બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાનને આજે 14 દિવસ થયા છે. ગત તા.24 નવેમ્બરે ધર્મેન્દ્રએ દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર પરિવાર દ્વારા ખાનગી રીતે કરવામાં આવ્યા હતા અને તેમના બાળકો તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી. આજે એટેલે કે 8 ડિસેમ્બરે ધર્મેન્દ્રનો જન્મદિવસ છે. તેમના જન્મ દિવસ પર તેમની પુત્રી એશા દેઓલએ પહેલી વાર ભાવનાત્મક પોસ્ટ લખીને પોતાના પિતાને યાદ કર્યા છે.
એશા દેઓલએ પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે “મારા પ્રિય પપ્પા… આપણી વચ્ચેનું વચન, આપણી વચ્ચેનું બંધન સૌથી મજબૂત છે. જીવનમાં દુનિયામાં અને તેના પાર પણ… આપણે હંમેશા સાથે રહીશું. હમણાં તમે મારા હૃદયમાં છો, પ્રેમથી, કાળજીપૂર્વક અને કિંમતી રીતે છુપાયેલા છો. તમે મને જીવનભર શક્તિ, પ્રેમ, માર્ગદર્શન આપ્યું છે. જેને કોઈ બદલી શકતું નથી.”
એશાની લાગણીસભરી યાદો
એશાએ આગળ લખ્યું કે “હું તમને ખૂબ યાદ કરું છું પપ્પા… તમારા હાથનો સ્પર્શ અને તમારો અવાજ આ બધું મને ખૂબ યાદ આવે છે. તમે મને શીખવેલું સૂત્ર નમ્ર રહો, ખુશ રહો, સ્વસ્થ રહો અને મજબૂત રહો હું હંમેશા અનુસરતી રહીશ. હું તમારા વારસાને ગર્વ અને સન્માન સાથે આગળ લઈ જઈશ.”

એશાએ અંતે લખ્યું “હું તમને પ્રેમ કરું છું પપ્પા… તમારી પ્રિય પુત્રી, તમારી એશા, તમારી બિટ્ટુ.”
પિતા-પુત્રીના અતૂટ બંધનની તસવીરો
એશાએ પોતાની પોસ્ટ સાથે ધર્મેન્દ્ર સાથેની બે સુંદર તસવીરો પણ શેર કરી છે. જેમાં પિતા-પુત્રીનો પ્રેમ અને જોડાણ સ્પષ્ટ દેખાય છે. પોસ્ટમાં કોમેન્ટ સેકશન બંધ રાખવામાં આવ્યો છે. શક્ય છે કે એશાએ નકારાત્મક પ્રતિક્રિયાઓથી બચવા માટે આવું કર્યું હોય.