુ મેં સાબિત કર્યું છે કે ચિરાગ પાસવાનને ડરાવી શકાય નહીં.