ગાંધીનગર: રાજ્ય સરકારે રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ના વહીવટને વધુ પારદર્શક અને સુચારું બનાવવા માટે એકસાથે બે મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણયો લીધા છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની 9 APMCમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજવા માટે સત્તાવાર સૂચનાઓ જારી કરવામાં આવી છે, જ્યારે વહીવટી કારણોસર અન્ય 15 APMCની મુદત છ મહિના માટે લંબાવવામાં આવી છે.
કૃષિ અને સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં નિયમો મુજબ તાત્કાલિક ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની કાર્યવાહી કરવા માટે ‘ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર’ નિયામકને સૂચના આપવામાં આવી છે, જેના કારણે સ્થાનિક સ્તરે ખેડૂત પ્રતિનિધિઓની લોકશાહી રીતે પસંદગીનો માર્ગ વધુ મોકળો બન્યો છે. આ નિર્ણયના પરિણામે દેવભૂમિ દ્વારકાની ભાણવડ, અમદાવાદની ધોલેરા, સાબરકાંઠાની તલોદ, નર્મદાની સાગબારા, તાપીની કુકરમુંડા, સુરેન્દ્રનગર, સુરતની કામરેજ, બોટાદની રાણપુર અને બરવાળા સહિત કુલ 9 બજાર સમિતિઓમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે.
બીજી તરફ રાજ્યમાં ચાલી રહેલી મતદારયાદી સુધારણા (SIR)ની કામગીરીને કારણે રાજ્ય ચૂંટણી પંચના આદેશથી જિલ્લા રજિસ્ટ્રાર અને કચેરીનો સ્ટાફ વ્યસ્ત હોવાથી કેટલીક બજાર સમિતિઓમાં તાત્કાલિક ચૂંટણી કરવી શક્ય ન હોવાથી સરકાર દ્વારા 15 APMCને જાહેરનામાની તારીખથી છ મહિનાનો મુદત વધારો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ખેડા જિલ્લાની ઠાસરા અને ગળતેશ્વર, બનાસકાંઠાની દિયોદર, ભાભર અને ધાનેરા, જૂનાગઢ, અમદાવાદની ધોળકા અને બાવળા, મહેસાણાની બેચરાજી, પંચમહાલની શહેરા, છોટાઉદેપુરની નસવાડી અને છોટાઉદેપુર, સાબરકાંઠાની પ્રાંતિજ, બોટાદની ગઢડા તથા અમરેલીની ખાંભા બજાર સમિતિનો સમાવેશ થાય છે. જો કે, જે બજાર સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમો કે અદાલતી ચુકાદાના આધારે ચાલી રહી છે, તેવી સમિતિઓને આ મુદત વધારાનો લાભ મળશે નહીં.