Editorial

અમદાવાદ વિમાન દુર્ઘટનાના ત્રણ મહિના પછી પણ લોકોને કારણ જાણવા મળતું નથી

દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં ચકચાર મચાવનારી વિમાન દુર્ઘટના આપણા ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર બની તેને ત્રણ મહિના કરતા વધુ સમય થઇ ગયો છે પરંતુ હજી સુધી આ અકસ્માતનું ચોક્કસ કારણ લોકોને જાણવા મળ્યું નથી. એટલું જ નહીં તેના તપાસ અહેવાલ બાબતે વિવાદો ચાલ્યા કરે છે. આ ઘટનાને એક મહિનો પુરો થયો ત્યારે તપાસનો પ્રાથમિક અહેવાલ ૧૨ જુલાઇએ જાહેર કરવામાં આવ્યો જેમાં પ્રથમ દષ્ટિએ આ વિમાનના મુખ્ય પાયલોટ કે કપ્તાનનું વર્તન શંકાસ્પદ જણાતું હતું.

ખરેખર તો આ તપાસ અહેવાલનો અમુક જ ભાગ પ્રકાશિત કરાયો હતો અને તે અંગે લોકોને કહેવામાં આવ્યુ કે આનાથી કોઇ તારણ પર પહોંચશો નહીં. હવે અમદાવાદમાં ૧૨મી જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાનની બનેલી દુર્ઘટનાની તપાસના પ્રાથમિક અહેવાલમાંથી માત્ર પસંદગીનો ભાગ જાહેર કરાયો તે બાબતને સુપ્રીમ કોર્ટે  બેજવાબદાર અને કમનસીબ ગણાવી છે, જે રિપોર્ટ  પાયલોટોની ચુક દર્શાવે છે અને મીડિયાને તેના ખયાલો રજૂ કરવા માટેનો માર્ગ મોકળો કરે છે.

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ કોટિશ્વર સિંહની બેન્ચે આ અકસ્માતની એક સ્વતંત્ર, વાજબી અને ઝડપી તપાસના પાસા અ઼ગે કેન્દ્ર સરકાર અને ડીજીસીએને  નોટીસો પણ જારી કરી છે તેણે એમ પણ જણાવ્યું છે કે આમાં ભોગ બનેલા કુટુંબોની  અંગતતા અને ગરિમના તત્વો પણ શામેલ છે. સુપ્રીમે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ના પ્રાથમિક અહેવાલના કેટલાક ચોક્કસ પાસાઓની નોંધ લીધી છે અને કહ્યું છે કે તારણો તૂટક તૂટક અને પસંદગીયુક્ત બહાર  પાડવાથી તે વિશ્વભરના મીડિયામાં એક ખયાલ ઉભો કરવા તરફ દોરી જાય છે.

તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રકારના અહેવાલોની સંપૂર્ણ ગુપ્તતા રાખવી જોઈએ. તેમાં સંડોવાયેલા પીડિતોની ગોપનીયતા અને ગૌરવનો એક તત્વ છે. તેથી જ આપણે અંતિમ અહેવાલની રાહ જોવી જોઈએ એમ બેન્ચે અવલોકન કર્યું.  ‘સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન’ નામની NGO દ્વારા આ ઘટનાની તપાસ બાબતે અરજી કરવામાં આવી છે. આ સંસ્થા વતી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે અગાઉ કહ્યું હતું કે પ્રારંભિક અહેવાલની એક પંક્તિ જેમાં પાઇલટ્સને ક્રેશ માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા, તેના કારણે વિશ્વભરના મીડિયામાં એક વાર્તા  બની હતી. તેમણે આરોપ લગાવ્યો કે ક્રેશ પછી રચાયેલી તપાસ પેનલમાં પાંચ સભ્યોમાંથી ત્રણ ઉડ્ડયન નિયમનકારના હતા અને હિતોના સંઘર્ષનો મુદ્દો હોઈ શકે છે. બેન્ચે કહ્યું કે મુક્ત, ન્યાયી અને સ્વતંત્ર તપાસની માંગ સમજી શકાય તેવી  છે, પરંતુ ફ્લાઇટ ડેટા રેકોર્ડરમાંથી માહિતીની માંગ પ્રશ્ન જન્માવે તેવી છે. દેખીતી રીતે આ સસ્થાએ પારદર્શિતા માટે આ ડેટાની માગણી કરી હતી પણ તેની માગણી બાબતે સુપ્રીમ કોર્ટે કરેલી ટકોર પણ વિચારવા લાયક છે.

કોઈ ચોક્કસ માહિતી જાહેર કરવાથી હરીફ એરલાઇન્સ દ્વારા તેનો દુરુપયોગ થઈ શકે છે તેવી ચેતવણી આપતા, બેન્ચે સૂચવ્યું કે આવી માહિતી અકાળે જાહેર ન કરવી જોઈએ. આપણે માહિતી ટુકડાઓમાં જાહેર ન કરવી જોઈએ અને નિયમિત  તપાસ તેના તાર્કિક નિષ્કર્ષ પર ન પહોંચે ત્યાં સુધી અત્યંત ગુપ્તતા જાળવી રાખવી જોઈએ. પછી જ આપણે કહી શકીએ કે વાસ્તવિક કારણ શું હતું એમ જસ્ટિસ કાંતે કહ્યું. ભૂષણે એક પોડકાસ્ટનો ઉલ્લેખ કર્યો, જેમાં ઘટનાના તમામ  પાસાઓની તપાસ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, અને કહ્યું કે તેણે તારણ કાઢ્યું છે કે તે પાઇલટની બેદરકારીનો કેસ નથી.

પ્રારંભિક અહેવાલમાંથી એક અલગ લાઇન પરથી મીડિયા રિપોર્ટિંગે ખરેખર મોટા ચિત્રને વિકૃત કર્યું છે  તેમણે રજૂઆત કરી અને ઉમેર્યું કે તપાસ પેનલનું નેતૃત્વ ન્યાયિક વ્યક્તિ દ્વારા કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અફવાઓ અને અટકળોને ડામવા અને મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય સ્વરૂપોમાં માહિતીના પસંદગીયુક્ત લીકેજને ટાળવા માટે આવી તપાસ ઝડપથી થવી જોઈએ. ભૂષણે ફ્લાઇટ ડેટા રેકોર્ડર વિશે પુનરોચ્ચાર કર્યો, પરંતુ બેન્ચે જો માહિતી જાહેર કરવામાં આવે તો અનેક સમાંતર તારણોની શક્યતા દર્શાવી. ભૂષણે કહ્યું કે અંતિમ અહેવાલ પછી પણ તારણો કે અટકળો  આવશે અને તેને રોકવાનો કોઈ રસ્તો નથી. આ બધી દલીલબાજી વચ્ચે સામાન્ય નાગરિક તો દુર્ઘટનાના ત્રણ મહિના પછી પણ તેના કારણ અંગે અંધારામાં છે.

Most Popular

To Top