SURAT

દૂધ પર પણ તસ્કરોની નજર!

કાપોદ્રામાં સીસીટીવીમાં સગીરનો ચોંકાવનારો કારસો કેદ

સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ સતત નવી દિશા લઈ રહી છે. હવે ચોરો માત્ર કિંમતી વસ્તુઓ સુધી મર્યાદિત રહ્યા નથી, પરંતુ રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજ વસ્તુઓ પણ તેમના નિશાને આવી રહી છે. કાપોદ્રા વિસ્તારમાં આવી જ એક અચંબિત કરતી ઘટના સામે આવી છે, જેમાં ડેરીની બહાર રાખવામાં આવતી દૂધની બોટલો પર તસ્કરો હાથ સાફ કરી રહ્યા છે.

માધવ મિલ્ક પેલેસ નામની ડેરીના માલિક છેલ્લા ઘણા દિવસોથી દૂધના સ્ટોકમાં થતી ઘટને લઈને ચિંતિત હતા. રોજ સવારે કંપની દ્વારા દુકાનની બહાર મુકવામાં આવતા કેરેટમાંથી બોટલો ગાયબ થતી હતી. શરૂઆતમાં સામાન્ય ગડબડ માનવામાં આવેલી આ બાબત ધીમે ધીમે રોજિંદી સમસ્યા બની ગઈ હતી.

આખરે દુકાનદારે સત્ય બહાર લાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો. કેમેરા લાગ્યા બાદ સામે આવેલી હકીકતે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા. ફૂટેજમાં એક સગીર વહેલી સવારે અંધારાનો લાભ લઈને ડેરી પાસે પહોંચતો દેખાય છે. આસપાસ કોઈ નથી તેની ખાતરી કર્યા બાદ તે શાંતિથી કેરેટમાંથી દૂધની બોટલો કાઢીને ઝડપથી ત્યાંથી નીકળી જાય છે.

દુકાનદારના જણાવ્યા અનુસાર, રોજ અંદાજે 5 થી 10 બોટલો સુધીની ચોરી થતી હતી, જેના કારણે આર્થિક નુકસાન વધી રહ્યું હતું. હવે સીસીટીવી પુરાવા મળતા તેમણે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

આ બનાવને લઈને સ્થાનિક વેપારીઓમાં પણ ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે પેટ્રોલિંગ વધારવા માટે પોલીસને માંગ કરવામાં આવી છે. હાલ પોલીસ ફૂટેજના આધારે સગીરની ઓળખ કરવા અને તેને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરશે તેવી શક્યતા છે.

Most Popular

To Top