છેલ્લા એક વર્ષમાં ભારતના શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સામાન્ય રીતે શેરબજારમાં વધ ઘટ ચાલતી જ રહેતી હોય છે પરંતુ આ વખતે શેરબજાર સતત તૂટી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ધમકીઓ અને વિદેશી રોકાણકારો દ્વારા પોતાનું રોકાણ પાછું ખેંચી લેવાને કારણે શેરબજારમાં ઘટાડાઓ જોવા મળી રહ્યા છે. શેરબજારમાં સીધું રોકાણ કરનારાઓને તેનાથી ફરક પડતો નથી પરંતુ શેરબજાર તૂટવાને કારણે એસઆઈપી એટલે સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા મ્યુચ્યુઅલ ફંડ થકી શેરબજારમાં નાણાં રોકતા રોકાણકારોનો વિશ્વાસ ડગી ગયો છે.
શેરબજાર સતત તૂટી રહ્યું હોવાથી મોટાપાયે થયેલા નુકસાનને કારણે એકલા જાન્યુઆરી માસમાં જ 61 લાખ લોકોએ એસઆઈપી દ્વારા શેરબજારમાં રોકાણ કરવાનું બંધ કરી દીધું છે. મોટી સંખ્યામાં લોકો એસઆઈપીમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે અને આ નાણાં અન્ય જગ્યાએ રોકાણ કરી રહ્યા છે. રોકાણકારો એસઆઈપીમાં નાણાં રોકવાથી ડરી રહ્યા છે. જ્યાં સુધી શેરબજાર ફરી ઉપર નહીં આવે ત્યાં સુધી એસઆઈપીના રોકાણકારોનો વિશ્વાસ ફરી આવે તેવી સંભાવના પણ ઓછી છે.
ભારતીય શેરબજાર છેલ્લા કેટલાક સમયમાં ઉપર ગયું હતું. આનું કારણ એ હતું કે લોકો પાસે વ્હાઈટના નાણાંની આવક વધી હતી. અને આ આવકને લોકો એસઆઈપીમાં રોકાણ કરી રહ્યા હતા. શેરબજારમાં સીધું રોકાણ કરવાને બદલે એસઆઈપીમાં રોકાણ કરવું સલામત ભરેલું છે. એસઆઈપીમાં રોકાણ થવાનું શરૂ થયું અને મ્ચુચ્યુઅલ ફંડ થકી આ નાણાં શેરબજારમાં આવ્યા. જેને કારણે શેરબજારમાં તેજી જોવા મળી.
મ્યુચ્યુઅલ ફંડ થકી એટલી મોટી રકમ શેરબજારમાં ઠલવાઈ કે તેને કારણે શેરબજારમાં મોટો સુધારો જોવા મળ્યો હતો. મ્યુચ્યુઅલ ફંડ એટલે કે એસઆઈપી દ્વારા શેરબજારમાં નાણાં રોકાવાનું શરૂ થયું ત્યારે સેન્સેક્સ 52 હજારની આસપાસ હતો. ત્યાંથી સુધરીને સેન્સેક્સ 85 હજાર સુધી પહોંચ્યો હતો. શેરબજારમાં તે સમયે પણ વિદેશી રોકાણકારો હતા જ પરંતુ એસઆઈપીના નાણાંએ શેરબજારમાં મોટી તેજી સર્જી હતી.
જોકે, હાલમાં શેરબજારમાં જે મંદી દેખાઈ રહી છે તે વિદેશી રોકાણકારો દ્વારા પોતાના નાણાં પરત ખેંચવાને કારણે છે. પરંતુ આ મંદીમાં એસઆઈપીના રોકાણકારો દ્વારા પોતાના ખાતા બંધ કરાવવામાં આવ્યા. જેને કારણે મંદી બેવડાઈ ગઈ છે. કેટલાક લોકો દ્વારા શેરબજારમાં સીધું રોકાણ શરૂ કરવામાં આવ્યું પરંતુ એસઆઈપીની સરખામણીમાં શેરબજારમાં સીધું રોકાણ કરવું ભારે જોખમ ભરેલું છે. સીધા રોકાણમાં રોકાણ શુન્ય પણ થઈ શકે છે. જ્યારે કેટલાક એસઆઈપીમાં ગેરેંટેડ રિટર્ન પણ આપવામાં આવે છે. જેને પગલે મોટું નુકસાન થવાની સંભાવના રહેતી નથી.
જે રોકાણકારાનો વિશ્વાસ ડગમગ્યો તેમાં ખાસ કરીને સ્મોલ કેપ ફંડ્સ અને મિડકેપ ફંડ્સમાં રોકાણ કરનારાઓએ પોતાના ખાતા બંધ કરાવ્યા છે. જાન્યુઅરીમાં એસઆઈપીના મામલે સ્ટોપેજ રેશિયો વધ્યો હતો. એસઆઈપી બંધ કરનારા લોકોની સંખ્યામાં 82.73 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બરમાં જે આંક 44.90 લાખનો હતો તે જાન્યુઆરીમાં વધીને 61.33 લાખ થઈ ગયો હતો.
નિષ્ણાંતો એવું કહી જ રહ્યા હતા કે જે સમયે એસઆઈપી થકી રોકાણમાં સેચ્યુરેશન પોઈન્ટ આવશે ત્યારે ભારતીય શેરબજારમાં તેજી અટકી જશે. નજીકના ભવિષ્યમાં જ એસઆઈપી થકી નાણાં રોકાણમાં સેચ્યુરેશન આવવાની તૈયારી જ હતી. જોકે, શેરબજાર તૂટ્યું અને હવે ફરી શેરબજાર ગમે ત્યારે તેજી તરફ પોતાનું રૂખ કરશે. હાલમાં શેરબજારમાં મંદી છે ત્યારે એસઆઈપી દ્વારા તેમાં રોકાણ કરવું નુકસાનકારક નથી. જ્યારે પણ શેરબજારમાં મંદી દરમિયાન રોકાણ જાળવી રાખવામાં આવ્યું છે ત્યારે તે ફરી મજબૂત રિકવરી સાથે પરત આવ્યું છે. એસઆઈપીમાં પણ શેરબજારમાં મંદીમાં ખરીદેલા એનએવીમાં મોટો ફાયદો થવાની સંભાવના રહેલી છે. જો મંદીમાં એસઆઈપી ખરીદવામાં આવે તો નીચા ભાવે એનએવી મળે છે. જે બાદમાં શેરબજાર ઉપર જતાં ઉંચા ભાવે વેચી શકાય છે. ખરેખર એસઆઈપીના રોકાણકારોએ હાલમાં મંદીના સમયમાં શેરબજારમાં રોકાણ કરવાની માત્રા વધારવી જોઈએ.
જોકે, ડર એક એવી વસ્તુ છે કે જે લોકોને વેચવા માટે મજબૂર કરે છે. સત્ય એ છે કે શેરબજારમાં તેજી કે મંદી આવતી રહેવાની છે પરંતુ મંદીમાં ખરીદે અને તેજીમાં વેચે તે જ શેરબજારમાં કમાય છે. જ્યારે મંદીમાં વેચી અને તેજીમાં ખરીદે તેને શેરબજારમાં રડવાનો જ વારો આવે છે. હાલમાં ભલે શેરબજારમાં મંદીને કારણે એસઆઈપીમાં રોકાણકારોના ખાતા બંધ થઈ રહ્યા હોય પરંતુ જે ટકી રહેશે તે ફાયદામાં રહેશે તે નક્કી છે.
