Business

વીજ કર્મચારીઓનો સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ,ખાનગી કરણ અને વીજળી સુધારા બિલ સામે લડતની ચેતવણી

ગુજરાતમાં વીજળી ક્ષેત્રમાં ખાનગીકરણ અને પ્રસ્તાવિત વીજળી (સુધારા) બિલ 2025 સામે આજે ઉર્જા કર્મચારીઓ અને અધિકારીઓએ સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશનના આહ્વાન પર ગુજરાત રાજ્યની વિવિધ વીજ કંપનીઓના જિલ્લા સ્તરે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થયા અને સરકારના નિર્ણય સામે કડક વલણ વ્યક્ત કર્યું.ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ હેડક્વાર્ટરના પદાધિકારીઓએ જણાવ્યું કે જો સંસદના બજેટ સત્ર દરમિયાન વીજળી (સુધારા) બિલ પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો રાજ્યભરના આશરે ૪૫ હજારથી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.

તેઓએ ચેતવણી આપી કે કોઈપણ વિપરીત પરિસ્થિતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.વિરોધ પ્રદર્શન દરમિયાન કર્મચારીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વીજળી ક્ષેત્રના ખાનગી કરણના કડક વિરોધમાં છે. તેમના મુજબ વીજ વિતરણ,ઉત્પાદન અને ટ્રાન્સમિશન ક્ષેત્રમાં ખાનગીકરણથી ગરીબ, નાના અને મધ્યમ વર્ગના ગ્રાહકો પર આર્થિક ભાર વધશે.ઉપરાંત, પ્રસ્તાવિત રાષ્ટ્રીય વીજ નીતિ 2026 અને વીજળી સુધારા બિલ 2025 તાત્કાલિક પાછું ખેંચવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે.સંકલન સમિતિએ વધુમાં જણાવ્યું હતું કે વીજળી ક્ષેત્રમાં વધતી આઉટસોર્સિંગની પ્રથા બંધ થવી જોઈએ.નિયમિત ખાલી જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવે અને આઉટસોર્સ કર્મચારીઓને નિયમિત કરવામાં આવે તેવી માંગ પણ રજૂ કરવામાં આવી છે. કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ફરી અમલમાં લાવવાની માંગણી સાથે પોતાના હકો માટે એકજૂટતા દર્શાવી.

સુરત ના કાપોદ્રા વિસ્તાર ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ ઓફિસ બહાર આવી સૂત્રોચ્ચાર કર્યા અને વિરોધ નોંધાવ્યો. આંદોલન દરમિયાન શાંતિપૂર્ણ રીતે પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી, પરંતુ આગલા સમયમાં આંદોલન વધુ તેજ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.સંકલન સમિતિના આગેવાનોએ તમામ યુનિયન અને એસોસિએશનના સભ્યોને એકતા જાળવી સરકાર પર દબાણ વધારવા અપીલ કરી છે. આવનારા દિવસોમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો રાજ્યવ્યાપી આંદોલન તેજ બનાવવાની ચેતવણી સાથે કર્મચારીઓએ પોતાની લડત ચાલુ રાખવાની ઘોષણા કરી છે..

Most Popular

To Top