Editorial

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, ભાજપ-કોંગ્રેસ અને આપ ક્યાં છે તે ખબર પડી જશે

રાજ્યની પ્રજા શું માની રહી છે અને કયા પક્ષને વધુ પસંદ કરી રહી છે તેનો ચિતાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મળે છે. ગુજરાતમાં કોરોનાના સમય 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થઈ હતી. હવે પાંચ વર્ષ પુરાં થતાં ફરી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં 15 મહાનગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોમાં આ ચૂંટણી થશે.

ગુજરાત ચૂંટણીપંચે 1લી એપ્રિલના રોજ ચૂંટણીની જાહેરાત કરતાં કહ્યું છે કે, આગામી તા.26મી એપ્રિલના રોજ આ ચૂંટણીમાં મતદાન થશે અને તા.28મી એપ્રિલના રોજ મતગણતરી કરવામાં આવશે. ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો અમલ પણ શરૂ થઈ ગયો છે. આશરે 10005 બેઠકો માટે આ ચૂંટણી થશે અને તેમાં 4.18 કરોડ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. મતદારો સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન મથકો પર મતદાન કરી શકશે. હાલમાં આ તમામ ઠેકાણે જ્યાં ચૂંટાયેલી પાંખ નથી ત્યાં વહીવટદારની વરણી કરી દેવામાં આવી છે.

પાંચ વર્ષ પહેલા 2021માં તા.23મી જાન્યુ.ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ હતી અને તા.5મી માર્ચના રોજ ચૂંટણી પૂરી થઈ હતી. જોકે, આ વખતે SIRની કામગીરી હાથ ધરવામાં આવી હોવાને કારણે ચૂંટણીની સમયસર જાહેરાત કરી શકાય નથી અને તેને કારણે વહીવટદાર નિમવાની સરકારને ફરજ પડી હતી. આ વખતની ચૂંટણી માટે તા.6ઠ્ઠી એપ્રિલના રોજ જાહેરનામું બહાર પડી જશે અને તા.11મી એપ્રિલ સુધીમાં ઉમેદવારી કરવાની રહેશે. બાદમાં મતદાન થશે.

આ ચૂંટણીઓ માટે આપ પાર્ટી દ્વારા અનેક મહાનગર પાલિકા માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદીની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે ભાજપમાં હજુ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. કોંગ્રેસમાં પણ કોને ટિકિટ આપવી તેની મથામણ ચાલી રહી છે. ભાજપે આ વખતે પોતાના નિરિક્ષકોના નામો છેલ્લે સુધી જાહેર કર્યા નહોતા અને સવારે સેન્સની પ્રક્રિયા વખતે જ બધાને ખબર પડી હતી કે નિરીક્ષકો માટે આ આગેવાનો આવ્યા છે. ભાજપમાં સેટિંગ નહીં થાય તે માટે હાઈકમાન્ડે આ સ્ટ્રેટેજી અપનાવી હતી. જોકે, ભાજપમાં તમામ ટિકિટો પ્રદેશ સ્તરેથી જ નક્કી થનાર હોવાથી આ સ્ટ્રેટેજીનો એટલો મતલબ રહે તેમ નથી.

સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓ ભાજપની સાથે સાથે કોંગ્રેસ અને આપ માટે પણ લિટમસ ટેસ્ટ સમાન પુરવાર થશે. મનપા, જિ. પં. અને તા.પં.માં લગભગ તમામ ઠેકાણે ભાજપનું જ શાસન હતું. ભાજપ ફરી પોતાનું જ શાસન રહે તે માટે અનેક પ્રયાસો કરશે. આપ માટે સુરત મહાનગરપાલિકા એ સફળ અભિયાન રહ્યું હતું. આ વખતે આપ દ્વારા એવા પ્રયાસો કરાશે કે સુરતમાં વધુને વધુ બેઠકો આવે. તો કોંગ્રેસ માટે પોતાનું અસ્તિત્વ ટકાવવાનો સવાલ છે. એક સમયે મોટાભાગની જિલ્લા પંચાયતો કબજે કરનાર કોંગ્રેસ બાદમાં ક્ષીણ થઈ રહી હતી. આ વખતે પણ કોંગ્રેસની એવી તૈયારી જ નથી કે આ તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પોતાનું શાસન સ્થાપે.

કોંગ્રેસના જુના જોગીઓ કે જેઓ ચૂંટણી જીતી શકે તેમ નથી તેવાના હાથમાં ફરી બાગડોર સોંપીને હાઈકમાન્ડે પહેલેથી જ હાર માની લીધી હોવાની સ્થિતિ છે. કોંગ્રેસના આ વખતે પણ તેના પરંપરાગત મતો મળશે પરંતુ જે રીતે જીતવા માટે મહેનત જરૂરી છે તેવી મહેનત કોંગ્રેસ દ્વારા સ્હેજેય કરવામાં આવી રહી નથી તે હકીકત છે. આ ચૂંટણી કોંગ્રેસ માટે ખુબજ મહત્વની છે. કારણ કે છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો ઘટી હતી. કોંગ્રેસ અને આપ દ્વારા સમજુતિ કરવામાં આવે તો જ ભાજપને પડકાર આપી શકે તેમ છે.

બીજી તરફ ભાજપમાં પણ આંતરિક જુથવાદ ખૂબ જ પ્રબળ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપમાં અંદરખાને જ્વાળામુખી ભરેલો જ છે. વિસાવદરની ચૂંટણીમાં પણ ભાજપે આંતરિક જુથવાદમાં જ બેઠક ગુમાવવી પડી હતી. એક સમયની શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભાજપમાં હવે કોંગ્રેસની જેમ નેતાઓનો જુથવાદ મોટો થઈ રહ્યો છે. આ ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને આપને તેઓ કયા સ્થાને છે તેનો અહેસાસ કરાવી દેશે તે નક્કી છે.

Most Popular

To Top