ગાંધીનગર : ખેતીવાડીમાં બોર અથવા કુવા માટે વપરાતી મોટરથી પાણી કાઢી ખેતીની સિંચાઈના ઉપયોગ માટે થતો વીજ વપરાશ તથા તે માટેની લાઈટીંગમાં થતા વીજ વપરાશ પર કોઈ પણ પ્રકારનો વીજ કર લેવામાં આવતો નથી, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઇએ જણાવ્યું હતું.
વધુમાં નાણા મંત્રીએ કહ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારના રહેણાંક કક્ષાના વીજ ગ્રાહકો પાસેથી વાર્ષિક ૨૫૦ યુનિટના વપરાશ સુધી કોઈ વીજ કર લેવામાં આવતો નથી. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે પર્યાવરણની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા સૂર્ય અને પવન ઊર્જા પર પણ કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી.
આ ઉપરાંત ‘નો પ્રોફિટ’ના ધોરણે ચાલતી હોસ્પિટલો, દવાખાનાઓ, રાજ્ય અથવા કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોટીફાઇડ એરિયા અને કેન્ટોનમેન્ટ બોર્ડ દ્વારા સંચાલિત પબ્લિક સ્ટ્રીટ લાઈટ, પબ્લિક વોટર વર્ક્સ, પબ્લિક ગાર્ડન, ઝૂ, પબ્લિક મ્યુઝિયમ, પબ્લિક ડ્રેનેજ અને ગટર માટે થતો વીજ વપરાશ જેવી સેવાઓને વીજ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે.