SURAT

રાજકારણમાં નવા ટ્રેન્ડની એન્ટ્રી

ડૉક્ટરો બનવા માંગે છે નેતા! સુરત ભાજપમાં ટિકિટ માટે જંગ: 96 બેઠકો માટે 1578 દાવેદારો.


સુરત શહેરની રાજનીતિમાં ભાજપની અંદર જોરદાર હલચલ જોવા મળી રહી છે. આગામી ચૂંટણીને લઈને પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે ભારે દોડધામ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને 96 બેઠકો માટે કુલ 1578 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જે રાજકીય ગરમાવો વધુ તેજ બનાવે છે.આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપમાં આ વખતે ટિકિટ માટે ભારે સ્પર્ધા છે. એક બેઠક માટે સરેરાશ 15થી વધુ દાવેદારો જોવા મળી રહ્યા છે, જે પાર્ટી માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરવાનું પડકારજનક બની ગયું છે.

આ વખતની ખાસ વાત એ છે કે રાજકીય કાર્યકરો ઉપરાંત પ્રોફેશનલ વર્ગના લોકો પણ ચૂંટણી મેદાનમાં ઉતરવા માટે આગળ આવ્યા છે. ખાસ કરીને અનેક ડૉક્ટરોએ પણ ઉમેદવારી માટે અરજી કરી છે, જે રાજકારણમાં નવા ટ્રેન્ડ તરીકે જોવામાં આવી રહ્યું છે. પાર્ટીના આંતરિક સૂત્રો અનુસાર, ઉમેદવારોની પસંદગી માટે સંઘટન સ્તરે વિશેષ મંત્રણાઓ ચાલી રહી છે. ઉમેદવારોની લોકપ્રિયતા, સંગઠન પ્રત્યેની વફાદારી અને જીતવાની ક્ષમતા જેવા માપદંડોને ધ્યાનમાં રાખીને અંતિમ યાદી તૈયાર કરવામાં આવશે.

સાથે જ, જૂના કાર્યકરો અને નવા ચહેરાઓ વચ્ચે તગડી ટક્કર જોવા મળી રહી છે. ઘણા દાવેદારો વર્ષોથી પાર્ટીમાં કાર્યરત હોવાનો દાવો કરી રહ્યા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓ પોતાની વ્યાવસાયિક ઓળખના આધારે ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ભાજપ માટે યોગ્ય સંતુલન સાધવું અત્યંત જરૂરી બની ગયું છે. કારણ કે ખોટી પસંદગી પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આગામી દિવસોમાં ઉમેદવારોની જાહેરાત સાથે જ સુરતની રાજનીતિમાં વધુ ગરમાવો આવવાની સંભાવના છે. હાલમાં તો ભાજપની અંદરની ટિકિટની દોડ જ શહેરમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે.

Most Popular

To Top