Sports

વિશ્વકપ 1966 પછી ઇંગ્લેન્ડ પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું, યુરો કપમાં પણ પહેલીવાર ફાઇનલમાં

લંડન : યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો 2020 (Euro 2020) ની સેમી ફાઇનલ (Semi final)માં ઇંગ્લેન્ડ (England)ની ટીમે કેપ્ટન હેરી કેન (Harry kane)ના નિર્ણાયક ગોલ (Finishing goal)ની મદદથી ડેન્માર્ક (Denmark)ને 2-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

છેલ્લા 55 વર્ષમાં પહેલીવાર ઇંગ્લેન્ડની ટીમ કોઇ મેજર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશી છે, જ્યાં રવિવારે તેનો સામનો છેલ્લી 33 મેચથી અજેય રહેલા ઇટાલી સાથે થશે. ઇંગ્લેનડની ટીમ મેચના પહેલા અડધા કલાકમાં જ એક ગોલથી પાછળ રહી ગઇ હતી, જો કે તે છતાં તેમણે એકસ્ટ્રા ટાઇમમાં ગોલ કરીને મેચ જીતી હતી. જીતનો હીરો કેપ્ટન હેરી કેન રહ્યો હતો. કેનના પેનલ્ટી શોટને ડેન્માર્કના ગોલકીપરે બચાવી લીધો હતો, જો કે બોલ રિબાઉન્ડ થઇને આવતા કેને તેને ગોલ પોસ્ટમાં ધકેલી દીધો હતો.

બુધવારે રાત્રે રમાયેલી આ સેમી ફાઇનલમાં 30મી મિનીટમાં જ મિક્કેલ ડેમ્સગાર્ડે ગોલ કરીને ડેન્માર્કને સરસાઇ અપાવી દીધી હતી. આ દરમિયાન ઇંગ્લેન્ડ પાસે ગોલ કરવાની ઘણી તક આવી હતી પણ તેઓ તેને પોતાના તરફ ફેરવી શક્યા નહોતા. 39મી મિનીટમાં બોલને ઇંગ્લેન્ડના ખેલાડીથી દૂર ધકેલવાના પ્રયાસમાં ડેન્માર્કના કેપ્ટન સાઇમન જાએરે આત્મઘાતી ગોલ કર્યો હતો અને તેના કારણે સ્કોર 1-1ની બરોબરી પર પહોંચ્યો હતો. મેચ નિર્ધારિત સમય સુધી 1-1ની બરોબરી પર રહ્યા પછી એકસ્ટ્રા ટાઇમ શરૂ થયો હતો અને તે દરમિયાન ડેન્માર્કના જેન્સનને રેડ કાર્ડ બતાવાતા તેમણે 10 ખેલાડીઓથી રમવાનો વારો આવ્યો હતો. વધારાના સમયના પહેલા હાફમાં રહીમ સ્ટર્લિંગ ડેન્માર્કના ડિફેન્ડર જોકિમ માએલે પાસેથી બોલ લેવા જતાં સંતુલન ખોઇને ગબડી પડ્યો અને તેના કારણે ઇંગ્લેન્ડને પેનલ્ટી મળી હતી. હેરી કેને ફટકારેલો પેનલ્ટી શોટ ગોલકીપરે અટકાવી તો લીધો પણ બોલ રિબાઉન્ડ થઇને આવતા હેરી કેને તેને ગોલ પોસ્ટમાં ધકેલીને ગોલ કરી દીધો હતો.

વિશ્વકપ 1966 પછી ઇંગ્લેન્ડ પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું, યુરો કપમાં પણ પહેલીવાર ફાઇનલમાં
યુરો 2020માં બુધવારે ડેન્માર્કને હરાવીને ઇંગ્લેન્ડની ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો અને 1966ના વર્લ્ડકપ પછી તેની આ પહેલી ફાઇનલ બનશે. યુરોપિયન ચેમ્પિયનશિપમાં પણ ઇંગ્લેન્ડની ટીમ પહેલીવાર ફાઇનલમાં પહોંચી છે. આ પહેલા તે સેમી ફાઇનલથી આગળ વધી શકી નહોતી. ઇંગ્લેન્ડે અત્યાર સુધી એકમાત્ર 1966નો વર્લ્ડકપ જીત્યો છે. કોઇ પણ મેજર ટૂર્નામેન્ટમાં 55 વર્ષ પછી ઇંગ્લેન્ડની ટીમ સેમી ફાઇનલ જીતી છે. આ પહેલા તેઓ છેલ્લે 1966ના વર્લ્ડકપમાં સેમી ફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચીને ચેમ્પિયન થયા હતા. હેરી કેનના એક ગોલે તેમના 55 વર્ષના ફાઇનલ પ્રવેશના દુકાળનો અંત આણ્યો છે.

છેલ્લા 55 વર્ષમાં ઇંગ્લેન્ડ વર્લ્ડકપ કે યુરો ચેમ્પિયનશિપમાં ચાર સેમી ફાઇનલ હાર્યું હતુ
ઇંગ્લેન્ડની ટીમે બુધવારે ડેન્માર્કની ટીમ સામે 2-1થી મેળવેલો વિજય એટલા માટે પણ સૌથી વધુ મહત્વનો છે કે તેઓ 1966માં વર્લ્ડકપ જીત્યા પછી કદી સેમી ફાઇનલથી આગળ વધી શક્યા નહોતા. છેલ્લા 55 વર્ષના ફૂટબોલના ઇતિહાસને ધ્યાને લેતા એવું જોવા મળે છે કે ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપ કે યુરો ચેમ્પિયનશિપ મળીને કુલ ચાર વાર સેમી ફાઇનલમાં હારી ચુકી છે અને તેમના માટે આ એક જીત એ જૂના દુખો અને હતાશા ખંખેરનારી સાબિત થઇ શકે છે. આ ચાર સેમી ફાઇનલ પરાજયમાંથી 1990, 1996 અને 2018ની સેમી ફાઇનલ તેણે પેનલ્ટી શૂટઆઉટમાં ગુમાવી હતી.

ડેન્માર્કના કેપ્ટન સાઇમન જાએરે કરેલો આત્મઘાતી ગોલ ઇંગ્લેન્ડને ફાયદો કરાવી ગયો
બુધવારે વેમ્બલી સ્ટેડિયમમાં રમાયેલી યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપની બીજી સેમી ફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમ માટે ડેન્માર્કના કેપ્ટન સાઇમન જાએરે કરેલો આત્મઘાતી ગોલ ફાયદાકારક બની રહ્યો હતો. મેચની 30મી મિનીટમાં મિકેલ ડેમ્સગાર્ડે 8ગોલ કરીને ડેન્માર્કને સરસાઇ અપાવી દીધી હતી. જો કે 9 મીનિટ પછી સિમોન જાએરે કરેલો આત્મઘાતી ગોલ ઇંગ્લેન્ડને બરોબરી અપાવી ગયો હતો. આ સિવાય ઇંગ્લેન્ડ નિર્ધારિત સમયમાં બીજો કોઇ ગોલ કરી શક્યું નહોતું. તે પછી એકસ્ટ્રા ટાઇમના પહેલા હાફમાં હેરી કેને કરેલો ગોલ તેમના તરફથી થયેલો એકમાત્ર ગોલ રહ્યો હતો.

Most Popular

To Top