Editorial

રોગચાળાની ચિંતાઓ વચ્ચે રશિયા-યુક્રેઇન તનાવમાંથી મોટો ભડકો થવાનો ભય

બે વર્ષથી દુનિયામાં કોરોનાવાયરસનો રોગચાળો ચાલી રહ્યો છે અને વિશ્વની પ્રજાને આને કારણે અનેક હાલાકીઓનો સામનો કરવો પડ્યો છે ત્યારે દુનિયામાં અનેક સ્થળે વિવિધ દેશો, પ્રદેશો વચ્ચે તનાવ અને સંઘર્ષના તાપણા પણ સળગી રહ્યા છે. ભારત અને ચીન વચ્ચે લડાખમાં મહિનાઓથી તનાવ ચાલી રહ્યો છે ત્યારે હાલ રશિયા અને યુક્રેઇનની સરહદ પર ભારે તનાવ ચાલી રહ્યો છે. સોવિયેટ યુનિયનનું ૧૯૯૧માં વિસર્જન થયું, તેમાંથી જે વિવિધ દેશો છૂટા પડ્યા તેમાંનું એક યુક્રેઇન છે. આ યુક્રેઇન સાથે ભૂતપૂર્વ સોવિયેટ યુનિયનના દેશ રશિયાને લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે અને હાલ આ બંને દેશો વચ્ચે તનાવ ખૂબ વધી ગયો છે અને આવા માહોલ વચ્ચે યુદ્ધ ભડકી ઉઠે તેવો ભય સેવાઇ રહ્યો છે ત્યારે આ તનાવ ખાળવા માટે અમેરિકા અને યુરોપિયન દેશો સક્રિય થયા છે પરંતુ તેમનો ઝોક યુક્રેઇન તરફી છે. અમેરિકા અને રશિયાના વરિષ્ઠ અધિકારીઓએ  વ્યુહાત્મક સ્થિરતાના મુદ્દે સોમવારે ખાસ મંત્રણાઓ શરૂ કરી છે જે યુક્રેઇનની સરહદ પર રશિયાની લશ્કરી જમાવટને કારણે ઉભા થયેલા તનાવને હળવો કરવા માટે યુરોપમાં આ સપ્તાહે શરૂ થયેલી રાજદ્વારા ગતિવિધિઓનો એક ભાગ છે, જો કે તત્કાળ કોઇ મોટી સફળતા દેખાઇ રહી નથી.

રશિયન નાયબ વિદેશ મંત્રી સર્ગેઇ રયાબકોવ અને તેમનું પ્રતિનિધિમંડળ અમેરિકી નાયબ વિદેશ મંત્રી વેન્ડી શેરમાન અને તેમની ટીમ સાથે રૂબરૂ મંત્રણા માટે જીનીવાના અમેરિકી દૂતાવાસ ખાતે સ્વીસ પોલીસ એસ્કોર્ટ સાથે આવી પહોંચ્યું હતું. આ બેઠક પ્રમુખો જો બાઇડન અને વ્લાદીમીર પુટીન દ્વારા આ સ્વીસ શહેરમાં જૂનમાં યોજાયેલ તેમની સમિટ વખતે શરૂ કરેલ વ્યુહાત્મક સુરક્ષા સંવાદના ભાગરૂપે છે. રવિવારે એક અવિધિસરના વર્કિંગ ડિનર પછી રયાબકોવે જીનીવામાં એક મુશ્કેલ મંત્રણાની આગાહી કરી હતી જેના પછી નાટો-રશિયા બેઠક બુધવારે બ્રસેલ્સમાં યોજાનાર છે અને ગુરુવારે વિયેનામાં યુરોપના સુરક્ષા અને સહકાર માટેના બહુપક્ષીય સંગઠનની બેઠક છે. જો કે યુક્રેઇન અંગેની મંત્રણામાં કેટલી સફળતા મળે તે બાબતે શંકા સેવાઇ રહી છે.

મંત્રણાઓ શરૂ થતા પહેલા જ રશિયાએ અમેરિકા અને તેના પશ્ચિમી સાથીઓ પાસેથી ઘણી માગણીઓ કરી છે જેમાં જેમાં એવી ખાતરી પણ માગવામાં આવી છે કે નાટો પોતાનું વિસ્તરણ સોવિયેટ યુનિયનના યુક્રેઇન જેવા ભૂતપૂર્વ સભ્ય દેશો સુધી કરે નહીં. યુક્રેઇન સાથેની સરહદે રશિયાએ પોતાના અંદાજે એક લાખ જેટલા સૈનિકો ખડકી દીધા છે અને તે યુક્રેઇનમાં કોઇ લશ્કરી પગલું ભરે તેવો ભય સેવાઇ રહ્યો હોવાને કારણે અહીં તનાવ પ્રવર્તી રહ્યો છે. રશિયાએ નાટોનું વિસ્તરણ અટકાવવા ઉપરાંત રશિયાની સરહદો તરફ તે મિસાઇલો તાકે નહીં અને રશિયાની નજીક નાટો લશ્કરી કવાયતો કરે નહીં તેવી માગણી પણ કરી છે.

બીજી બાજુ સાર્વભૌમ રાષ્ટ્રો પોતે કયા ગઠબંધનમાં જોડાવું તે નક્કી કરવાને સ્વતંત્ર છે એમ કહીને અમેરિકા યુક્રેઇન નાટોમાં જોડાય તેની દેખીતી તરફેણ કરી રહ્યું છે. જો કે વૉશિંગ્ટને એવો સંકેત આપ્યો છે કે જો રશિયા યુક્રેઇન સરહદેથી પાછળ ખસે તો તે યુક્રેઇનમાં ભવિષ્યના સંભવિત આક્રમક મિસાઇલોની તૈનાતીમાં કાપ મૂકી શકે છે અને પૂર્વ યુરોપમાં નાટોની લશ્કરી કવાયતો પર મર્યાદા મૂકી શકે છે. પરંતુ રશિયા તેના દળોને યુક્રેઇનની સરહદે નજીકથી પાછા ખેંચે કે કેમ? તે એક પ્રશ્ન છે, રશિયન પ્રમુખ પુટિન તેમના ખેપાની સ્વભાવ માટે જાણીતા છે અને તેઓ અમેરિકા અને તેના સાથી દેશોની વાત માનીને યુક્રેઇન સરહદેથી સહેલાઇથી દળો પાછા ખેંચી લે તે બહુ શક્ય લાગતું નથી.

આમ તો સોવિયેટ યુનિયનનું વિસર્જન થયું ત્યારબાદ શરૂઆતમાં તો રશિયા અને યુક્રેઇન વચ્ચે સારા સંબંધો હતા, પરંતુ તનાવ ઉભા કરે તેવા કારણો પણ ઘણા હતા. સોવિયેટ યુનિયન વખતના સંયુક્ત લશ્કરી કાફલાની વહેંચણીથી માંડીને ગેસની વહેંચણી અને ક્રિમિયા પ્રદેશનો વિવાદ – આવી અનેક બાબતો સંઘર્ષ જન્માવે તેવી હતી અને બંને દેશો વચ્ચે તનાવ સર્જાવા માંડ્યો અને વધવા માંડ્યો. યુક્રેઇન અમેરિકા અને તેના સાથી દેશોના નાટો સંગઠન તરફ ઢળવા માંડ્યુ અને તે સામે રશિયાને મોટો વાંધો છે. શીત યુદ્ધ સમયનું સામ્યવાદી દેશોનું વૉર્સો સંગઠન તો હવે મરી પરવાર્યું છે પણ મૂડીવાદી દેશોનું નાટો સંગઠન હજી સક્રિય છે.

બીજી બાજુ નામના જ સામ્યવાદી રહી ગયેલા એવા રશિયા અને ચીન જેવા દેશો લશ્કરી દષ્ટિએ ખૂબ બળુકા બન્યા છે અને પશ્ચિમી દેશોને પડકારવા માંડ્યા છે. આમાં હવે યુક્રેઇનનો તનાવ ખૂબ વધ્યો છે અને રશિયા જો યુક્રેઇન પર હુમલો કરી દે અને નાટો સંગઠનના દેશો યુક્રેઇનની તરફેણમાં કૂદી પડી તો મોટો ભડકો થઇ જવાની શક્યતા નકારી શકાય નહીં. ત્રીજા વિશ્વયુદ્ધનો ભય પણ કેટલાક સેવે છે. જો કે હાલના સંજોગોમાં મોટા યુદ્ધો કોઇને પોસાય તેમ નથી અને તેથી જ યુરોપિયન દેશો અને અમેરિકા રશિયાને સમજાવવા ભેગા થયા છે. જો કે રશિયા તેમની વાત કેટલી માનશે અને નાટોના દેશો પણ કેટલી હદે નમતુ જોખશે તે એક સવાલ છે, આવા સંજોગો વચ્ચે રશિયા-યુક્રેઇનનો તનાવ આખા વિશ્વને ચિંતા કરાવી રહ્યો છે.

Most Popular

To Top