દસ વર્ષ સુધી ભાજપ અને નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં બહુમતિ સાથે સરકાર ચલાવી. નરેન્દ્ર મોદીએ જે નિર્ણયો લેવા હતા તે તમામ નિર્ણયો આ બે ટર્મની સરકારમાં લેવામાં આવ્યા. કેટલાક નિર્ણયો બાબતે વિવાદો પણ થયા અને હવે જે પરિણામો આવ્યા છે તે તમામ માટે સબક આપવા સમાન છે. મતદારોએ મતદાન થકી ભાજપને સમજાવ્યું છે કે, તાનાશાહીની દિશા પકડવી સારી નથી. લોકો ગમે ત્યારે ઉખેડીને ફેંકી શકે છે. તો સાથે સાથે કોંગ્રેસની બેઠકો લગભગ ડબલ કરીને એવું પણ સમજાવ્યું છે કે, ચૂંટણીઓ જીતવી હોય તો મતદારોની નજીક જવું જરૂરી છે. જો મતદારોને સમજશો, તેની તકલીફોને સમજશો અને તેની તકલીફનો કેવી રીતે ઉકેલ લાવી શકશો તે સમજશો તો મતદાર તમને જ મત આપશે.
મોટાભાગના રાજકીય પક્ષો જ્યારે સત્તામાં હોય છે ત્યારે આ સત્ય ભૂલી જાય છે. દેશમાં મોટો સમય કોંગ્રેસની સત્તા રહી અને આ સત્તાકાળ દરમિયાન કોંગ્રેસના નેતાઓ પણ આ સત્ય ભૂલી ગયા હતા. પરિણામ એ આવ્યું કે, આજે કોંગ્રેસ છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં સત્તાની બહાર છે અને હવે વધુ પાંચ વર્ષ કોંગ્રેસને કેન્દ્રમાં સત્તા મળે તેવી સંભાવના દેખાતી નથી. સત્તા મેળવવી હોય તો દેશના માત્ર 6 જ રાજ્યોમાં પ્રભુત્વ જમાવવું જરૂરી છે. આ 6 રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોની બેઠકોનો આંક ભેગો કરવામાં આવે તો તે 291 થાય છે. એટલે કે દેશની અડધાથી વધુ બેઠકો તો આ રાજ્યોમાં જ છે.
જ્યાં સુધી આ રાજ્યોમાં કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું ત્યાં સુધી દેશમાં કોંગ્રેસ સત્તા પર રહી હતી. તેમાં પણ યુપીમાંથી જેનું વર્ચસ્વ તૂટ્યું તેણે કેન્દ્રમાં સરકાર બનાવવાના સપના જ જોવાના રહે છે. 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી આવી ત્યારે નરેન્દ્ર મોદીએ આ છ રાજ્યોમાં જ ફોક્સ કર્યું હતું. આ છ રાજ્યો પૈકી આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ભાજપનો પનો ટૂંકો પડે તેવું હતુ.ં જેથી મોદીએ અન્ય ચાર રાજ્યોમાં તાકાત કામે લગાડી અને પરિણામ એ આવ્યું કે ભાજપે બહુમતિ મેળવી. કોંગ્રેસે પણ હવે આ સત્ય સમજવાનું રહેશે.
આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસે મહારાષ્ટ્ર અને સમાજવાદી પાર્ટી સાથે મળીને યુપીમાં વર્ચસ્વ જમાવ્યું તો તેની બેઠકો લગભગ ડબલ સુધી પહોંચી ગઈ. રાહુલ ગાંધીએ જે યાત્રાઓ કરી તેમાં આ રાજ્યો સામેલ હતા જ પરંતુ હવે જો રાહુલ ગાંધીએ આવતી ચૂંટણીમાં એકલા હાથે બહુમતિ મેળવવી હોય તો આ તમામ રાજ્યોમાં પોતાના પક્ષને વધુને વધુ મજબુત કરવો પડશે.
કોંગ્રેસ પાર્ટીની સૌથી મોટી સમસ્યા હોય તો તે એ છે કે પાર્ટીમાં શિસ્ત જ નથી. એક તરફ જ્યાં ભાજપમાં પેજ પ્રમુખ છે ત્યાં કોંગ્રેસમાં શહેરમાં સંગઠનના ઠેકાણાં નથી. કોંગ્રેસમાં આજે પણ વ્હાલાદવલાનું જ રાજકારણ ચાલે છે. જેની કોઈ જ આવડત નથી તે તેના ગોડફાધરના સહારે હોદ્દાઓ લઈ લે છે અને બાદમાં પાર્ટીએ સહન કરવાનો વારો આવે છે. કોંગ્રેસે હવે ભાજપની જેમ જુના નેતાઓને વિદાય આપીને નવા યુવા નેતાઓની કેડર ઊભી કરવી પડશે અને સાથે સાથે આ નેતાઓ એવા શોધવા પડશે કે જે સંગઠનને મજબુત કરે. કોંગ્રેસમાં નેતા કે કાર્યકરોની કોઈ જ કેડર નથી. કોંગ્રેસને જે મત મળ્યા છે તે તેના કમિટેડ મતદારો છે.
એકલા રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી દ્વારા રેલી કે સભાઓ કરવાથી કોંગ્રેસ જીતી શકશે નહીં. આગામી દિવસોમાં કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર શપથ લેશે અને નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બનશે. કોંગ્રેસ માટે હવે સમય છે સંગઠનને મજબુત કરવાનો. ભાજપે પણ અન્ય નાના પક્ષના આગેવાનો તેમજ કાર્યકરોને પક્ષમાં સમાવીને સંગઠનને મજબુત કર્યું જ છે. કોંગ્રેસે પણ ભાજપની રાહ પર જ ચાલવું પડશે. રાહુલ ગાંધીએ પરિણામો લાવીને પોતાની ‘પપ્પુ’ની ઈમેજમાંથી આક્રમક નેતા તરીકેની ઈમેજ ઊભી કરી જ છે. હવે આ જ ઈમેજ પક્ષના આગેવાનો તેમજ કાર્યકરો માટે પણ જરૂરી છે. જે નેતાઓ કામ કરતા નથી અને માત્ર હોદ્દાઓ લઈને બેઠા છે તેને ફગાવી દેવાની જરૂરીયાત છે.
દરેક મતદાતા સુધી કોંગ્રેસનો કાર્યકર પહોંચે તેવી વ્યવસ્થા કરવાની જરૂરીયાત છે. જ્ઞાતિવાદ અને કોમવાદ ત્યારે જ ચાલે છે, જ્યારે પક્ષનો આગેવાન કે કાર્યકર નબળો પડે છે. જો નેતા મજબુત થશે, સંગઠન મજબુત થશે તો કોંગ્રેસની જીતને કોઈ જ રોકી શકે તેમ નથી. બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરે પોતાના જોરે ચૂંટણી જીતી બતાવી. ગેનીબેન ઠાકોરની જીત તેમની પોતાની જીત છે, પણ જો કોંગ્રેસનું સંગઠન મજબુત હોત તો ગેનીબેન 30 હજારની નહીં પણ 3 લાખની લીડથી ચૂંટણી જીત્યા હોત. કોંગ્રેસ હવે આ સમજીને ખાસ છ રાજ્યો અને તે સિવાયના રાજ્યોમાં પણ પોતાના સંગઠનને મજબુત કરવા પર ધ્યાન આપે. રાહુલ ગાંધીએ શરૂઆતમાં કોંગ્રેસને મજબુત કરવા માટે આંતરિક ચૂંટણીની પ્રથા લાવ્યા હતા. હવે ફરી કોઈ નવી સીસ્ટમ લાવશે તો જ કોંગ્રેસ ફરી સત્તા સુધી પહોંચી શકશે તે નક્કી છે.