Gujarat

80 વર્ષથી વધુ વયના લોકો ઘરેથી જ મતદાન કરી શકશે

ગાંધીનગર : કેન્દ્રિય મુખ્ય ચૂંટણી કમિશનર (Election Commissioner) રાજીવ કુમારે બે દિવસની ગુજરાતની (Gujarat) મુલાકાત પૂર્ણ કરતાં પહેલા ગાંધીનગરમાં (Gandhinagar) મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં નિરસ મતદાન જોવા મળી રહ્યું છે, જેના પગલે શહેરી વિસ્તારોના મતદાન મથકો અલગથી ઓળખી કાઢીને તેમાં મતદાનની ટકાવારી વધારવા ખાસ પ્રયત્નો કરવા જિલ્લા કલેક્ટરોને તાકીદ કરાઈ છે. 2017મા ગુજરાતમાં સરેરાશ 69.01 ટકા મતદાન થયું હતું.

રાજીવ કુમારે કહ્યું હતું કે રાજયમાં સીનિયર સિટિઝન તથા શતાયુ મતદારો તથા દિવ્યાંગ મતદારોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરવા ખાસ સુવિધા અપાશે. તેવી જ રીતે પહેલાથી જિલ્લા કલેકટરને જાણ કરે તો તેમના ઘરે જ મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા કરાશે. તેમણે યુવા મતદારોને લોકશાહીની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈને વધુ મતદાન કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજયના તમામ જિલ્લા કલેકટરો તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે ચૂંટમી પંચની બેઠક થઈ ચૂકી છે. રાજયના પોલીસ વડા તથા ચીફ સેક્રેટરી સાથે પણ બેઠક થઈ છે. ખાસ કરીને ચૂંટણીની જાહેરાત થયા બાદ ગુજરાતમા દારૂ, ડ્રગ્સ તથા બ્લેક મનીની હેરફેર અટકાવવા સખતાઇથી પગલા લેવા જરૂરી છે. જો તેમાં કોઈ પણ અધિકારી ફરજ દરમિયાન ચૂક કરશે તો તેની સામે પગલે લેવાશે.

ગુજરાતમાં કોઈને પણ ખોટી રીતે કનડગત ના થાય તે પણ જોવાની જવાબદારી તંત્રની છે. ખોટા કેસો કરીને ફરિયાદના આંકડા વધારવાની જરૂરત નથી, પણ માફિયા તત્વોને છોડવાના પણ નથી. તેમણે જણાવ્યું હતું કે રાજયમા 80 વર્ષથી વધુ ઉમર હોય તેવા 10 લાખ જેટલા મતદારો છે, 4.13 લાખ જેટલા દિવ્યાંગ મતદારો , શતાયુ થયા હોય તેવા 11,842 જેટલા મતાદરો છે. જયારે 1251 જેટલા કિન્નર મતદારો છે. સીનિયર સિટિઝન તથા શતાયુ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકોએ અલગથી વ્યવસ્થા કરાશે, ખાસ કરીને રેમ્પ પણ તૈયાર કરાશે, સીનિયર સિટિઝન તથા શતાયુ મતદારો ઈચ્છે તો કલેકટર સમક્ષ ફોર્મ ભરીને તેમના ઘરે જ મતદાનની વ્યવસ્થા માટે લખી શકશે.

રાજયમાં 10ઓકટોબરના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવાશે, તે પછી પણ જોઈ યુવા 18 વર્ષ પૂર્ણ કરી દીધા હોય તો પોતાનું નામ મતદાન યાદીમા દાખલ કરી શકશે. રાજયમાં 51,782 જેટલા મતદાન મથકો આવેલા છે. તે પૈકી 50 ટકા મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ કરાશે. તેવી જ રીતે મતદાન મથકો ગ્રાઉન્ડ ફલોર પર રખાશે. જયારે પ્રત્યેક વિધાનસભા મતક્ષેત્રમાં 7 મતદાન મથકો મહિલા અધિકારી – કર્મચારી દ્વ્રારા સંચાલિત હશે. તેવી જ રીતે એક મતદાન મથક દિવ્યાંગ અધિકારી કે કર્મચારીઓ દ્વારા સંચાલિત રહેશે. મતદાન મથક કોઈ ખાનગી બંગલામાં ન હોવુ જોઈએ ,તેવી પણ ચૂંટણી પંચે સૂચના આપી છે. રાજયમાં ઈવીએમ જયા પણ આવે તેની મુવમેન્ટની વીડિયોગ્રાફી કરાશે એમ મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજયમાં 16 હજાર જેટલા વોરંન્ટની બજવણી થઈ જ નથી, એટલે આ તમામ કિસ્સામાં તાત્કાલિક નોન બેલેબલ વોરંન્ટ ઈશ્યુ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની રહેશે.

આ વર્ષે થનારી ચૂંટણીના મતદાનમાં ઓછામાં ઓછા 50 ટકા મતદાન મથકો પર વેબ કેમેરા લગાવવામાં આવશે. ચૂંટણી નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને સુરક્ષાપૂર્ણ માહોલમાં યોજાય તે માટે તૈયારીઓ કરવામાં આવી છે. પ્રત્યેક વિધાનસભામાં સાત બુથ મહિલા સંચાલિત હશે. પોલીસ સુરક્ષા કર્મચારી પણ મહિલા હશે. એક બુથ દિવ્યાંગ સંચાલિત રહેશે. ચૂંટણી પંચે મહત્વની જાહેરાત કરતાં કહ્યું કે 80 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના મતદારો ઘરેથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકોના સન્માનમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. આ વખતની ચૂંટણીના મતદાનમાં વિડીયોગ્રાફી પણ થશે અને રાજકીય પક્ષોના એજન્ટ, ઉમેદવારો હાજર રહી શકશે. નાગરિકો કે મતદારો પોતાના વિસ્તારમાં ચાલતી અયોગ્ય પ્રવૃત્તિઓનો વિડીયો કે ફોટો વિગતો સાથે ચૂંટણી પંચની એપ્લિકેશન પર અપલોડ કરી શકશે, જેમાં તેમની ઓળખ ગુપ્ત રખાશે.
પંચે જણાવ્યું હતું કે અમે ગુજરાતમાં ચૂંટણીલક્ષી માહિતી મેળવ્યા બાદ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી હતી અને તેમન અભિપ્રાય મેળવ્યા હતા. આ વખતની ચૂંટણીના મતદાનમાં નાગરિકોની હેરાનગતિ ન થાય તેવું ધ્યાન રાખવામાં આવશે. રોકડના મામલામાં રાજ્ય પોલીસ વડાએ જિલ્લાના પોલીસ વડાને સૂચના આપી છે. ચૂંટણીના મતદાનનો સમય એક કલાક વધારવા અંગે ચર્ચા થઇ છે. આખરી મતદાર યાદી બાદ આ અંગે નિર્ણય કરાશે. કોઇપણ ખાનગી વ્યક્તિઓને ચૂંટણી વ્યવસ્થામાં જોડવામાં નહીં આવે. ખાનગી બંગલામાં મતદાન થતું હશે તો તેનું ધ્યાન રખાશે.

ગુનાહિત ઉમેદવારો અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે ચૂંટણી લડવાનો પ્રત્યેક વ્યક્તિને અધિકાર છે. કોઇ ઉમેદવારનો ગુનાહિત ઇતિહાસ હોઇ શકે છે. આવા ઉમેદવારોએ ઓછામાં ઓછાં ત્રણવાર પોતાના ગુનાઓની જાહેરાત કરવી પડશે. ઉમેદવારી પત્ર ભર્યા બાદ આ જાહેરાત કરવાની રહેશે. કેવાયસી એપ્લિકેશન પર આ અંગે માહિતી ઉપલબ્ધ રહેશે. રાજકીય પક્ષોએ પણ ત્રણ વખત મીડિયામાં એડ આપીને જાણ કરવાની રહેશે કે તેમણે ગુનાહિત ઇતિહાસવાળો ઉમેદવાર કેમ ઉભો રાખ્યો છે ? પંચે જણાવ્યું હતું કે પ્રલોભન મુક્ત ચૂંટણી અંગે તૈયારી કરવામાં આવી છે. ચૂંટણીના સમયે દારૂ મળવાની વિગતો સામે આવશે તો જે તે વ્યક્તિની તપાસ કરાશે. સરહદી જિલ્લામાંથી દારૂ કેવી રીતે પસાર થયો તેનો અધિકારીએ જવાબ આપવો પડશે. ડ્રગ્સ અંગે પણ ધ્યાન રખાશે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે જણાવ્યું હતું કે અમે જ્યારે પણ ચૂંટણીઓ જાહેર કરીશું ત્યારે પહેલાં મિડીયાને જાણ કરીશું. અમારા આવ્યા પહેલાં કેટલાક સ્વ-નિયુક્ત જ્યોતિષીએ તારીખો જાહેર કરી છે તે ઠીક નથી. ચૂંટણી ક્યારે કરવાની છે તેની તારીખ અમે જાહેર કરીશું.

Most Popular

To Top