ઇન્સ્ટાગ્રામના વપરાશકર્તાઓ માટે મોટી બદલાવની જાહેરાત થઈ છે. મેટા 8 મે, 2026થી ઇન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજ (DM) માટેનો ‘એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન’ (E2EE) ફીચર દૂર કરશે. એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો અર્થ એ છે કે તમારાં સંદેશાઓ ફક્ત તમે અને પ્રાપ્તકર્તા જ વાંચી શકે, અને મેટા સહિત કોઈ તૃતીય પક્ષને તેનો ઍક્સેસ નહતો. પરંતુ સુવિધા દૂર થતા, તમારી ચેટ્સ મેટાના સર્વર્સ પર સ્ટોર થશે અને સંપૂર્ણ રીતે ખાનગી નહીં રહે. મેટાની સત્તાવાર જાહેરાત મુજબ, આ નિર્ણયનું મુખ્ય કારણ એ છે કે ખૂબ ઓછા વપરાશકર્તાઓ જ આ સુવિધાનો ઉપયોગ કરતા હતા. ઇન્સ્ટાગ્રામ પર એન્ક્રિપ્શન ડિફોલ્ટ સેટિંગ તરીકે ઉપલબ્ધ ન હતું, જેના કારણે વપરાશકર્તાઓને તેને સેટ કરવું પડતું હતું. મેટા પ્રવક્તાએ જણાવ્યું, “ખૂબ ઓછા લોકો DM માં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પસંદ કરી રહ્યા હતા, તેથી અમે આ વિકલ્પ હટાવી રહ્યા છીએ. જે વપરાશકર્તાઓ સંપૂર્ણ ગોપનીયતા ઇચ્છે છે, તેઓ WhatsApp પર આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.”
આ પગલાં પાછળ અન્ય કારણો પણ હોઈ શકે છે. વર્ષોથી કાયદા અમલીકરણ એજન્સીઓ અને બાળ સુરક્ષા જૂથો મેટા પર દબાણ મૂકતા આવ્યા છે. તેઓનું દલીલ છે કે એન્ક્રિપ્શન ગુનેગારો માટે ચેટ્સ છુપાવવાનું સરળ બનાવે છે. લીક થયેલા દસ્તાવેજો દર્શાવે છે કે મેટાના ટોચના અધિકારીઓએ પણ ચર્ચા કરી હતી કે શું ચેટ્સને સંપૂર્ણ રીતે ખાનગી રાખવી સુરક્ષા જોખમો ઉભા કરે છે. જો તમારાં સંદેશાઓ ફક્ત મીમ્સ અને સામાન્ય વાતચીત માટે છે, તો આ ફેરફાર મહત્ત્વનો નથી. પરંતુ જો તમે કામ, આરોગ્ય, વ્યક્તિગત યોજના કે અન્ય ખાસ માહિતી માટે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો, તો તમારે તમારા સંદેશાઓને વધુ સુરક્ષિત પ્લેટફોર્મ પર ખસેડવાનું વિચારી શકો. જ્યારે ચેટ એન્ક્રિપ્ટેડ ન હોય, ત્યારે મેટા અથવા હેકર તમારા સંદેશાઓ સુધી ઍક્સેસ મેળવી શકે છે. વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ 8 મે પહેલા પોતાની મહત્વપૂર્ણ ચેટ્સ અને મીડિયા ડાઉનલોડ કરે. આ સમય મર્યાદા પછી, જૂની એન્ક્રિપ્ટેડ ચેટ્સ હવે સુરક્ષિત નહીં રહે. જે લોકો વધુ સુરક્ષિત વાતચીત ઇચ્છે છે, તેમને Signal, WhatsApp, Session, Threema કે Telegram જેવી સુરક્ષિત એપ્લિકેશનો પર સ્વિચ કરવું મહત્વપૂર્ણ બની ગયું છે.