SURAT

ખજોદ ડમ્પિંગ સાઈટ પર ત્રીજા દિવસે આગ બુઝાવવા 20 લાખ લીટર પાણી વેડફાયા બાદ પણ સ્થિતિ જૈસે થે જેવી

Surat શહેરના છેવાડે આવેલી ખજોદ ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગ આજે સતત ત્રીજા દિવસે પણ સંપૂર્ણપણે કાબૂમાં આવી શકી નથી. ફાયર વિભાગના જવાનો છેલ્લા ત્રણ દિવસથી સતત મહેનત કરી રહ્યા છે, છતાં આગને સંપૂર્ણપણે બુઝાવવા માટે હજુ અંદાજે બે દિવસનો સમય લાગી શકે છે. ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધીમાં આશરે 20 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે, જેના કારણે મોટા ભાગના વિસ્તારમાં આગ પર આંશિક કાબૂ મેળવવામાં સફળતા મળી છે. તેમ છતાં, કેટલાક સ્થળોએ હજુ પણ ધુમાડાના ગોટેગોટા ઉઠી રહ્યા છે, જ્યાં સતત પાણીનો છંટકાવ કરીને આગ ફરી ન ભભૂકે તે માટે પ્રયાસો ચાલુ રાખવામાં આવ્યા છે.

24 માર્ચે બપોરના સમયે આ ડમ્પિંગ સાઈટ પર અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે એક કિલોમીટરથી વધુ વિસ્તારમાં આગ ફેલાઈ ગઈ હતી. આ ઘટનાને લઈને શહેરમાં કચરા વ્યવસ્થાપન અંગે પ્રશ્નો ઊભા થયા છે અને કચરા કૌભાંડને ઢાંકવા માટે આગ લગાવવામાં આવી હોવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. 25 માર્ચની આખી રાત દરમિયાન ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી પાણીનો મારો ચલાવ્યો હતો. આજે સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે, પરંતુ આગ સંપૂર્ણપણે બુઝાવવા માટે આગામી દિવસોમાં કુલિંગ ઓપરેશન હાથ ધરવાનું રહેશે.

આગના કારણે ઉઠતા ઘન ધુમાડા 10 કિલોમીટર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. લોકોમાં આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ વધવા લાગી છે. હાલમાં ફાયર વિભાગ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા માટે સતત પ્રયાસ કરી રહ્યો છે. આગામી બે દિવસમાં આગ સંપૂર્ણપણે બુઝાવી અને કુલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top