National

13 વર્ષથી પથારીવશ દીકરાને ઈચ્છામૃત્યુની મંજૂરી: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક અને ભાવુક ચુકાદો

દેશમાં ઈચ્છામૃત્યુ મુદ્દે એક મહત્વપૂર્ણ અને માનવતા સ્પર્શતો ચુકાદો આવ્યો છે. ગાઝિયાબાદના 31 વર્ષીય હરીશ રાણાના કેસમાં સુપ્રીમ કોર્ટે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ (Passive Euthanasia)ને મંજૂરી આપી છે. દેશમાં આ પ્રકારની પરિસ્થિતિમાં આપવામાં આવેલી આ મંજૂરીને ઐતિહાસિક માનવામાં આવી રહી છે. બુધવારે જ્યારે સુપ્રીમ કોર્ટે હરીશના પરિવારની અરજી સ્વીકારી ત્યારે કોર્ટરૂમમાં ભાવુક માહોલ સર્જાયો હતો. ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને કે.વી. વિશ્વનાથનની બેન્ચે આ ચુકાદો આપ્યો ત્યારે ન્યાયાધીશ જસ્ટિસ જેબી પારડીવાલા ઈચ્છામૃત્યુ આપતી વખતે ભાવુક થઈ ગયા અને આંખોમાં આંસુ આવી ગયા હતા. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના 2018ના ‘કોમન કોઝ’ ચુકાદા (2023માં સુધારેલા) પર આધારિત છે, જેમાં માનવને ગૌરવ સાથે મૃત્યુ પામવાનો અધિકાર મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપવામાં આવી છે.

હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી પથારીવશ છે. 2013માં થયેલા અકસ્માત બાદ તેના શરીરને ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તે ક્વાડ્રિપ્લેજિયા જેવી ગંભીર સ્થિતિમાં પહોંચી ગયો હતો. આજે પણ તે શ્વાસ લઈ રહ્યો છે, પરંતુ તેનું શરીર સંપૂર્ણપણે લકવાગ્રસ્ત છે અને તે 100% અપંગ બની ગયો છે. રાજનગર એક્સટેન્શનના રાજ એમ્પાયર વિસ્તારમાં રહેતા હરીશ પહેલાં ચંદીગઢ યુનિવર્સિટીમાં સિવિલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો. તેને બોડીબિલ્ડિંગ અને ફિટનેસનો ભારે શોખ હતો. મજબૂત શરીર અને ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોતા આ યુવાનનું જીવન 20 ઓગસ્ટ 2013ના રોજ બનેલી એક દુર્ઘટનાએ સંપૂર્ણપણે બદલી નાખ્યું. તે પોતાના પેઇંગ ગેસ્ટના ચોથા માળેથી નીચે પડી ગયો હતો, જેમાં તેના માથામાં ગંભીર ઈજા થઈ હતી.

અકસ્માત પછી હરીશના પિતા અશોક રાણાએ દીકરાને બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યો. ચંદીગઢના PGIથી લઈને દિલ્હીની AIIMS સહિત અનેક જાણીતી હોસ્પિટલોમાં સારવાર કરાવવામાં આવી, પરંતુ ડોક્ટરોએ જણાવ્યું કે માથાની ગંભીર ઈજાને કારણે મગજના જ્ઞાનતંતુઓને અપરિવર્તનીય નુકસાન થયું છે અને સ્વસ્થ થવાની કોઈ આશા બાકી નથી. છેલ્લા 13 વર્ષથી હરીશ બોલી શકતો નથી, હિલચાલ કરી શકતો નથી અને આસપાસ શું થઈ રહ્યું છે તેની પણ તેને જાણ નથી. તેની જીવંત હોવાની માત્ર એક નિશાની ક્યારેક આંખોના પલકારાં છે. પોતાના દીકરાની આવી સ્થિતિ જોઈને માતા-પિતા માનસિક રીતે તૂટી ગયા હતા. હરીશની માતા નિર્મલા દેવીએ પહેલા હાઈકોર્ટમાં ઈચ્છામૃત્યુ માટે અરજી કરી હતી, પરંતુ 8 જુલાઈ 2025 એ હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ પરિવાર સુપ્રીમ કોર્ટ પહોંચ્યો અને લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે તેમની અરજી સ્વીકારી હતી.

સુપ્રીમ કોર્ટે AIIMSને હરીશની લાઇફ સપોર્ટ સિસ્ટમ તબક્કાવાર બંધ કરવાની મંજૂરી આપી છે. આ પ્રક્રિયા દર્દીની માન-મર્યાદા જળવાઈ રહે તે રીતે હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો અર્થ ગંભીર રીતે બીમાર દર્દીને જીવંત રાખતી બાહ્ય જીવન સહાય અથવા સારવાર ધીમે ધીમે બંધ કરી દેવી, જેથી દર્દી કુદરતી રીતે મૃત્યુ પામે. હરીશના પિતા અશોક રાણાએ કોર્ટના નિર્ણય માટે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે આ નિર્ણય હજારો એવા પરિવારો માટે આશા બની શકે છે, જે લાંબા સમયથી આવી પીડાદાયક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે હવે હરીશને ડોકટરોની દેખરેખ હેઠળ AIIMSમાં લઈ જવામાં આવશે, જ્યાં તબક્કાવાર તેની ફૂડ પાઇપ દૂર કરવામાં આવશે. હરીશના અવસાન બાદ તેના માતા-પિતા તેના કાર્યકારી અંગોનું દાન કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરી છે, જેથી અન્ય લોકોને જીવનનો નવો માર્ગ મળી શકે. પરિવારના જણાવ્યા મુજબ, જ્યારે ભગવાનની ઇચ્છાથી હરીશ પ્રાણ ત્યાગશે ત્યારે તેના મૃતદેહને ગાઝિયાબાદ લાવી સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પ્રકારનો ચુકાદો આપણા દેશમાં પ્રથમવાર લેવાયો છે. દેશમાં ઈચ્છામૃત્યુ, માનવ અધિકારો અને દર્દીઓની ગૌરવપૂર્ણ જીવન સમાપ્તિ અંગે નવી ચર્ચા શરૂ કરી છે.

Most Popular

To Top