સુરત : ડાંગ (Dang) જિલ્લાના સુબીર તાલુકાના પાદલખડી ગામમાં શ્રમજીવી પરિવારનો 7 વર્ષનો દીકરો વીજળીના થાંભલા (Electricity pylons) પર ચઢ્યો હતો ત્યારે તેને કરંટ (Current) લાગતા બંને હાથે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને સુરતની સિવિલ હોસ્પિટલમાં (Hospital) ખસેડાયો હતો જ્યાં તેના બંને હાથ (Hand) કાપવા પડ્યા હતા. આ સાથે પરિવારે ભારે હૈયે હાથ કાપવાની તૈયારી બતાવી હતી.
- સુબીરના પાદલખડી ગામના શ્રમજીવી પરિવારનો દીકરો વીજળીના થાંભલા પર ચઢતા કરંટ લાગ્યો અને નીચે પટકાયો
- સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તબીબોએ પરિસ્થિતિ અને રિપોર્ટના આધારે બંને હાથ કાપવાનું નક્કી કર્યું
- પરિવારે ભારે હૈયે હાથ કાપવાની તૈયારી બતાવતા તબીબોએ બંને હાથ કાપીને સારવાર કરી, સ્થિતિ હાલ સુધારા પર
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના પાદલખડી ગામમાં સોમભાઈ ભોયે પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને 7 વર્ષનો દીકરો ઉમેશ છે. સોમભાઈ અને તેમની પત્ની ખેતરમાં મજુરી કામ કરે છે. રવિવારે બપોરે ઉમેશ કોઈ કારણસર વીજળીના થાંભલા પર ચઢ્યો હતો. ત્યાં તેને કરન્ટ લાગતા નીચે પટકાયો હતો. કરન્ટ લાગવાથી તે બંને હાથે ગંભીર રીતે દાઝી ગયો હતો.
પરિવારજનો તેને સારવાર માટે પહેલા વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તબીબોએ તેની પરિસ્થિતિ અને તેના રિપોર્ટ કઢાવ્યા હતા. જેને પગલે તેના હાથ હવે કામ આવે સ્થિતિમાં નહીં હોવાથી ઓપરેશન કરીને તેના બંને હાથ કાપવાનું નક્કી કર્યું હતું. પરિવારે ભારે હૈયે હાથ કાપવાની તૈયારી બતાવી હતી. તબીબોએ ઓપરેશન કરીને ઉમેશના બંને હાથ કાપીને ઉમેશની સારવાર કરી હતી. ઉમેશની સ્થિતિ હાલ સુધારા પર છે. ઉમેશ શા માટે વીજળીના શાંભલા પર ચઢ્યો હતો તે વિશે પરિવારને પણ કાંઈ ખબર નથી.