ગાંધીનગર: રાજ્યમાં ઇ-વ્હિકલના (E-vehicle) ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની આગવી પહેલ કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઇ-વ્હિકલ ક્ષેત્રના ૩૧ જેટલા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સને ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને રૂબરૂ મળી તેમની સાથે વન-ટુ-વન સંવાદ સાધ્યો હતો. આ સંવાદમાં સીએમ પટેલે કહ્યું હતું કે આખી દુનિયા જ્યારે કોરોના મહામારીની મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહી હતી ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ભારતવાસીઓને આત્મનિર્ભરતાનો નવો વિચાર આપી દેશના ટેકનોલોજી, ઈનોવેશન એન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને નવી દિશા આપી છે. ઇ-વ્હિકલનું મેન્યુફેક્ચરિંગ દેશના પર્યાવરણ અને અર્થવ્યવસ્થા બંને માટે ફાયદાકારક છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાહસ, સૂઝબૂઝ અને આવડત ધરાવતી કોઈ પણ વ્યક્તિ ‘સ્ટાર્ટઅપ’ કરી શકે છે. સરકાર હરહંમેશ રાજ્યના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સની પડખે છે. આત્મનિર્ભર ભારતની યાત્રાનું મુખ્ય ચાલક બળ દેશના યુવા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સ છે. મુખ્યમંત્રીએ ઇ-વ્હિકલના અગત્યના પાર્ટ્સ જેવા કે બેટરી, ઇલેક્ટ્રિક મોટર, ચાર્જિંગ ફેસેલીટી અને રેટ્રોફિટીંગ ફેસિલિટીનું ઉત્પાદન કરતા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને રાજ્યની ઇ-વિહિકલ પ્રોડક્શનની ઇકોલોજીને મજબૂત કરવા બદલ વિશેષપણે બિરદાવ્યા હતા.
ભૂપેન્દ્ર પટેલે ઇ-વ્હિકલ ક્ષેત્રના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સના શોધ સંશોધનોની તલસ્પર્શી માહિતી આવશ્યક પ્રશ્નો પૂછીને મેળવી હતી. GTU, GUSEC, I-Create, I-hub, EDII, PDEU જેવી સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેટર સંસ્થાઓમાંથી આવેલા યુવા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઈનોવેટર્સે તેમના અવનવા ઇનોવેશન, તેની વાયેબિલીટી અને માર્કેટ પ્રેઝન્સ અંગેની સઘળી વિગતો મુખ્યમંત્રીને આપી હતી.