અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર ભારે ટેરિફ લગાવ્યા હોવા છતાં, ભારતની આર્થિક વૃદ્ધિ પર તેની મોટી અસર નહીં પડે, એવું S&P ગ્લોબલ રેટિંગ્સનું માનવું છે. એજન્સીએ ભારતનું સોવરિન રેટિંગ આઉટલુક સકારાત્મક રાખ્યું છે અને નિષ્ણાતો માને છે કે ભારતનું અર્થતંત્ર આ આંચકાનો સામનો સરળતાથી કરી શકશે, કારણ કે અમેરિકામાં ભારતની નિકાસ GDPના માત્ર 2% છે.
ટ્રમ્પ સરકારે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડરૂપે ભારત પર કુલ 50% ટેરિફ લાદ્યો છે. તા.7 ઑગસ્ટથી 25% ટેરિફ લાગુ થયો છે અને બાકીના 25% ટેરિફ તા.28 ઑગસ્ટથી લાગશે. આ કારણે નિકાસકારોમાં ચિંતા ઊભી છે, પરંતુ S&P ગ્લોબલ રેટિંગ્સના ડિરેક્ટર યિફાર્ન ફુઆના મતે, ભારતના વેપાર આધારિત જોખમ ઓછા છે.
ફુઆએ એશિયા-પેસિફિક સોવરિન રેટિંગ્સ પર યોજાયેલા વેબિનારમાં જણાવ્યું કે ભારતનું અર્થતંત્ર વેપાર પર વધારે નિર્ભર નથી. અમેરિકા ભારત માટે મુખ્ય નિકાસ બજાર છે, પરંતુ તેનો હિસ્સો GDPમાં માત્ર 2% છે. એટલા માટે આ ટેરિફનો ભારતની વૃદ્ધિ પર મોટો પ્રભાવ નહીં પડે.
ગયા વર્ષે મે મહિનામાં S&Pએ ભારતનું રેટિંગ ‘BBB-‘ સાથે સકારાત્મક દૃષ્ટિકોણ આપ્યું હતું. જે દેશના મજબૂત આર્થિક વિકાસને કારણે હતું. તાજેતરના અનુમાન મુજબ, આ નાણાકીય વર્ષમાં ભારતનો GDP વૃદ્ધિ દર 6.5% રહેશે, જે ગયા વર્ષ જેટલો જ છે. સાથે જ, ફાર્માસ્યુટિકલ્સ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવા મુખ્ય નિકાસ ક્ષેત્રોને ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે, જે નિકાસને સહારો આપશે.
ફુઆના જણાવ્યા મુજબ, લાંબા ગાળે આ ટેરિફ ભારતના અર્થતંત્રને મોટો ફટકો નહીં પહોંચાડે, તેથી ભારતનો સકારાત્મક આઉટલુક યથાવત રહેશે.
રોકાણ પર અસર નહીં થાય:
જ્યારે પૂછાયું કે યુએસ ટેરિફ ભારતના રોકાણોને અસર કરશે કે નહીં, ત્યારે ફુઆએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી કંપનીઓ ‘ચાઇના પ્લસ વન’ વ્યૂહરચના અપનાવી રહી છે. આ કંપનીઓ ભારતની વધતી સ્થાનિક માંગને પહોંચી વળવા અહીં રોકાણ કરી રહી છે, ફક્ત અમેરિકામાં નિકાસ માટે નહીં.
આ રીતે, અમેરિકાના ટેરિફ હોવા છતાં, ભારતની આર્થિક ગતિ મજબૂત રહેશે અને વિકાસનો માર્ગ અટકશે નહીં, એવું S&P ગ્લોબલ રેટિંગ્સ માને છે.