અમેરિકાના જસ્ટીસ ડિપાર્ટમેન્ટ તરફથી એક પછી એક એપ્સ્ટીન ફાઈલની વિગતો બહાર આવી અને એ સાથે માનવામાં ન આવે એવી અમાનવીય હકીકતો બહાર આવી! આ ફાઈલોને કારણે સત્તાશાળી વર્ગની ભોગવાદી જાતીય જીવનશૈલી જાહેર ચર્ચામાં આવી, જેમાં નથી કોઈ અફસોસ કે પશ્ચાત્તાપની ભાવના કે નથી કાનૂન પ્રત્યેનો આદર. આ ઘટનાએ સગીર બાળાઓની તસ્કરી અને જાતીય હિંસા જેવા જઘન્ય અપરાધને જાણે સામાન્ય બનાવી દીધા!
વર્ષો સુધી ચાલેલા સગીર બાળાઓના યૌન શોષણના અપરાધની આ ઘટનાએ સાબિત કર્યું કે જ્યારે અઢળક ધન અને રાજકીય સત્તાની નજદીકીથી જે અરસપરસ સાંઠ-ગાંઠ ઊભી થાય છે એ સત્તાના અહંકારને પોષે છે અને એમાંથી વિશ્વાસ ઊભો થાય છે કે કોઈ એમનું કશું બગાડી શકવાનું નથી! શ્રીમંત અને શક્તિશાળી લોકોનું ગુનાહિત નેટવર્ક કાનૂન અને વ્યવસ્થાને તોડી મરોડવાની એટલી તાકાત ઊભી કરી શકે છે કે તેઓ સજાથી જોજનો દૂર છે! ભ્રષ્ટાચારની આ પરાકાષ્ઠા છે.
૨૦૦૮માં એપ્સ્ટીને સગીર બાળાનું જાતીય શોષણ કર્યું હોવાના ગુનાની કબૂલાત કરી હતી, છતાં એપ્સ્ટીનને સાવ હળવી સજા થઇ. એની સાથે જોડાયેલા અનેક શ્રીમંત અને શક્તિશાળી લોકોનો જ પ્રભાવ હશે. એનાથી એપ્સ્ટીનને એક જુદી જ તાકાત મળી. સત્તામાં જે પણ હોય, એપ્સ્ટીન પોતાના સંપર્કોને કારણે સજાથી બચેલો જ રહેશે એવો જ કોઈ વણલખ્યો સંદેશો દુનિયાભરમાં ગયો હશે એટલે જ તો શક્તિશાળી પાવર બ્રોકર તરીકે એનું કામ ચાલુ જ રહ્યું. ભારત સહિત દુનિયાના નેતાઓનાં નામ આ ફાઈલમાં ખૂલી રહ્યાં છે. તેમણે એપ્સ્ટીન સાથે ૨૦૦૮ પછી જ સંપર્ક કર્યો હતો.
અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લીન્ટન, કરોડો રૂપિયા પરોપકાર માટે દાન કરનાર માઈક્રોસોફ્ટના સ્થાપક ઉદ્યોગપતિ બિલ ગેટ્સ, ઈંગ્લેન્ડના રાજવી પરિવારના કુંવર પ્રિન્સ એન્ડ્રુઝ, નોર્વેની રાજકુંવરી મેટમેરીટ, ઈઝરાઈલના ભૂતપૂર્વ વડા પ્રધાન એહદ બરાક સહિત દુનિયાભરનાં અનેક મોટાં માથાં ૨૦૦૮ પછી પણ એપ્સ્ટીન સાથે અંગત કે વ્યાવસાયિક રીતે સંપર્કમાં હતા. ભારતના ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંઘ પુરી જેવાં પ્રભાવી લોકોએ એપ્સ્ટીનને વ્યાવસાયિક કારણો માટે ૨૦૦૮ પછી જ સંપર્ક કર્યો હતો.
હરદીપસિંઘ પુરી તો ત્રણેક વખત એમના ઘરે પણ ગયા હોવાની વિગતો બહાર આવી છે. પેટ્રોલિયમ મંત્રીએ હળવી શૈલીમાં કરેલી પત્રકાર પરિષદ પણ અરુચિકર જ હતી. તેમનું નામ એપસ્ટીન ફાઈલમાં ખૂલવાથી કેટલાંક લોકો તેમની ઈર્ષ્યા પણ કરે છે, જેવી ટીપ્પણી જાતીય તસ્કરી પ્રત્યેનો તેમનો અભિગમ બતાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ ભારત–અમેરિકાના સંબંધને મજબૂત બનાવવા માટે એપ્સ્ટીનનો સંપર્ક કર્યો હોવા માટે જ બહાર આવ્યું છે.
એનો અર્થ એ થયો કે વ્યાવસાયિક ફાયદા સામે સગીર છોકરીઓના યૌન શોષણના ગંભીર આરોપો ગૌણ બની ગયા! જાતીય શોષણની ઘટના જ્યાં સુધી જાહેરમાં આવતી નથી ત્યાં સુધી નૈતિકતાને સ્પર્શતી પણ નથી. જરૂરી નથી કે ફાઈલમાં ખૂલેલાં દરેક નામ જાતિય શોષણના અપરાધ સાથે સંકળાયેલાં હતાં, પણ એપ્સ્ટીનનાં કરતુતોથી વાકેફ હોવા છતાં તેમને એની સાથે વ્યાવસાયિક સંબંધો કેળવવામાં કોઈ ખંચકાટ ન હતો! મહિલાઓના જાતીય શોષણને અટકાવવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું વજૂદ આટલું જ છે.
જો મીઆમી હેરાલ્ડના પત્રકાર જુલીબ્રાઉને ૨૦૧૭-૧૮માં ‘પર્વર્સન ઓફ જસ્ટીસ’ નામની શ્રેણીમાં એંસીથી વધુ પીડિતાની તપાસ કરી તેમની વાત ના લખી હોત તો કદાચ હજુ પણ એપ્સ્ટીનનું ગુનાહિત સામ્રાજ્ય ચાલુ રહ્યું હોત. આ ફાઈલોની વિગતો બહાર આવી એનો મતલબ એવો નથી કે પીડિતાઓને ન્યાય મળી જશે. અત્યારે તો એમનાં નામ અને ઓળખની માહિતી ખુલ્લી પડી રહી છે, જ્યારે એમનો દુરુપયોગ કરનારા પુરુષો મુક્ત ફરી રહ્યા છે. આનાથી વધુ અસુરક્ષિત અને અપમાનજનક બીજું શું હોઈ શકે?
મૂડીવાદી વિકાસે મહિલાઓ માટે તક ઊભી કરી વિકાસ માટે દરવાજા ખોલ્યા છે એ વાત સાચી, પણ એને સમાંતર વ્યવસ્થાના નેતૃત્વમાં પુરુષપ્રધાન મૂલ્યોનું પ્રભુત્વ ઓછું થયું નથી. કશામાં પણ બજારયોગ્ય તક શોધતી વ્યવસ્થા દરેક ઈચ્છા સંતોષવા માટે બજારમાં લે-વેચની વ્યવસ્થા ઊભી કરે છે. જ્યાં મુઠ્ઠીભર લોકો પાસે બેહિસાબ સંપત્તિ છે, ઈચ્છે તે ભોગવી શકે એટલી ખરીદશક્તિ છે ત્યાં સ્ત્રીનું શરીર પણ ધનિક અને શક્તિશાળી લોકોને આનંદ આપતી ‘વસ્તુ’ માત્ર બની રહે છે. આ મૂલ્યો આપણા વ્યવહારમાં એટલાં તો વણાઈ ગયાં છે કે એમાં કશું અજુગતું પણ નથી લાગતું! સ્ત્રીનું શારીરિક શોષણ કે એની સામેની જાતીય હિંસા જિંદગીનો સામાન્ય હિસ્સો છે. સ્ત્રીને ઉપભોગની વસ્તુ તરીકે રજૂ કરવાનો દૃષ્ટિકોણ આપણે સિનેમા કે જાહેરાતોમાં જોઈએ છીએ–એપ્સ્ટીન ફાઈલ આ વૃત્તિની ચરમસીમા છે. ટૂંકમાં, જ્યાં સુધી સમાજમાં સત્તાનું અસંતુલન હશે ત્યાં સુધી એપ્સ્ટીન ઘટના બનવાની શક્યતા રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.