SURAT

સુરત મહાનગરપાલિકાની ચૂંટણી : રાજકીય પક્ષો તેમજ અપક્ષોએ ભારે ધસારો કરી મૂક્યો

સુરત: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના અંતિમ દિવસે ઉમેદવારી કરવા માટે અપેક્ષા મુજબ જ રાજકીય પક્ષો તેમજ અપક્ષોએ ભારે ધસારો કરી મૂક્યો હતો અને તેના પ્રતાપે જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કુલ 30 વોર્ડની 120 બેઠકો માટે સુરતના જુદા જુદા 15 રિટર્નિંગ ઓફિસરસર્સ સમક્ષ કુલ 1,357 જેટલા વિક્રમી સંખ્યામાં ઉમેદવારીપત્રો ભરાઇને આવ્યા છે. હજુ તા.5મી ફેબ્રુઆરી સુધી તો ફક્ત 135 ફોર્મ જ ભરાયા હતા, ઉમેદવારી કરવાના અંતિમ દિવસે અધધ 1,217 જેટલા ઉમેદવારીપત્રો ભરાતાં જિલ્લા ચૂંટણી તંત્રના સ્ટાફે પણ આખો દિવસ અને મોડી રાત સુધી પરસેવો પાડ્વો પડ્યો હતો.

સુરતમાં સૌથી વધુ ફોર્મ વોર્ડ નં.28 પાંડેસરા-ભેસ્તાન વિસ્તાર માટે ભરાયા છે. અહીં કુલ 58 જેટલા ઉમેદવારીપત્રો ભરાયા હોવાની માહિતી મળી છે.

સવારથી જ રિટર્નિંગ ઓફિસર્સ સમક્ષ ઉમેદવારીપત્રો ભરવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. કેટલાક ઉમેદવારો તો ભીડ થઇ જશે અને રહી જઇશું એવા ડરથી કચેરીઓ શરૂ થાય એ પહેલાથી જ રિટર્નિંગ ઓફિસરની ઓફિસ પર પહોંચી ચૂક્યા હતાં. તો બીજી તરફ રાજકીય પક્ષોના નેતાઓ મેન્ડેટ લઇને અધિકારીઓને મળવા દોડી ગયા હતાં. સવારે સાડા દસથી શરૂ થયેલી ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયામાં આખો દિવસ દરેકે-દરેક વોર્ડમાં ઉમેદવારી કરવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો.

દરેક રિટર્નિંગ ઓફિસરની કચેરીમાં ભારે ભીડ જોવા મળી હતી. કેમકે એક ઉમેદવારની સાથે 6 સમર્થકો, વકીલ તેમજ અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં. મોડીરાત સુધી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે નિમાયેલા તમામ 15 રિટર્નિંગ ઓફિસર્સના સ્ટાફ દ્વારા ભરાયેલા કુલ 1357 ઉમેદવારીપત્રોનું પક્ષવાર વર્ગીકરણ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. રિટર્નિંગ ઓફિસરોએ સવારથી દરેક કચેરી ઉપર ફોર્મ સ્વીકારવા માટે વ્યવસ્થા કરી લીધી હતી. જને પગલે તંત્રને રાહત થઇ હતી.

સિટી પ્રાંત કચેરીએ તો સાડા ત્રણ વાગ્યા સુધી કામગીરી આટોપી લીધી

સુરત સિટી પ્રાંત ઓફિસર સંજય રજવાડીએ સવારથી ઉમેદવારીપત્રકો સ્વીકારવા માટે અલાયદા ટેબલ ગોઠવી વ્યવસ્થા કરી હતી. જેને પગલે સવારથી દરેક ઉમેદવારના ફોર્મ જોઇ જે કવેરી રેઝ થઇ હતી તે અંગે જાણ કરી હતી. જેમ જેમ જે ઉમેદવારના ફોર્મમાં કોઇ ડોકયુમેન્ટસ ઘટે તો તેમને સવારથી ચેક કરી તાકિદે જમા કરાવવા તક આપી હતી. જેને પગલે સિટી પ્રાંત કચેરીએ ઝડપથી કામગીરી પૂરી કરી દીધી હતી. સિટી પ્રાંત કચેરીના શિરસ્તેદાર યોગશ પટેલએ કહ્યું હતું કે, ફોર્મ સ્વીકારવા અને ચકાસણી માટે સ્ટાફને તાલિમ આપી દેવાઇ હતી. જેને પગલે સૌથી પહેલા આ કચેરીએ ઉમેદવારીપત્રકો સ્વીકારવાનું કામ પાર પાડયું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top