નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે શુક્રવારે 2 ઓગસ્ટના રોજ રાજકીય પક્ષો (Political parties) દ્વારા કોર્પોરેટ કંપનીઓ પાસેથી ચૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા રાજકીય દાનની તપાસ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અસલમાં સુનાવણી દરમિયાન સુપ્રીમે ‘સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ’ (SIT) દ્વારા તપાસની માંગ કરતી અરજીને (Petition) ફગાવી દીધી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ કથિત કૌભાંડની તપાસ કરવાની અત્યારે જરૂર નથી. કોઈને શંકા હોય તેવા કિસ્સામાં અરજીકર્તા કાયદાકીય માર્ગ અપનાવી શકે છે. જો કોઈ ઉકેલ ન આવે તો તેઓ કોર્ટમાં જઈ શકે છે. અસલમાં અગાઉ એનજીઓ ‘કોમન કોઝ’ અને ‘સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન’ (CPIL)એ એક અરજી ફાઇલ કરી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કથિત રીતે લાંચ આપવામાં આવી હતી. ત્યારે અરજદારોએ જણાવ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા આપવામાં આવેલા દાનમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે. સીબીઆઈ કે અન્ય કોઈ તપાસ એજન્સી આ મામલાની તપાસ કરી રહી નથી. આવી સ્થિતિમાં, અમે માંગ કરીએ છીએ કે કોર્ટની દેખરેખ હેઠળ SIT તપાસ કરવામાં આવે.
CJI DY ચંદ્રચુડે કહ્યું…
આજની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે ચંદ્રચુડે કહ્યું હતું કે કોર્ટ સમક્ષ એક અરજી કરવામાં આવી હતી. જેમાં કંપનીઓ અને રાજકીય પક્ષો સામે તપાસ કરવા, ગેરરીતિથી મેળવેલ નાણા જપ્ત કરવા, કંપનીઓ પર દંડ લાદવા, કોર્ટ દ્વારા દેખરેખ હેઠળની તપાસ કરવા અને આવકવેરા વિભાગને 2018 થી ફરી રાજકીય પક્ષોની તપાસ કરવાની મંજૂરી આપવા માટે SITની માંગ કરવામાં આવી હતી.
CJIએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વકીલોએ જણાવ્યું હતું કે અમારા અગાઉના આદેશ પછી જાહેર કરવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડના ડેટામાં સરકાર પાસેથી લાભ લેવા માટે કંપનીઓ દ્વારા દાન આપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. વકીલોનું કહેવું છે કે SIT બનાવવી જરૂરી છે કારણ કે સરકારી એજન્સીઓ કંઈ કરશે નહીં. તેમના મતે, ઘણા કિસ્સાઓમાં એજન્સીઓના કેટલાક અધિકારીઓને દાન માટે દબાણ કરવામાં આવે છે.
કોર્ટ સીધી તપાસ શરૂ કરી શકે નહીં – CJI
સમગ્ર મામલે મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડની ખરીદી સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા હેઠળ કરવામાં આવી હતી. ત્યારે રાજકીય પક્ષોને સમાન કાયદાના આધારે દાન મળતું હતું. આ કાયદો હવે રદ કરવામાં આવ્યો છે. હવે એ નક્કી કરવાનું છે કે શું ઇલેક્ટોરલ બોન્ડની તપાસની જરૂર છે? કોર્ટને મળલી અરજીઓમાં દાવા કરવામાં આવ્યા છે કે કંપનીઓ દ્વારા રાજકીય પક્ષોને નફો કમાવવા માટે અને સરકારી કોન્ટ્રાક્ટ મેળવવા માટે દાન આપવામાં આવ્યું હતું. તેમજ આ મામલે અરજદારો પણ માને છે કે સરકારી એજન્સીઓ તપાસ કરી શકશે નહીં.
સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી યોગ્ય નથી – CJI
CJIએ કહ્યું હતું કે જ્યારે કાયદાકીય વિકલ્પો ઉપલબ્ધ હોય ત્યારે સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવી યોગ્ય નથી. અમને રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા દાનને જપ્ત કરવું અથવા આવકવેરાની પુન: આકારણી માટે પૂછવું જરૂરી લાગતું નથી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ એસઆઈટીની રચના કરવાની અત્યારે કોઈ જરૂર નથી.