Entertainment

‘ઇમરજન્સી’ વિવાદોમાં પણ કંગના ધાકડ અંદાજમાં, હવે કરશે ‘ભારત ભાગ્ય વિધાતા’ ફિલ્મમાં કામ

નવી દિલ્હી: કંગના રનૌતની ‘ઇમરજન્સી’ (Emergency) ફિલ્મનું ટ્રેલર જ્યારથી રિલીઝ થયું છે, ત્યારથી જ આ ફિલ્મને લઈને ઘણા વિવાદો (Controversies) ચાલી રહ્યા છે. દરમિયાન ‘ઇમરજન્સી’ની રિલીઝના ત્રણ દિવસ પહેલા જબલપુર હાઈકોર્ટે બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતની ફિલ્મને લઈને નવો નિર્ણય આપ્યો છે. તો બીજી બાજુ પોતાની ફિલ્મના વિવાદોથી પ્રભાવિત ન થઇને અભિનેત્રીએ એક નવી ઐતિહાસિક ફિલ્મ સાઇન કરી લીધી છે.

અસલમાં કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી ઘણા વિવાદોમાં સપડાયેલી છે. કારણ કે આ ફિલ્મમાં બતાવવામાં આવેલા કેટલાંક દ્રશ્યો કથિત રીતે આપત્તિજનક છે. જો કે ફિલ્મનું ટ્રેઇલર હવે રિલીઝ થઇ ગયું છે. પરંતુ વિવાદોના કારણે જબલપુર હાઇકોર્ટે આ ફિલ્મ ઉપર બેન લગાવી દીધો છે. તેમજ સેંસર બોર્ડે પણ હજી સુધી આ ફિલ્મને લાઇસન્સ આપ્યું નથી. ત્યારે આ તમામ વિવાદોથી દુર રહી મંડીની સાંસદ કંગના રનૌત હવે નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. કંગનાએ ‘ભારત ભાગ્ય વિધાતા’ નામની ફિલ્મ સાઇન કરી છે.

કંગના નવી ફિલ્મમાં આ પાત્ર ભજવશે
અસલમાં ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે માહિતી આપી હતી કે કંગના હવે ‘ભારત ભાગ્ય વિધાતા’ નામની નવી ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. તરણની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર, આ ફિલ્મ ‘સામાન્ય લોકોની અસામાન્ય વાર્તા અને તેમની અસાધારણ સિદ્ધિઓ દર્શાવશે.’ આ ફિલ્મના લેખક અને દિગ્દર્શક મનોજ તાપડિયા છે, જેમણે ‘ચીની કમ’, ‘મદ્રાસ કેફે’ જેવી ફિલ્મો માટે ગીતો લખ્યા છે. આ સિવાય મનોજે 2016 માં આર માધવનની ફિલ્મ ‘ઇરુધિ સુત્રુ’ લખી હતી, જે હિન્દીમાં ‘સાલા ખડૂસ’ નામથી રિલીઝ થઈ હતી. જ્યારે બબીતા ​​આશિવાલ અને આદિ શર્મા ‘ભારત ભાગ્ય વિધાતા’ના પ્રોડ્યુસર્સ છે.

ઈમરજન્સી અંગે હાઈકોર્ટમાં સુનાવણી
કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ હાલ વિવાદોમાં ઘેરાયેલી છે. ત્યારે સેન્સર સર્ટિફિકેટના અભાવે આ ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે નહીં. કારણ કે શીખ સંગઠનોનો આરોપ છે કે ફિલ્મના ટ્રેલરમાં શીખોની ખોટી છબી બતાવવામાં આવી છે. આ મામલે જબલપુર શીખ સંગત અને ગુરુ સિંહ સભા ઈન્દોર દ્વારા જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. દરમિયાન જબલપુર હાઈકોર્ટે સેન્સર બોર્ડને આદેશ આપ્યો હતો કે ફિલ્મનું સર્ટિફિકેટ જારી કરતા પહેલા શીખ સમુદાયના પ્રતિનિધિઓ ફિલ્મ અંગે તેમના મંતવ્યો જણાવે, જેથી 3 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં સુનાવણી બાદ જજે કહ્યું હતું કે, ‘ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે નહીં… સેન્સર બોર્ડે હજુ સુધી ફિલ્મને સર્ટિફિકેટ આપ્યું નથી.’

Most Popular

To Top