ગાંધીનગર : રાજ્યમાં ઈ-વાહનોનો (E-Vehicles) વ્યાપ વધે તે માટે સરકાર સબસીડી આપી રહે છે. બીજી તરફ પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારાને પગલે હવે લોકો પણ ઈ-વાહન તરફ વળી રહ્યાં છે. સરકારે ઈ-વાહનને પ્રોત્સાહન મળે તે માટે દોઢ વર્ષમાં ૫૧ હજારથી વધારે લોકોને ઈ-વાહનની ખરીદી ઉપર સબસીડી આપી છે. સરકાર દ્વારા લગભગ ૨ લાખ ઈ-વાહનો ઉપર સબસીડી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજય સરકારે વાયુ પ્રદુષણને ઘટાડવા અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા ગુજરાત ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ ૧લી જુલાઇ ૨૦૨૧ બાદ ખરીદાયેલા વિવિધ ઇલેક્ટ્રિક વાહનો પર સબસીડી આપવાનું સરકારે નક્કી કર્યું છે. આ પોલિસી ચાર વર્ષના સમયગાળા માટે કાર્યરત રહેશે, અને કુલ બે લાખ જેટલા ઇલેક્ટ્રિક વાહનો પર સબસીડી આપવામાં આવશે.
કેન્દ્ર સરકારની તમામ ઇલેક્ટ્રિક વાહનોને બેટરી ક્ષમતા આધારીત નિયત થયેલી સબસીડી ચૂકવાશે. અત્યાર સુધીમાં કુલ ૫૧,૨૨૬ લોકોને સવાસો કરોડ રૂપિયાની સબસીડી સીધી તેમના ખાતામાં આપી છે.
બીજી તરફ હાલ નોંધાયેલાં અંદાજીત ૨૩ લાખ વાહનો આ પોલિસી હેઠળ સ્ક્રેપ થશે. સ્ક્રેપ સેન્ટરના નિર્માણ માટે ઓનલાઇન સિંગલ વિન્ડો પદ્ધતિ વિકસાવવાની કામગીરી હાલ કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ કરાઈ છે. રાજ્યમાં કુલ પાંચ સ્ક્રેપિંગ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં ૫0 ઈલેક્ટ્રિક બસો ચાલુ કરવામાં આવી છે તથા આગામી સમયમાં બીજી ૫0 ઈલેકટ્રિક બસો ચાલુ કરવાનું આયોજન પણ છે.