National

કોબ્રા કાંડમાં એલ્વિશ ફરી EDની પુછપરછ હેઠળ, કહ્યું- ‘જે પૂછવામાં આવશે…’

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના (Enforcement Directorate) અધિકારીઓએ મંગળવારે કોબ્રા કાંડ કેસમાં (Cobra case) પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવની (Elvish Yadav) પૂછપરછ કરી હતી. ત્યારે EDએ તેમને 8મી જુલાઈએ સમન્સ પાઠવ્યા હતા, જો કે તેઓ વિદેશમાં હોવાથી તેમણે મુદત વધારવાની માંગ કરી હતી. તેમજ આ મુદત મુજબ આજે 23 જુલાઇના રોજ એલ્વિશ યાદવની પુછપરછ હાથ ધરવામાં આવી હતી

પ્રાપ્ત વિગતો મુજબ યુટ્યુબર એલ્વિશ યાદવને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED દ્વારા મંગળવારે 23 જુલાઈના રોજ સાપના ઝેરની દાણચોરીના કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યારે ED ઓફિસ પહોંચેલા એલ્વિશ યાદવે કહ્યું હતું કે તેઓ તેમને પૂછવામાં આવતા દરેક સવાલનો જવાબ આપશે. ઈડીએ 10 જુલાઈએ એલ્વિશ યાદવ વિરુદ્ધ નોટિસ જારી કરી હતી, જેમાં તેમને તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે નોટિસ મળ્યા બાદ એલ્વિશ યાદવ આજે ED ઓફિસ પહોંચ્યા હતા.

જ્યારે તપાસ એજન્સીની ઓફિસે પહોંચેલા મીડિયાકર્મીઓએ એલ્વિશ યાદવને અગાઉની નોટિસ પર હાજર ન થવા અંગે પ્રશ્નો પૂછ્યા તો તેમણે પણ એ જ જવાબ આપ્યો હતો. એલ્વીશે કહ્યું કે હું બહારગામ ગયો હતો, જેના કારણે ED દ્વારા બોલાવવામાં આવતા હું આવી શક્યો ન હતો. હું આજે આવ્યો છું. મારા પર લાગેલા આરોપો અંગે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ED અધિકારીઓ દ્વારા જે પણ પ્રશ્નો પૂછવામાં આવશે, હું તેનો જવાબ આપીશ.

પીએમએલએ હેઠળ કેસ નોંધાયો
વાસ્તવમાં ED અધિકારીઓએ 10 જુલાઈએ કહ્યું હતું કે યુટ્યુબર એલ્વિશ યાદવની ગૌતમ બુદ્ધ નગર પોલીસ દ્વારા સાપના ઝેર-રેવ પાર્ટી કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવશે. તેમને 23 જુલાઈએ EDના લખનૌ યુનિટ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ આ વર્ષે મે મહિનામાં EDએ રેકેટમાં સામેલ મોટી રકમને ધ્યાનમાં રાખીને સાપના ઝેરની દાણચોરીના કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો.

એલ્વિશ સાપના ઝેરની દાણચોરીનો ઇનકાર કરે છે
એલ્વિશ યાદવની 17 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. આ પછી તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. જોકે પાંચ દિવસ બાદ સ્થાનિક કોર્ટે તેમને જામીન આપી દીધા હતા. FIR દાખલ થયાના લગભગ છ મહિના બાદ 6 એપ્રિલે ગૌતમ બુદ્ધ નગર પોલીસે આ કેસના સંબંધમાં એલ્વિશ અને અન્ય સાત લોકો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ 1,200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે કેવી રીતે સાપની દાણચોરી કરવામાં આવી હતી અને પાર્ટીઓમાં સાંપના ઝેરનો ઉપયોગ કેવી રીતે થતો હતો. એલ્વિશે પોતાની સામે લાગેલા આરોપોને નકરી કાઢ્યા હતા. તેમજ તેમણે આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા હતા. બાદમાં પોલીસે તેમની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ આરોપો હટાવી દીધા હતા. તતેમજ પોલીસે કહ્યુ હતું કે આવું ભૂલથી થયું હતું.

Most Popular

To Top