National

ENG vs IND: ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર, સ્ટાર ખેલાડી ઘાયલ, પ્રથમ ટેસ્ટમાંથી બહાર

નોટિંઘમ : ભારતીય ટીમ (Indian cricket team)નો ઓપનીંગ બેટ્સમેન મયંક અગ્રવાલ (Mayank agraval) સોમવારે નેટ પ્રેક્ટિસ દરમિયાન ઝડપી બોલર મહંમદ સિરાજ (Siraj)નો બાઉન્સર માથામાં વાગતા કન્કશનને કારણે ઇંગ્લેન્ડ (England) સામે બુધવારથી શરૂ થઇ રહેલી પ્રથમ ટેસ્ટ (Test match)માંથી આઉટ થઇ ગયો છે. ભારતીય બોલિંગ આક્રમણના હાલના સૌથી ઝડપી બોલર સિરાજનો સામનો કરતી વખતે મયંકે તેના બોલ પરથી નજર હટાવી લીધી હતી અને બોલ તેની હેલમેટ સાથે અથડાયો હતો.

બીસીસીઆઇ (BCCI)ના સચિવ જય શાહે એક મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે સોમવારે નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ ખાતે ભારતીય ટીમની નેટ પ્રેક્ટિસ (Net practice) દરમિયાન ઓપનીંગ બેટ્સમેન મયંક અગ્રવાલની હેલમેટમાં બોલ વાગ્યો હતો. બીસીસીઆઇની મેડિકલ ટીમે તેની તપાસ કરી હતી અને કન્કશન ટેસ્ટ કરાયો હતો. તેનામાં કન્કશનના ચિન્હો દેખાયા છે અને તે પહેલી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. 30 વર્ષિય બેટ્સમેનની સ્થિતિ સ્થિર છે અને તેને હાલ તબીબી નિરિક્ષણ હેઠળ રખાયો છે એવું શાહે વધુમાં ઉમેર્યું હતું. ભારતીય ટીમના વાઇસ કેપ્ટન અજિંકેય રહાણેને ભારતીય ખેલાડીઓની ફિટનેસ બાબતે પુછાયું ત્યારે તેણે કહ્યું હતું કે અગ્રવાલને માથામાં બોલ વાગ્યો છે અને મેડિકલ ટીમ તેને ચકાસી રહી છે. બાકીના બધા જ ખેલાડી ફિટ છે. સિરાજનો બોલ વાગ્યા પછી હેલમેટ ઉતર્યા બાદ મયંકને અસહજતા લાગતા તે જમીન પર બેસી પડ્યો હતો. તે પછી ફિઝિયો નિતીન પટેલ સાથે જ્યારે તે બહાર નીકળ્યો ત્યારે તેનો એક હાથ માથાના પાછળના ભાગે હતો.

મયંકની ગેરહાજરીમાં લોકેશ રાહુલને ઓપનર તરીકે તક મળવાની સંભાવના
ભારતીય ટીમનો ઓપનર મયંક અગ્રવાલ કન્કશન ઇજાને કારણે પહેલી ટેસ્ટમાંથી આઉટ થઇ ગયો છે, ત્યારે હવે બુધવારથી શરૂ થઇ રહેલી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં રોહિત શર્માના ઓપનીંગ જોડીદાર તરીકે લોકેશ રાહુલને તક મળે તેવી સંભાવના છે. રાહુલે મોટાભાગની ટેસ્ટમાં ઇનિંગની શરૂઆત જ કરી છે. જો કે હાલમાં તે મિડલ ઓર્ડરમાં રમવાનું વધુ પસંદ કરે છે. આ સિવાય બંગાળના અભિમન્યુ ઇશ્વરનના રૂપમાં અન્ય એક વિકલ્પ પણ છે.

ઓપનર તરીકે હનુમા વિહારીને પણ તક મળી શકે
ભારતીય ટીમના છેલ્લા ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ્યારે ટીમના મોટાભાગના ખેલાડીઓ ઘાયલ થયા હતા ત્યારે હનુમા વિહારીએ તેમની સામે દાવની શરૂઆત કરી હતી. આ બાબતને ધ્યાને લેતા હનુમા વિહારી પણ ઓપનરના એક વિકલ્પ તરીકે સામે છે. જો હનુમા વિહારી ઓપનર તરીકે સામેલ થાય તો તે ઓફ સ્પિન બોલિંગ પણ કરી શકતો હોવાથી બોલિંગમાં પણ તે એક વિકલ્પ રહી શકે અને સાથે જ ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ અંતિમ ઇલેવનમાં સામેલ કરી શકાય.

Most Popular

To Top