ભારતીય સંગીત જગતની દિગ્ગજ ગાયિકા આશા ભોસલેના નિધન બાદ સમગ્ર દેશ શોકમાં છે. તેમના નિધન પછી ગાયક સોનુ નિગમ ખૂબ જ ભાવુક બન્યા છે અને સોશિયલ મીડિયા પર તેમને યાદ કરીને હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ આપી છે. આ દરમિયાન સોનુ નિગમે આશા ભોસલે સાથે જોડાયેલી કેટલીક યાદગાર અને દુર્લભ તસવીરો પણ શેર કરી, જેમાં એક તસવીરે ખાસ ધ્યાન ખેંચ્યું છે.
સોનુ નિગમે શેર કરેલી એક તસવીરમાં તેઓ મંચ પર આશા ભોસલેના પગને પાણીથી ધોઈ રહ્યા છે. આ અનોખી અને સંવેદનાત્મક ક્ષણ દરમિયાન RSS પ્રમુખ મોહન ભાગવત પણ ત્યાં હાજર હતા અને આ દ્રશ્યને નિહાળી રહ્યા હતા. બીજી એક તસવીરમાં સોનુ નિગમ મંચ પર આશા ભોસલેના પગ સ્પર્શ કરીને આશીર્વાદ લેતા જોવા મળે છે. આ તસવીરો હવે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.
સોનુ નિગમે પોતાની પોસ્ટમાં આશા ભોસલે સાથેના પોતાના લાંબા સંગીતમય સફરના અનુભવો પણ યાદ કર્યા. તેમણે જણાવ્યું કે વર્ષ 1994માં પહેલી વાર આશા ભોસલે સાથે ગાવાનો મોકો મળ્યો હતો અને ત્યારથી લઈને ડિસેમ્બર 2024માં થયેલા તેમના છેલ્લાં કોન્સર્ટ સુધીનો સમય તેમના જીવનની સૌથી કિંમતી યાદોમાંનો એક રહ્યો છે. તેમણે વધુમાં લખ્યું કે આશા ભોસલે ભારતીય ફિલ્મ સંગીતની સૌથી મહાન ગાયિકાઓમાંથી એક હતી અને જીવનના અંતિમ દિવસ સુધી તેઓ રિયાઝ માટે સમર્પિત રહી પ્રેરણા આપતી રહી. સોનુ નિગમે ભાવુક શબ્દોમાં લખ્યું કે “તમે ગયા છો, પણ દિલ હજુ ભરાયું નથી.”
ઉલ્લેખનીય છે કે 92 વર્ષની વયે આશા ભોસલેનું 12 એપ્રિલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે મુંબઈ સ્થિત નિવાસસ્થાને વ્યવસ્થા કરવામાં આવી અને 13 એપ્રિલે સાંજે 4 વાગ્યે રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર યોજાશે.