સુરતની કુખ્યાત સોશ્યિલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ 93 દિવસ બાદ જેલની બહાર આવી છે, તેની ધરપકડ સુરતના એક બિલ્ડર પાસેથી કરોડો રૂપિયાની ખંદણી માંગવા બદલ થઈ હતી. તેનો જામીન પર છૂટકારો થયો છે. જોકે, જેલવાસ બાદ પણ કીર્તિના તેવર બદલાયા નથી. જેલમાંથી બહાર આવ્યા બાદ કીર્તિ પટેલે એક રીલ બનાવી છે. સાઉથ સ્ટાઈલમાં બનાવાયેલી આ રીલમાં બેકગ્રાઉન્ડમાં વાગતા ગીતે લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
સાઉથ ઇન્ડિયન લૂકમાં બનાવી રીલ
જેલમાંથી બહાર આવ્યા બાદ કીર્તિ પટેલે પોતાની રીલ શેર કરી હતી. આ રીલમાં તે આદિત્ય ગઢવીના લોકપ્રિય ગીત ‘હે જોને સિંહણ ગજવે ગીર’ પર એન્ટ્રી કરતી જોવા મળી હતી. રીલમાં તે નંબર પ્લેટ વગરની કારમાંથી ઉતરી બ્લેઝર પહેરે છે અને ત્યાર બાદ દર્શકોને અભિવાદન કરે છે. કેપ્શન તરીકે તેણે લખ્યું “કેમ છો મજામાં??”
કીર્તિ પટેલ આ રીલમાં સાઉથ ઇન્ડિયન લુકમાં જોવા મળી હતી. તેણે લૂંગી સાથે કાળા બૂટ અને પછી બ્રાઉન કલરનું બ્લેઝર પહેર્યું હતું. બ્લેક ચશ્મા સાથે હાથ ઉપર કરી તેણે પોતાની અંદાજી સ્ટાઈલ બતાવી. આ રીલ તેના નવા લુકના કારણે ઝડપથી વાયરલ થઈ હતી.
કીર્તિના નવા લુકે ચર્ચા જગાવી
કીર્તિ પટેલનો નવો અંદાજ તેના ફોલોઅર્સને ખૂબ ગમ્યો છે. રીલના કોમેન્ટ્સ સેકશનમાં ચાહકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એક ફોલોઅરે લખ્યું “આખું ગુજરાત રાહ જોતું હતું કે ક્યારે કીર્તિબેન બહાર આવે.” તો કીર્તિએ આ કોમેન્ટનો જવાબ આપતાં લખ્યું “આજે પૂરી થઈ.”
કીર્તિ પટેલ અનેક વખત વિવાદોને કારણે ચર્ચામાં રહી ચૂકી છે અને અગાઉ પણ જેલયાત્રા કરી ચૂકી છે. છતાં તેની લોકપ્રિયતા સતત જળવાઈ રહી છે. આ વખતે જેલમાંથી બહાર આવ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર કરેલો પહેલો જ વિડિયો ચાહકો માટે સ્પેશિયલ સરપ્રાઇઝ સાબિત થયો છે. કીર્તિ પટેલના આ નવા લુક સાથેનો કમબેક માત્ર ચાહકોમાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.