કોરોનાની સાથે-સાથે હવે અમેરિકામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અનેક મિલિયન લોકો શીતલહરની ચપેટમાં છે. ભારે હિમવર્ષાનાં કારણે લોકો પોતાના ઘરોમાં કેદ થઇ ગયા છે. અમેરિકાનાં ન્યુયોર્ક શહેરમાં હાલત ગંભીર બની ગયા છે. બરફનાં વાવાઝોડાનાં પગલે ન્યુયોર્કમાં તાપમાન -45 ડીગ્રી પર પહોંચી ગયું છે. જેના કારણે શહેરમાં ઈમરજન્સી લાગુ કરી દેવામાં આવી છે. હાલમાં વીજળી સપ્લાય પૂરી રીતે બંધ કરી દેવામાં આવી છે.
10 લાખથી વધુ ઘરોમાં બ્લેકઆઉટ
અમેરિકાના પશ્ચિમી રાજ્ય મોન્ટાનામાં શુક્રવારે તાપમાનનો પારો ઘટીને -45 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયો હતો. બરફનાં તોફાનના કારણે કેન્દ્રીય રાજ્યોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. નેશનલ વેધર સર્વિસ મુજબ, ડેસ મોઇન્સ, આયોવા જેવા સ્થળોએ તાપમાન -37°F (-38°C) છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં 10 લાખથી વધુ લોકો હાલમાં બ્લેકઆઉટ અને પાવર આઉટેજનો અનુભવ કરી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં 1.4 મિલિયનથી વધુ ઘરોએ પાવર અને પાણીનો પુરવઠો ગુમાવ્યો છે. 3,000થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
બરફના વાવાઝોડાનાં કારણે અત્યાર સુધીમાં 13નાં મોત
મળતી માહિતી અનુસાર, બરફના વાવાઝોડાનાં કારણે મૃતકોની સંખ્યા વધીને 13 થઈ ગઈ છે. અગાઉ, હવામાન સંબંધિત ઘટનાઓમાં નવ લોકોના મોત થયા હતા અને હવે ઓહાયોમાં કાર અકસ્માતમાં વધુ ચાર લોકોના મોત થયા છે. રાજ્યના ગવર્નરના જણાવ્યા અનુસાર, રસ્તાની હાલની સ્થિતિ ઓહાયોના લોકો માટે જોખમ ઊભું કરી રહી છે. તેમણે લોકોને ઘરની અંદર રહેવા અને સતર્ક રહેવા વિનંતી કરવામાં આવી છે. પરિસ્થિતિને જોતા ન્યૂયોર્કના ગવર્નરે ઈમરજન્સી જાહેર કરી દીધી છે. તેમણે કહ્યું કે બરફનાં વાવાઝોડાને કારણે રાજ્યમાં તાપમાન અસહ્ય થઈ ગયું છે. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે, તેઓમે પૂર અને બરફનાં તોફાન બંનેનો સામનો કરી રહ્યા છીએ. રાજ્યના અનેક ભાગોમાં વરસાદનાં પગલે તાપમાન ઝડપથી ગગડી રહ્યું છે. જેના કારણે સ્થિતિ ગંભીર બની છે.
બોમ્બ ચક્રવાત કેટલું ખતરનાક છે?
બોમ્બ ચક્રવાત એ એક ગંભીર તોફાનને આપવામાં આવેલું નામ છે જેમાં વાવાઝોડાના કેન્દ્રમાં હવાનું દબાણ 24 કલાકમાં ઓછામાં ઓછું 24 મિલીબાર ઘટી શકે છે અને તે ઝડપથી વધે છે. બોમ્બ ચક્રવાતને કારણે આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થાય છે અને ભારે પવન ફૂંકાય છે. આ તોફાન સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં આવે છે. હવામાનશાસ્ત્રી એશ્ટન રોબિન્સન કૂકનું કહેવું છે કે મધ્ય યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ઠંડી હવા પૂર્વ તરફ આગળ વધી રહી છે અને આગામી દિવસોમાં પવનના કારણે લગભગ 135 મિલિયન લોકો ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. આ સાથે, તાપમાન એટલું ઘટી જશે કે તેને સહન કરવું મુશ્કેલ બનશે.